Gujarat: રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ – 7 મનપાને આપી કરોડોની ભેટ…
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં વિકાસનાં કામો માટે કુલ રૂ. 1000.68 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને 2026-27 સુધી તેને ચાલુ રાખી છે.
આ પણ વાંચો : Ahmedabad: થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને શહેર પોલીસનો એકશન પ્લાન
જુનાગઢ, જામનગર, ભાવનગરને મળી ભેટ
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ 141.37 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં નવી રચાયેલી મુન્દ્રા-બોરાઈ નગરપાલિકાને ચોમાસામાં ભારે વરસાદથી માર્ગોને થયેલા નુકસાનીની મરામત અને નવા માર્ગો માટે 7.75 કરોડ, વાઘોડિયા નગરપાલિકા માટે 4.46 કરોડ, ડભોઇ માટે 1.75 કરોડ તેમજ 3 મહાનગરપાલિકાઓ જુનાગઢને રૂ. 25 કરોડ, જામનગરને રૂ. 47.53 કરોડ તથા ભાવનગરને રૂ. 54.88 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
વડોદરા-ગાંધીનગર મનપાને 1.60 કરોડ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં 70:20:10ના ફાળા સાથે ખાનગી સોસાયટીઓમાં પેવર બ્લોક, ઘરગટર જોડાણ, પાણીની પાઇપલાઇન નાખવા જેવા વિવિધ કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 1.60 કરોડ ઉપરાંત ધાનેરા, વિરમગામ, દ્વારકા, આણંદ, કડી, નડિયાદ અને માણસા નગરપાલિકાઓ માટે કુલ 34.78 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ માટે 148.11 કરોડ
રાજ્ય સરકારે આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઇપલાઇન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે જુનાગઢ અને ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ચોટીલા, ધાનેરા, દહેગામ, ભરૂચ અને પાલનપુર નગરપાલિકાઓને કુલ મળીને 148.11 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો : જયારે કચ્છનું સામખિયાળી બન્યું આહીરાણી રાસનું કેન્દ્રઃ 3000 બહેનોએ લીધો ભાગ
જામનગર, ભાવનગર મનપાને 245 કરોડથી વધુની ગ્રાન્ટ
રાજ્ય સરકારે 611.39 કરોડના વિવિધ કામો મંજૂર કર્યા છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને 36.27 કરોડ સ્ટોર્મ વોટર લાઈન માટે, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને 18.27 કરોડ અને ઊંઝા નગર પાલિકાને 4.70 કરોડ મંજુર થયા છે.વડોદરા શહેરી વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 51.72 કરોડ તથા જામનગર, ભાવનગર મહાનગરપાલિકાને અનુક્રમે રૂ. 245.48 કરોડ અને 246.60 કરોડ તથા જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રૂ. 8.35 કરોડ મંજુર થયા છે તથા રાધનપુરમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.41.34 કરોડને અનુમતિ આપી છે.