ટોપ ન્યૂઝસ્પોર્ટસ

યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર હોબાળો, ગાવસ્કર રોષે ભરાયા, ચીટર-ચીટરના નારા લાગ્યા

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ (IND vs AUS 4th Test) રહી હતી. આ મેચમાં ભારતની 184 રને હાર થઇ. 340 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ માત્ર 155 રન પર ઓલ આઉટ થઇ ગઈ. હારનું મુખ્ય કારણ ભારતના મુખ્ય બેટ્સમેની નિષ્ફળતા રહી, માત્ર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)સારી ઇનિંગ રમી શક્યો.

યશસ્વીએ 208 બોલનો સામનો કરતા 84 રન બનાવ્યા, જેમાં તેણે 8 ચોગ્ગા ફટકાર્યા. યશસ્વી મેચ બચાવી શકે એમ હતો પરંતુ થર્ડ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે તેની વિકેટ પડી. પેટ કમિન્સે યશસ્વીને વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો. મેદાન પરના અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસ લીધા બાદ થર્ડ અમ્પાયર શરાફુદ્દૌલાએ નિર્ણયને પલટી નાખ્યો અને યશસ્વીને આઉટ જાહેર કયો.

થર્ડ અમ્પાયરનો વિવાદાસ્પદ નિર્ણય:
થર્ડ અમ્પાયરે જોયેલા રિપ્લેમાં સ્નિકો મીટર પર કોઈ સ્પાઇક જોવા મળ્યું ન હતું, પરંતુ શરાફુદ્દૌલાએ ડિફ્લેક્શનના આધારે નિર્ણયને યશસ્વીને આઉટ જાહેર કયો. એવું લાગતું હતું કે થર્ડ અમ્પાયરને સંપૂર્ણ ખાતરી ન હતી.

યશસ્વી પણ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાતો હતો. તેણે અમ્પાયર સાથે થોડી વાતચીત પણ કરી હતી, પરંતુ આખરે તેને થર્ડ અમ્પાયરનો નિર્ણય સ્વીકારીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

https://twitter.com/mufaddal_vohra/status/1873605223404761413

સુનીલ ગાવસ્કરે ગુસ્સો ઠાલવ્યો:
થર્ડ અમ્પાયરના નિર્ણયથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. ગાવસ્કરે કહ્યું કે જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવે છે. આ સિવાય ગાવસ્કરે કહ્યું, “આ અમ્પાયરનો સંપૂર્ણપણે ખોટો નિર્ણય છે. તે સ્પષ્ટ રીતે નોટ આઉટ છે.”

રાજીવ શુક્લા પણ નારાજ:
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા આ નિર્ણયથી નારાજ થયા છે. રાજીવ શુક્લાએ ટ્વીટ કર્યું, ‘યશસ્વી જયસ્વાલ સ્પષ્ટપણે નોટઆઉટ હતો. થર્ડ અમ્પાયરે ધ્યાન આપવું જોઈએ કે ટેક્નોલોજી શું દર્શાવી રહી છે. ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી નાખતી વખતે થર્ડ અમ્પાયર પાસે નક્કર કારણો હોવા જોઈએ.’

ચાહકોએ રોષ ઠાલવ્યો:
જયસ્વાલને આઉટ આપવા પર ચાહકો પણ નારાજ છે, મેદાન પર હાજર ભારતીય દર્શકોએ ‘ચીટર-ચીટર’ના બોર્ડ બતાવ્યા અને નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર યુઝર્સ રોષ ઠાલવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button