ભુજ

ક્યાં છે કાયદો ને વ્યવસ્થા? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સની તલવારના ઘા ઝીંકીને હત્યા…

ભુજઃ રાજ્યભરમાં રોજ બનતા અને વધતા ગુનાખોરીના કિસ્સાઓમાં વધુ એક અરેરાટી જગાવતો કિસ્સો ઉમેરાયો છે. ગ્રામ્ય વિસ્તારના માંડવી તાલુકાના ગોધરા ખાતે બસ સ્ટેશન પર ઊભીને પોતાની ફરજ પર જવા બસની પ્રતીક્ષા કરતી એક પરિચારિકા (નર્સ)ને જાહેરમાં તલવારના ઉપરા-ઉપરી ઘા ઝીંકીને રહેંસી નખાતાં કચ્છભરમાં અરેરાટી ફેલાઈ છે.

આ પણ વાંચો : કચ્છમાં ભૂકંપનું તોળાતું જોખમઃ ડિસેમ્બરમાં ત્રીજી વખત આવ્યાં ધરતીકંપના આંચકા

મળતી સત્તાવાર વિગતો પ્રમાણે સોમવારે વહેલી સવારે છ વાગ્યાના સુમારે હાડ થીજાવતી ઠંડીમાં બસની પ્રતીક્ષા કરી રહેલી ગોરીબેન તુલસીભાઇ ગરવા નામની ૨૨ વર્ષીય યુવતી પર અચાનક મોટરસાઇકલ પર આવેલા બે યુવકો દ્વારા તલવાર કે ગુપ્તી જેવાં હથિયારના ઉપરા-ઉપરી ઘા ઝીંકી દઈને જાહેરમાં હત્યા કરી નાખી હતી.

કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ તલવાર સ્થળ પર ફેંકી દઈને નાસી છૂટ્યા હતા. બે ભાઈની એકની એક બહેન એવી આ આ યુવતી પર પિતાનું છત્ર નથી અને તે તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી.

આ પણ વાંચો : શોકિંગઃ કચ્છમાં દંપતીએ ગૂડ્સ ટ્રેન નીચે ઝંપલાવ્યું, ચાર વર્ષની દીકરીનો બચાવ પણ…

દરમ્યાન,આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ, તાલુકા મથક માંડવી અને ગોધરા ગામ જે પોલીસ મથકની હેઠળ આવે છે તે કોડાય ગામથી પોલીસ ટુકડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી આરોપીઓ પકડી શકાયા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button