Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા
નવી દિલ્હી : દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના(Manmohan Singh)અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસના નેતાની ગેરહાજરી મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. આ અંગે કોંગ્રેસે સોમવારે કહ્યું કે પરિવાર દ્વારા થતી વિધિનું સન્માન રાખીને પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવાર સાથે અસ્થિ વિસર્જન કરવા ગયા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની અસ્થિને તેમના પરિવારના સભ્યો દ્વારા શીખ રિવાજો મુજબ ગુરુદ્વારા પાસે યમુના નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી.
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પરિવારની ગોપનીયતાના આદરને લીધે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરદાર ડૉ. મનમોહન સિંહની અસ્થિ એકત્ર કરવા અને વિસર્જન કરવા માટે પરિવાર સાથે નહોતા ગયા.’
તેમના જણાવ્યા અનુસાર, દિવંગત નેતાના અંતિમ સંસ્કાર બાદ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના નિવાસસ્થાને પરિવારને મળ્યા હતા. તેમણે કહ્યું, ‘તેમની સાથે ચર્ચા કર્યા પછી, એવું લાગ્યું કે અગ્નિસંસ્કાર સમયે પરિવારને કોઈ ગોપનીયતા મળી ન હતી અને પરિવારના કેટલાક સભ્યો સ્મશાન સુધી પહોંચી શક્યા ન હતા. તેથી તેમને અસ્થિ એકત્ર કરવા અને વિસર્જન કરવા માટે થોડી ગોપનીયતા આપવી જોઈએ. આ પરિવારના નજીકના સભ્યો માટે ભાવનાત્મક રીતે પીડાદાયક અને મુશ્કેલ સમય હોય છે.
આ પણ વાંચો : કંઇક આ રીતે દિલજીત દોસાંજે આપી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ, વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, ડો. મનમોહન સિંહનું 26 ડિસેમ્બરની રાત્રે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા.
હિમંતા વિશ્વ શર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ રવિવારે કોંગ્રેસ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. શર્માએ એક પોસ્ટમાં જણાવ્યું હતું તે જોઈને ખૂબ જ નિરાશા થાય છે કે કોંગ્રેસ પાર્ટી તેમની અંતિમ યાત્રાને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. જેનાથી તેમની અંતિમ યાત્રાની ગરિમા ઘટી રહી છે.
શર્માએ કહ્યું, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમની વિરાસતને સન્માન આપવા માટે એક યોગ્ય સ્મારકની જાહેરાત કરી દીધી છે. જે રાષ્ટ્રની કૃતજ્ઞતા દર્શાવે છે. તેમ છતાં શોકની આ ક્ષણને રાજકીય લાભ માટે તકમાં ફેરવવા માંગતા પ્રયાસો અત્યંત પીડાદાયક છે.