Surat: નવા વર્ષથી ટ્રાફિક નિયમોનો ભંગ પડશે મોંઘું; ઓવર સ્પીડીંગ સામે એફઆઈઆર નોંધાશે
અમદાવાદઃ સુરત પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સૂચનાથી સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવા સુધીની કાર્યવાહી કરશે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડકાઈ પ્રાપ્ત વિગતો પ્રમાણે આવનારા નવા વર્ષમાં રાજ્ય સરકાર ટ્રાફિક નિયમન મુદ્દે વધુ સખતાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી રહી છે. જેના ભાગ રૂપે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર અને મહાનગર પાલિકા સાથે ટ્રાફિક નિયમન વિશે બેઠક કરી વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા કે દૂર કરવા માટેના નિર્ણય કર્યા હતા. આવનાર દિવસોમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી દેવાઈ છે.
આપણ વાંચો:સુરત ગેંગરેપનો વધુ એક આરોપીને ચાલતી ટ્રેનમાં પોલીસે ઝડપી લીધો…
શું કહ્યું સુરત પોલીસ કમિશનરે? આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, ગૃહરાજ્ય પ્રધાન, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આવનાર દિવસોમાં ટ્રાફિક નિયમનને લઈને વધુ કડકાઈ રાખવામાં આવશે. સિગ્નલ ઉપર વાહનચાલકો જ્યારે એકથી બે સેકન્ડ જોતા હોય છે ત્યારે પોતાનું વાહન ખૂબ ઝડપથી હંકારતા હોય છે. તેને કારણે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. આવનાર દિવસોમાં આવા વાહનચાલકો સામે એફઆઈઆર કરવા માટેનું પણ અમે વિચારી રહ્યા છે. શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી શરૂ કરશે.