લોકોની જાન સાથે રમત છે 10 મિનિટમાં ફૂડ ડિલિવરી, ડૉકટરોએ ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટોને ફટકાર લગાવી
નવી દિલ્હીઃ ઇનસ્ટંટના આજના જમાનામાં લોકો ખૂબ જ ઝડપથી બધું ઇચ્છે છે, પછી ભલે તે ખોરાક હોય. આ જ કારણ છે કે ભારતમાં ફૂડ ડિલિવરી કંપનીઓ ઝડપથી વધી રહી છે. ભારતમાં ફૂડ ડિલિવરી ઉદ્યોગમાં તેજીનો પવન ફૂંકાયેલો જોવા મળી રહ્યો છે. Zomato, Swiggy અને Zepto જેવી ઘણી કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને તેઓ મોટી કમાણી કરી રહી છે. આ ગ્રોથ ફેક્ટરને જોઈને બીજી ઘણી નાની-મોટી કંપનીઓ આ સેક્ટરમાં ઝંપલાવી રહી છે. જોકે, ડૉક્ટરોએ ભારતમાં ફાસ્ટ ફૂડની વધતી જતી લોકપ્રિયતા અને ખાસ કરીને 10 મિનિટમાં ફૂડ ડિલિવરી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
’10 મિનિટમાં ફૂડ ડિલિવરી’નો દાવો આ કંપનીઓની સફળતા પાછળનો મૂળ મંત્ર માનવામાં આવે છે. પરંતુ સવાલો ઉઠી રહ્યા છે કે ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો જેવી કંપનીઓ 10 મિનિટમાં ફૂડ કેવી રીતે પહોંચાડી રહી છે. શું ખોરાકની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં આવે છે?
10 મિનિટમાં ફૂડ પહોંચાડવાનો દાવા સામે તેની અસરો વિશે નિષ્ણાતોમાં ચિંતા વધી રહી છે. ડૉક્ટરો અને ન્યુટ્રિશનિસ્ટ્સ આ મામલે ચેતવણીના સૂરમાં જણાવે છે કે આ ‘સ્પીડ-ફર્સ્ટ’ અભિગમ દેશના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
ડૉક્ટર્સોએ 10 મિનિટમાં ડિલિવરી કરવાના તાજેતરના વધી રહેલા ચલણ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જ્યારે 10 મિનિટમાં ફૂડ ડિલિવરીનો વાયદો કરવામાં આવે છે, ત્યારે તે ફૂડને તૈયાર કરવા માટે કંઇ ખાસ સમય જ બચતો નથી, કારણ કે આના માટે ભોજન 3 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં તૈયાર કરવું જરૂરી બની જાય છે, જે માત્રને માત્ર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ કે રેડી-ટુ-ઇટ તૈયાર ભોજન હોય તો જ શક્ય છે, જેને પહેલેથી રાંધી રાખવામાં આવ્યું હોય છે અને પાછળથી સર્વ કરવામાં આવે છે. આવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકથી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થાય છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોય છે, જે કેન્સરનું જોખમ 12% વધારી શકે છે. આ ખોરાકના સેવનથી હૃદયરોગનું જોખમ 10% વધી જાય છે. આ ફૂડ સ્થૂળતાનું જોખમ પણ વધારે છે. આ ફૂડને કારણે સુગર લેવલ વધવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
ડૉક્ટરો જણાવે છે કે જો તમે કોઇ કારણસર ઘરે બનાવેલું ભોજન મેળવી શકતા નથી અને તમને ખોરાકની ડિલિવરી જોઈતી હોય, તો તમારે થોડી રાહ જોવી જોઇએ અને ક્યારેય 10 મિનિટમાં ફૂડ ડિલિવરી પસંદ કરવી જોઇએ નહીં.
આ પણ વાંચો…બિહારમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું, બંધનું એલાન, રાજકીય પક્ષોએ આપ્યું સમર્થન
ભારતમાં ઇન્સ્ટંટ ફૂડની માગ અને ફૂડ ડિલિવરીની ઝડપ સતત વધી રહી છે ત્યારે સરકાર અને ફૂડ કંપનીઓ આ સમસ્યાના ઉકેલ માટે સાથે મળીને કામ કરે તે જરૂરી છે. બહેતર ખાદ્ય સુરક્ષા ધોરણો સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોને યોગ્ય પસંદગીઓ પ્રદાન કરવા માટે, ફૂડ ડિલિવરી કંપનીઓએ વધુ જવાબદારી લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો માને છે કે માત્ર ઝડપી ડિલિવરી કરતાં લોકોને સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવો વધુ મહત્વપૂર્ણ છે.