સ્પોર્ટસ

યશસ્વીએ એ ઑસ્ટ્રેલિયન ફીલ્ડરને કહી દીધું, `તું તારું કામ કર…’

મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ મેલબર્નની ચોથી ટેસ્ટ પહેલાં 1-1ની બરાબરીમાં હતી અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની લૉર્ડ્સ ખાતેની જૂનની ફાઇનલમાં પહોંચવા માટેની હરીફાઈ તીવ્ર હોવાથી મેલબર્નમાં મરણિયા બનીને જીતવાનું હતું એટલે હરીફ ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ થવું સ્વાભાવિક હતું અને એમાં સોમવારે એક ઘટના એવી બની ગઈ જેમાં શાંત સ્વભાવના ઓપનર યશસ્વી જયસ્વાલે પણ ગુસ્સો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર હોબાળો, ગાવસ્કર રોષે ભરાયા, ચીટર-ચીટરના નારા લાગ્યા

ભારતને જીતવા 340 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. યશસ્વી ક્રીઝમાં જામી ગયો હતો અને ભારતને મૅચ ડ્રૉમાં લઈ જઈ શકે એમ હતો, પણ કૅપ્ટન પૅટ કમિન્સે આક્રમક ફીલ્ડિંગ ગોઠવીને તેને પ્રેશરમાં લાવવા કોઈ કસર નહોતી છોડી. વિકેટકીપર ઉપરાંત સ્લિપના ફીલ્ડર્સ તેમના સ્થાને હોવા ઉપરાત કમિન્સે સિલી પૉઇન્ટ તથા ફોરવર્ડ શૉર્ટ-લેગ પર ફીલ્ડર ઊભા રાખીને યશસ્વી પર જોરદાર દબાણમાં લાવવાનો વ્યૂહ અપનાવ્યો હતો. 21 વર્ષીય યશસ્વીની નજીક ઊભેલો 19 વર્ષીય ઓપનર સૅમ કૉન્સ્ટૅસ તેની એકાગ્રતા તોડવા સતતપણે કંઈક બોલ્યા કરતો હતો.

એક તબક્કે કૉન્સ્ટૅસની બકબક એટલી બધી વધી ગઈ હતી કે યશસ્વીએ તેના તરફ જોઈને બોલવું પડ્યું હતું કે તું તારું કામ કર…’ યશસ્વી એટલી હદે કૉન્સ્ટૅસથી કંટાળી ગયો હતો કે તેને સાથી બૅટર રિષભ પંતે શાંત પાડવો પડ્યો હતો. યશસ્વીએ કૉન્સ્ટૅસ વિશે અમ્પાયરને પણ કહ્યું હતું કેપેલો શા માટે આટલું બધુ બોલ્યા કરે છે?’

થોડી વાર પછી યશસ્વીએ ઑફ સ્ટમ્પની બહાર પડેલા એક બૉલમાં એટલો જોરદાર શૉટ માર્યો હતો કે નજીકમાં ફીલ્ડિંગ કરી રહેલા કૉન્સ્ટૅસને સાથળ પર વાગ્યો હતો. કૉન્સ્ટૅસને દુખાવો થયો હશે, પણ તેણે ચહેરા પર એવો કોઈ ભાવ નહોતો બતાવ્યો.

પ્રથમ દાવના સેન્ચુરિયન સ્ટીવ સ્મિથે (140 રન) પણ મૅચ પછી કહ્યું હતું કે `કૉન્સ્ટૅસ એકસરખું બોલી રહ્યો હતો. મને લાગે છે કે એક વાર તો યશસ્વીએ તેને ચૂપ કરવા તેની તરફ જોરદાર ફટકો માર્યો હતો. જોકે જુઓને, તેણે (કૉન્સ્ટૅસે) ટીમમાં કેટલી બધી ઊર્જા લાવી દીધી છે.’

આ પણ વાંચો : WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયા નહીં જોવા મળે! હાર બાદ પોઈન્ટ ટેબલમાં નુકશાન

કૉન્સ્ટૅસે પ્રથમ દાવમાં 65 બૉલમાં 60 રન બનાવ્યા હતા. એ દાવ દરમ્યાન વિરાટ કોહલી તેની સાથે ખભાથી ટકરાયો હતો અને તે ચર્ચામાં આવી ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button