શરીર પ્રદાન કરનારને પ્રણામ
ચિંતન -હેમુ ભીખુ
હું મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમે ચાલુ ક્લાસે પણ મા-બાપ, નાના-નાની અને દાદા-દાદીનો ફોન લઈ શકો છો. મારું આની પાછળનું ગણિત વ્યવસ્થિત છે. આપણને આ સ્થૂળ શરીર આ છ મહાનુભાવોની કૃપાથી પ્રાપ્ત થયું છે. આ શરીરનો સાધન તરીકે ઉપયોગ કરીને જ વ્યક્તિ પૂર્ણતાને – નિર્વાણને – પરમ સ્થિતિને પ્રાપ્ત કરી શકે. આધ્યાત્મના માર્ગ પર જવા માટે આ શરીર જ સાધન છે. કોઈને કોઈ કર્મબંધનના કારણે આ શરીર પ્રાપ્ત થયું હશે, પણ પ્રાપ્ત થયા પછી આ શરીર જ બધા જ પ્રકારનાં સમીકરણોથી મુક્ત થવા માટેનું નિમિત્ત બની શકે. આવા નિમિત્તને ઘડનાર આ છ મહાનુભવોને જિંદગીમાં સૌથી ઉચ્ચ કક્ષાએ રાખવા જોઈએ. બીજા બધા જ કરતા તેમને વધારે મહત્ત્વ મળવું
જોઈએ.
માતા-પિતા વંદનીય છે, અસ્તિત્વનું કારણ છે, જીવનના લાચાર તબક્કાના રક્ષક છે, અસ્તિત્વ ટકી રહે તે માટે જરૂરી પોષક દ્રવ્યોના દાતા છે, જિંદગીની અમૂલ્ય ભેટ સમાન ભાઈ-બહેનનું નિમિત્ત છે, જીવનમાં પ્રારંભિક જ્ઞાન તથા સંસ્કાર આપનાર શિક્ષક છે, પાછળથી વિશેષ જ્ઞાન મળે તે માટે ગોઠવણ કરનાર આયોજક છે, જિંદગીના દરેક તબક્કે અનેરૂં પ્રોત્સાહન આપનાર પ્રોત્સાહક છે, જિંદગીના દરેક કાર્ય માટે વિશેષ પ્રકારની શુભેચ્છા પાઠવનાર શુભચિંતક છે, બાળકો પર કાયમ માટે વિશ્વાસ ટકાવી રાખનાર માવતર છે, દરેક પરિસ્થિતિમાં સંતાન માટે પ્રાર્થના કરનાર શ્રદ્ધાળુ છે અને જીવન માટે એક અમૂલ્ય આધાર છે.
ઈશ્વરે પણ અવતાર ધારણ કરવા માવતરનો સહારો લેવો પડેલો. ઈશ્વર પર થયેલ આ કૃપા અમૂલ્ય છે. ઈશ્વરે પણ માવતરને યોગ્ય ન્યાય આપેલો છે. ઈશ્વર પણ માવતર પ્રત્યેનું પોતાનું ઋણ સ્વીકાર્યું છે. સર્વ સમર્થ ઈશ્વરે માતા-પિતા સામે બાળક બનીને રુદન કર્યું છે, તેમની શિક્ષા સ્વીકારી છે, તેમના દ્વારા કરાયેલ પાલનપોષણ માન્ય રાખ્યું છે. આ બધા સાથે તેમણે માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરેલો છે. શરીર-દાતા માતા-પિતાને ઈશ્વર પણ મહત્ત્વ આપતો હોય તો માનવીએ તો આપવું જ
જોઈએ.
ભક્તિ કરવા માટે આ શરીર જરૂરી છે. પ્રભુનું ભજન-કીર્તન કે પૂજાપાઠ માટે આ શરીર હોવું જ જોઈએ. અવાજની ઇન્દ્રિયો વગર ભજન-કીર્તન ન થઈ શકે અને શ્રવણેન્દ્રિય વગર તે ગ્રહણ ન કરી શકાય. મંદિરની પ્રદક્ષિણા કરવા માટે પગની જરૂર પડે અને ઠાકોરજીને શણગારવા હાથની જરૂર પડે. પ્રભુની આરતી ઉતારવા પણ આ શરીર જ નિમિત્ત બને. જેમ તપ માટે શરીરની જરૂર છે અને જાપ માટે પણ શરીર જ ઉપયોગી બને. બે હાથ જોડવા માટે, મંદિરના ઘંટમાં રણકાર ઉભો કરવા માટે, દીવાની જ્યોત પ્રગટ કરવા માટે, ઈશ્વરની આરાધના માટેના સંગીતમાં તાલ પુરાવવા માટે, ઈશ્વરમાં તલ્લીન થઈ નૃત્ય કરવા માટે, અને આવી અનેક પ્રવૃત્તિ માટે શરીરની આવશ્યકતા છે – જે માતા-પિતા દ્વારા પ્રદાન થાય છે.
