આમચી મુંબઈ

દહાણુમાં કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહાણુમાં પૂરપાટ દોડતી ઈકો કારે સામેથી આવેલી બાઈકને ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ યુવકનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં કારમાં પ્રવાસ કરનારી એક મહિલાને પણ ઇજા થઈ હતી. અકસ્માત બાદ કારનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.


કાસા પોલીસના જણાવ્યા મુજબ રવિવારની સાંજે 6.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોની ઓળખ રાહુલ ચંદુ હારકે (20), ચિન્મય વિલાસ ચૌરે (19) અને મૂકેશ રઘુનાથ વાવરે (20) તરીકે થઈ હતી. ત્રણેય યુવક બાઈક પર ટ્રિલ સીટ જઈ રહ્યા હતા.

પોલીસ ફરિયાદ અનુસાર દહાણુના ડોંગરી પાડા ખાતે રહેતો રાહુલ તેના પિતા ચંદુ હારકેની બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. સાંજે બે મિત્ર ચૌરે અને વાવરે સાથે તે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે વાઘાડી ગામની હદમાં તેની બાઈકને અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો : ડિજિટલ અરેસ્ટનો કૉલ કરનારા નકલી પોલીસને આ રીતે પજવ્યો મુંબઈના યુવાને

કહેવાય છે કે સામેની દિશામાંથી પૂરપાટ વેગે આવેલી ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કારે બાઈકને અડફેટે લેતાં ત્રણેય યુવક ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં કારમાં પ્રવાસ કરનારી કેતકી કિરણ મોરેના ડાબા હાથ અને માથા પર ઇજા થઈ હતી. સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા ત્રણેય યુવકને મૃત જાહેર કરાયા હતા.
ઘટના બાદ ઈકો કારનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે કાસા પોલીસે ગુનો નોંધી કારના રજિસ્ટ્રેશન નંબરને આધારે આરોપી ડ્રાઈવરની શોધ હાથ ધરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button