આમચી મુંબઈ

મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ કેરળને ‘મીની પાકિસ્તાન’ ગણાવ્યું, આકરી પ્રતિક્રિયા આવ્યા બાદ કરી સ્પષ્ટતા

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ કેરળને ‘મીની પાકિસ્તાન’ ગણાવ્યા બાદ મોટો વિવાદ ઉભો થયો છે, જેના પર વિપક્ષે આકરી પ્રતિક્રિયાઓ આપ્યા બાદ નિતેશે ખુલાસો કરવો પડ્યો છે.

પુણે જિલ્લાના પુરંદર તાલુકામાં એક રેલીને સંબોધતા, રાજ્યના મત્સ્યઉદ્યોગ ખાતાના પ્રધાને કહ્યું હતું કે, ‘કેરળ તો મીની પાકિસ્તાન છે, તેથી રાહુલ ગાંધી અને તેમની બહેન ત્યાંથી ચૂંટાય છે. બધા આતંકવાદીઓ તેમને મત આપે છે. આ સત્ય છે, તમે પૂછી શકો છો. તેઓ આતંકવાદીઓનો સાથ લઈને સાંસદ બન્યા છે.’

એમવીએએ ટીકા કરી
વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)એ નિતેશ રાણેની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. શિવસેના (યુબીટી)ના નેતા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદી માત્ર એક લાખ મતોથી જીત્યા હોવાથી, તેઓ પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતને પચાવી શકતા નથી.

નીતેશ રાણેનું આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિવેદન છે. કેરળ ભારતનો ભાગ છે, આપણા લોકો ત્યાં રહે છે. જો તેમને લાગે છે કે તે પાકિસ્તાન જેવું બની રહ્યું છે, રાજ્યપાલ ફક્ત તેમના દ્વારા બનાવવામાં આવે છે, તો રાજ્યપાલ માહિતી કેમ આપી શકતા નથી. ગૃહ પ્રધાન અમિત શાહ છે, બધી એજન્સીઓ તેમના હેઠળ છે. આ એક ખરાબ રાજકારણ છે.’

આ પણ વાંચો : હાઈ કોર્ટનું મોટું પગલુંઃ મહારાષ્ટ્ર – ગોવામાં ‘વીડિયો કોન્ફરન્સિંગ’ સુનાવણીના નિયમો બદલ્યા…

કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કરતાં રાણેને કૅબિનેટનો ભાગ રહેવાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે રાણેનું કામ ફક્ત આ કરવાનું હતું.
નીતેશ રાણેએ વિવાદ પર સ્પષ્ટતા કરી

રાણેનો ખુલાસો
જેમ જેમ વિવાદ વધતો ગયો, રાણેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ કેરળની પરિસ્થિતિની તુલના પાકિસ્તાન સાથે કરી રહ્યા હતા.

કેરળ ભારતનો જ ભાગ છે. જોકે, હિન્દુઓની ઘટતી વસ્તી એવી બાબત છે જેની દરેકને ચિંતા થવી જોઈએ. હિન્દુઓનું મુસ્લિમ અને ખ્રિસ્તીમાં ધર્મ પરિવર્તન ત્યાં રોજિંદી બાબત બની ગઈ છે, એમ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર રાણેએ જણાવ્યું હતું.

લવ જેહાદના કેસ જેમાં હિન્દુ મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે તે પણ ત્યાં વધી રહ્યા છે. હું (કેરળમાં) પરિસ્થિતિની તુલના પાકિસ્તાન સાથે કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે, એવું વર્તન થતું હોય તો આપણે તેની સામે પગલાં લેવા જોઈએ. હું મારા ભાષણમાં એ જ કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એમ ભાજપ નેતાએ ઉમેર્યું હતું.

રાણેએ વધુમાં કહ્યું કે તેઓ ફક્ત તથ્યો જણાવી રહ્યા હતા અને તેમની સાથે એક વ્યક્તિ હતી જેણે ‘12,000 હિન્દુ મહિલાઓ’ને ‘ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ’માં જતાં રોકીને મદદ કરી હતી.

સમગ્ર પરિસ્થિતિની તુલના કરી શકાય છે. હું ફક્ત તથ્યો જણાવી રહ્યો હતો. મારી સાથે એક સજ્જન હતા જેણે 12,000 હિન્દુ મહિલાઓને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત થવાથી રોકીને મદદ કરી છે. મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિશે જે કહ્યું, તે તમે વાયનાડ મતવિસ્તારમાં કોઈને પણ પૂછી શકો છો. તેમને ટેકો આપનારા લોકો કોણ છે? એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button