શોકિંગઃ ક્રિકેટ રમતી વખતે ખેલાડીનું ‘હાર્ટ-એટેક’થી મોત
ડિસેમ્બરમાં બે ખેલાડીના મોતથી સ્પોટ્સ ક્ષેત્રમાં ચિંતાનો માહોલ
જાલના: કોરોના મહામારી પછી દિવસે દિવસે લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધતું જાય છે, તેમાંય વળી નાની ઉંમરના બાળકો કે યુવકો પણ હાર્ટ એટેકેનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જાલનામાં ક્રિકેટ મેચ રમતી વખતે અચાનક યુવક ઢળી પડ્તા મોત થયું હતું.
આ પણ વાંચો: ક્રિકેટના મેદાન પર આવ્યો હાર્ટએટેક, ખેલાડીનું થયું મૃત્યુ
જાલનામાં ક્રિકેટ મેચમાં બેટિંગ કરતી વખતે ૩૫ વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હોવાની ઘટના આજે બપોરે ૧૨ વાગ્યે જાલના ખાતે બની હતી. મૃતકની ઓળખ વિજય હરુન પટેલ (૩૫) તરીકે કરવામાં આવી હતી.
નાતાલ નિમિત્તે શહેરના આઝાદ મેદાનમાં ક્રિસમસ ટ્રોફી ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે જિજસ ટીમ વિરુદ્ધ યંગસ્ટર ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી. યંગસ્ટર ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે મેદાન પર વિજય પટેલ અને અન્ય ખેલાડી હતો.
મેચ રમતી વખતે વિજય પટેલ અચાનક પીચ પર ઢળી પડ્યો હતો. અન્ય ખેલાડીઓ તેની મદદે આવ્યા હતા અને હૉસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો. તપાસ દરમિયાન ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. રમતના મેદાનમાં અચાનક ખેલાડી ઢળી પડવાને કારણે લોકોએ ચિંતા સેવી હતી.
આ દરમિયાન છત્રપતિ સંભાજીનગર ખાતેના ગરવારે ક્રિકેટ સ્ટેડિયમ પર ૨૭મી નવેમ્બરે એક મેચ દરમિયાન ખેલાડી ઇમરાન પટેલ (૪૦)નું મૃત્યુ થયું હતું. તે પણ મેદાનમાં અચાનક ઢળી પડ્યો હતો અને હૉસ્પિટલમાં દાખલ કરાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એક મહિનામાં ઉપરાઉપરી બે ખેલાડીના મોત થવાને કારણે રમતગમત જગતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.