Also read: સફળા એકાદશી; ભગવાન વિષ્ણુને ધરજો આ ભોગ, ઘરમાં નહિ ખૂટે અન્નધન
સમજવા જેવી વાત એ છે કે આપણા આ સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીર પણ વણાયેલું છે. તેથી આ સૂક્ષ્મ શરીરની હયાતી પણ તે છ મહાનુભવોને કારણે છે. યોગ સાધના માટે પણ શરીરનું હોવું મહત્ત્વનું છે. તેટલા જ માટે નવનાથ સંપ્રદાયના યોગી સૌ પ્રથમ શરીરની સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરેલો તેમ કહેવાય છે. શરીરના ચોક્કસ પ્રકારના ચિંતન થકી જ કુંડલિની જાગ્રત થઈ શકે. સાધના માટેની પ્રત્યેક મુદ્રા કે આસન કે મનોસ્થિતિ માટે આ સ્થૂળ કે સૂક્ષ્મ શરીર જરૂરી છે. નિષ્કામ કર્મ કરવા માટે પણ શરીર હોવું જરૂરી છે. કોઈને મદદરૂપ થવું હોય, સેવા-ચાકરી કરવી હોય, આધાર આપવો હોય, રક્ષણ આપવું હોય, કે આવું કોઈ પણ ધર્માનુસાર કાર્યમાં સંમિલિત થવું હોય તો તેની માટે શરીર જોઈએ જ. શરીર થકી જ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે અન્યની સાથે સાત્ત્વિકતા વહેંચી શકાય. શરીર છે એટલે અનેક પ્રકારની સંભાવના છે.
જ્ઞાનના સંપાદન માટે પણ શરીર સાધન બની રહે. વિવિધ પ્રકારની શારીરિક ચેષ્ટાથી જે અનુભવ મળે તેને અંત:કરણની વિવિધ ક્ષમતાઓથી મૂલવીને ઘણાં સત્ય પામી શકાય. જેમ મનના સાધન તરીકે શરીરની જરૂર છે તેમ બુદ્ધિના વહન માટે પણ શરીરની જરૂર છે. ચિત્ત જે સંસ્કારનો સંગ્રહ કરે છે તેની ઉપયોગિતા માટે પણ શરીરનું હોવું જરૂરી છે. અહંકાર તો અસ્તિત્વ સાથે જ જોડાયેલો હોવાથી શરીરની હયાતી વગર એની ઉપસ્થિતિ જ અસંભવ બની રહે. જ્ઞાનના ગ્રહણમાં અંત:કરણની આ ચારેય સ્થિતિ મહત્ત્વની બની રહે છે, જે અંતે તો શરીરના આધારે સચવાયેલી હોય છે.
શરીર માત્ર કરેલાં કર્મોના માટેનું નિમિત્ત નથી. શરીર માત્ર સૃષ્ટિનું ચક્ર ચાલુ રહે તે માટે નવસર્જન કરવાનું માધ્યમ નથી. એ બધા સાથે મુક્તિ મળી શકે તે માટે પ્રભુના વરદાન સમું આ શરીર છે. આ વરદાન હકીકતમાં પરિણામે તે માટે માબાપ, નાના-નાની તથા દાદા-દાદીનો ઘણો મોટો ઉપકાર છે. સ્થૂળ કે સૂક્ષ્મ સ્વરૂપે, ગુરુ સુધી પહોંચવા માટે પણ શરીર જરૂરી છે. ગુરુની કૃપા ત્યારે જ સંભવી શકે જ્યારે આ શરીર પ્રાપ્ત કરી આપણે જન્મ્યા હોઈએ. જેમ કર્મોના ભોગવટા માટે શરીર જરૂરી છે તેમ કર્મનાં નવાં સમીકરણો સ્થાપિત ન થાય તે જોવા માટે પણ શરીર અગત્યનું સાધન બની રહે. પ્રશ્ન એ છે કે આ શરીરનો ઉપયોગ આપણે મુક્તિ માટે કરીએ છીએ કે નવા જ પ્રકારનાં બંધનોનાં
સમીકરણો ઊભાં થાય તેની માટે કરીએ છીએ. નિર્ણય આપણે લેવાનો છે.