‘આ એ ખેલાડી માટે નથી જેનું ફેન ક્લબ છે…’, આર અશ્વિને કોના પર નિશાન સાધ્યું?
ચેન્નઈ: મેલબોર્નમાં રમયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં ભારતીયની ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર (India Lost Melbourne test) થઇ. આ હાર બાદ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ચાહકોના નિશાના પર છે, કેટલાક ક્રિકેટ ચાહકો રોહિત શર્માને નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર કરેલી પોસ્ટ ચર્ચાના કેન્દ્રમાં છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે, કથિત રીતે આર અશ્વિને કેપ્ટન રોહિત શર્મા પર કટાક્ષ કર્યો છે.
અશ્વિનની પોસ્ટ:
રવિચંદ્રન અશ્વિને બોક્સિંગ ડે ટેસ્ટ મેચના 5માં દિવસે ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે અને 49 મીનીટે એક પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું કે સારા લીડર્સ ત્યારે ઉભરી આવે છે જ્યારે તેઓ સંઘર્ષના સમયમાં પોતાની જાતને ખૂબ જ મજબૂતી સાથે ટકાવી રાખે.
આ પોસ્ટમાં કોઈનું નામ લેવામાં આવ્યું ન હતું. આ પોસ્ટના માત્ર 2 મિનિટ પછી, અશ્વિને તે જ પોસ્ટના જવાબમાં લખ્યું કે આ ટ્વીટ તે લોકો માટે નથી જેમનું ફેન ક્લબ છે.
અશ્વિનની સ્પષ્ટતા:
અશ્વિનની બીજી પોસ્ટ બાદ યુઝર્સે અશ્વિનને કોહલી અને રોહિત શર્માની ઈર્ષ્યા ન કરવાની સલાહ પણ આપી હતી. આખરે અશ્વિને આ મામલે ખુલાસો કરવો પડ્યો. તેણે કહ્યું કે તેની પોસ્ટ યશસ્વી જયસ્વાલ વિશે હતી.
અશ્વિને પોસ્ટમાં લખ્યું, ‘આજકાલ વસ્તુઓને જે સંદર્ભમાં કહેવામાં આવે છે તેના બદલે અન્ય રીતે સમજવામાં આવે છે. હું આ પોસ્ટમાં યશસ્વી જયસ્વાલ વિશે વાત કરી રહ્યો હતો. મિત્રો શાંતિ રાખો.”
આ પણ વાંચો…WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયા નહીં જોવા મળે! હાર બાદ પોઈન્ટ ટેબલમાં નુકશાન
યશસ્વી હીટ-રોહિત ફ્લોપ:
બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ ભારત તરફથી ટોપ સ્કોરર રહ્યો, તેણે 208 બોલમાં 84 રન બનાવ્યા, પ્રથમ ઇનિંગમાં પણ તેણે 82 રનની ઇનીગ રમી હતી. જ્યારે રોહિત શર્માનો ફ્લોપ શો ચાલુ રહ્યો, શર્માએ પ્રથમ ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 9 રન બનાવ્યા.
નોંધનીય છે કે રવિચંદ્રન અશ્વિને બ્રિસબેન ટેસ્ટ મેચ પત્યા પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી.