અણ્ણા હજારેએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો! તેમની જ સરકાર સામે કર્યું હતું આંદોલન
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીના એમ્સમાં નિધન (Dr. Manmohan Singh death) થયું છે, તેઓ 92 વર્ષના હતા. તેમના આવસાન બાદ દેશભરમાં શોક પાડવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારત અને વિશ્વભરના ઘણા નેતાઓ, રાજ્યના વડાઓ અને હસ્તીઓએ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે(Anna Hazare)એ પણ ડૉ.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, નોંધનીય છે કે અણ્ણા હજારેએ મનમોહન સિંહની સરકાર વિરુદ્ધ જ દિલ્હીમાં આંદોલન કર્યું હતું.
આ પણ વાંચો: તમે એક દિવસ PM બનશો… જાણો મનમોહન સિંહ વિશે કોણે કરી હતી આવી ભવિષ્યવાણી જે સાચી પડી
તેમની યાદો હંમેશા જીવંત રહેશે:
મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા અણ્ણા હજારેએ કહ્યું- “મનમોહન સિંહ હંમેશા દેશ વિશે વિચારતા હતા. આ દેશની અર્થવ્યવસ્થાને બદલવામાં તેમનો મોટો ફાળો હતો. જ્યારે તેઓ વડા પ્રધાન હતા ત્યારે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરતો હતો. હું તેમને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યો હતો અને તેમણે તાત્કાલિક પગલાં લીધા હતા. મનમોહન સિંહનું નિધન થયું છે, પરંતુ તેમની યાદો હંમેશા જીવંત રહેશે.”
મીડિયા સાથે વાત કરતા અણ્ણા હજારેએ કહ્યું કે “જે લોકો જન્મે છે, તેમનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ કેટલાક લોકો ગયા પછી યાદો અને વારસો છોડી જાય છે. મનમોહન સિંહે દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી.”
આ પણ વાંચો: મનમોહન સિંહની સ્વચ્છ છબી પર રહી ગયો આ એક ડાઘ, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા પણ…
તેઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ હતા:
અણ્ણા હજારેએ એમ પણ કહ્યું કે મનમોહન સિંહ ભ્રષ્ટાચારની વિરુદ્ધ હતા અને તેમણે લોકપાલ અને લોકાયુક્ત કાયદા અંગે તાત્કાલિક નિર્ણયો લીધા હતા. મનમોહન સિંહ હંમેશા એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા કે તેઓ દેશના લોકો માટે કેવી રીતે વધુ સારું કામ કરી શકે.
ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.