ઇઝરાયલના પીએમ નેતન્યાહુ આ બીમારીથી પીડિત, હોસ્પિટલમાં સર્જરી થઈ
તેલ અવીવઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (75 વર્ષ)ની પ્રોસ્ટેટની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, નેતન્યાહુને તેમના યુરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને પ્રોસ્ટેટમાં સમસ્યા હતી. પીએમ નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે, થોડા દિવસો પહેલા યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની જાણ થઈ હતી, જેનો ઈલાજ દવાથી કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ઈન્ફેક્શન વધુ ન ફેલાય તે માટે સર્જરી કરવામાં આવી હતી.
ઈઝરાયલના પીએમઓ કાર્યાલયે કહ્યું હતું કે સર્જરી કોઈપણ જટિલતાઓ વિના સફળ રહી છે અને સર્જરી બાદ વડા પ્રધાન ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયત સારી છે. જો કે, તેઓ થોડા દિવસો સુધી સાજા થવા માટે હોસ્પિટલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. આ સમય દરમિયાન તેમના નજીકના સહયોગી યારીવ લેવિન, જે તેમની સરકારમાં નાયબ વડા પ્રધાન અને ન્યાય પ્રધાન પણ છે, કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપશે.
ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે નેતન્યાહૂના વકીલે લાંબા સમયથી ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી રદ કરવા કોર્ટને વિનંતી કરી છે, કારણ કે તેમણે થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.
નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં નેતન્યાહુની આ બીજી સર્જરી છે. આ પહેલા નેતન્યાહૂની માર્ચ મહિનામાં હર્નિયાની સર્જરી થઈ હતી. એ પહેલા જુલાઈ 2023 માં, નેતન્યાહુ એરિથમિયાથી પીડાતા હોવાથી ડોક્ટરોની સલાહ પર તેમના શરીરમાં પેસમેકર પણ લગાવવામાં આવ્યું હતું. આ કારણે ઈઝરાયલમાં ઘણા લોકોમાં વડાપ્રધાનના સ્વાસ્થ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી.
ઇઝરાયલમાં પ્રોટોકોલ મુજબ વડાપ્રધાને વર્ષમાં એક વખત તેમનો સ્વાસ્થ્ય અહેવાલ જાહેર કરવાનો હોય છે. નેતન્યાહુએ 2016 થી 2023 ના અંત સુધી કોઈ રિપોર્ટ જાહેર કર્યો નથી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું નેતન્યાહૂ પોતાની કોઈ બીમારી છુપાવી રહ્યા છે.
આ પણ વાંચો…Dark December: છ પ્લેનક્રેશની ગોઝારી ઘટનાએ સેંકડોનો જીવ લીધો
ઈઝરાયલ હાલમાં ઘણા મોરચે સંઘર્ષમાં ફસાઈ ગયું છે. 8 ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઈઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો, ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ લડાઈ હજી પૂરી થઈ નથી. આ ઉપરાંત લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે લડાઈ પણ હજી ચાલુ છે.