ભારતીયો પાકિસ્તાનને હંમેશાં હારતું જોવા આતુર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો અંગે કટાક્ષ કરતો મેજર ગૌરવ આર્યનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે ને બે છાવણી જ પડી ગઈ છે. આ માહોલમાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કરનો તખ્તો તૈયાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઑક્ટોબરે એટલે કે આજે રમાનારી ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાન મેચનો ટેમ્પો જામી ગયો છે.
અમદાવાદમાં તો ભારે થનગનાટ છે જ પણ આખા દેશમાં જોરદાર ઉત્સુકતા છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે, નિર્દોષ લોકોની હત્યા કરે છે ત્યારે ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો રાખવા જોઈએ કે નહીં એ મુદ્દાની ચર્ચા વચ્ચે બહુમતી લોકો આ મેચ જોવા થનગની રહ્યા છે.
ભારતીયોનું આ વલણ ચોક્કસ આંચકાજનક કહેવાય. તેનાથી એક વાત સાબિત થાય છે કે, મનોરંજન અને મોજમસ્તીની વાત આવે ત્યારે ભારતીયોને દેશપ્રેમ યાદ નથી આવતો. મનોરંજન અને મોજમસ્તી દેશપ્રેમ કરતાં વધારે મહત્ત્વનાં બની જાય છે. ભારત-પાકિસ્તાનની મેચ મનોરંજનથી ને રોમાંચથી ભરપૂર હોય છે તેથી લોકો તેમાં એ હદે ખૂંપી જાય છે કે, તેમને પાકિસ્તાની આતંકવાદીઓના કારણે મરનારા નિર્દોષ લોકો કે આપણા જવાનોની શહીદી પણ યાદ આવતી નથી.
સરહદ પર પાકિસ્તાન સામે લડતા ને આપણી રક્ષા કરતા સૈનિકો પણ તેમને યાદ નથી આવતા. સાવ સામાન્ય વાતમાં પણ પાકિસ્તાનને ગાળો દેવા કૂદી પડનારા લોકોને પણ પાકિસ્તાન સામે ના રમવું જોઈએ એ યાદ નથી આવતું. આ માનસિકતા વરસોથી છે ને એ કદી બદલાવાની નથી તેથી મેજર ગૌરવ આર્ય જેવા લોકો એક સાવ સાચો મુદ્દો ઉઠાવે તો પણ એ બધું પથ્થર પર પાણી છે.
પાકિસ્તાન કોઈ પણ મોરચે હારે તેનાથી મોટા ભાગના ભારતીયો ખુશ થાય છે. વર્લ્ડ કપની મેચમાં કે ક્રિકેટમાં એ લાગણી સંતોષાય છે કેમ કે ભારતીયો માટે પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર જ નહીં પણ મેદાનની બહાર પણ સૌથી મોટું દુશ્મન છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીયોને વધારે રસ પડે છે તેનું કારણ એ પણ છે કે, પાકિસ્તાનને ભારત સામે વારંવાર હારતું જોવામાં લોકોને મજા આવે છે.
વર્લ્ડ કપમાં તો પાકિસ્તાનનો ભારત સામેનો રેકોર્ડ અત્યંત શરમજનક છે. ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપમાં સાત વાર ટકરાયાં છે અને સાતેય વાર પાકિસ્તાનીઓ હાર્યાં છે. ભારતીયો આ રેકોર્ડ કદી ના તૂટે ને પાકિસ્તાનને હારતું જોયા જ કરીએ એવું ઈચ્છે છે તેથી પણ ભારતીય ચાહકોમાં રોમાંચ વધારે હોય છે.
પાકિસ્તાનીઓની માનસિકતા પણ એવી જ છે. પાકિસ્તાન બીજી રીતે ભારતને હરાવી શકતું નથી તેથી ક્રિકેટના મેદાન પર ભારતને હરાવીને સંતોષ લેવામાં માને છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખે ભારતનો ઉલ્લેખ દુશ્મન દેશ તરીકે કરીને આ માનસિકતા હમણાં જ છતી કરેલી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારતે લીલા તોરણે પોંખી તો પણ ઝાકા અશરે ભારતનો ઉલ્લેખ દુશ્મન મુલ્ક તરીકે જ કર્યો છે. ઝાકાનું નિવેદન એ વાતનો પુરાવો છે કે, ભારત અને પાકિસ્તાનની દુશ્મનાવટ ક્રિકેટના મેદાન સુધી લંબાયેલી છે અને પાકિસ્તાનીઓ પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટની મેચને ભારતીયો જંગ તરીકે જ લે છે.
પાકિસ્તાનીઓનાં નસીબ ખરાબ છે કે, ભારત સામેના સીધા જંગની જેમ વર્લ્ડ કપના જંગમાં પણ પાકિસ્તાનનું ભારતને હરાવવાનું સપનું સાકાર થયું નથી. વન ડે મેચોનો પહેલો વર્લ્ડકપ પ ૧૯૭૫માં ઈંગ્લેન્ડમાં રમાયેલો પણ ભારત-પાકિસ્તાન પહેલા ચાર વર્લ્ડ કપમાં સામસામે આવ્યાં જ નહોતાં. પહેલા ત્રણ વર્લ્ડકપ ૧૯૭૫, ૧૯૭૯ અને ૧૯૮૩માં ઈંગ્લેન્ડમાં રમાયેલા ને ચોથો વર્લ્ડ કપ ૧૯૮૭માં ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે યોજેલો પણ ભારત અને પાકિસ્તાનની આ ચાર વર્લ્ડ કપમાં ટક્કર નહોતી થઈ.
ભારત અને પાકિસ્તાન પહેલી વાર ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ટકરાયેલાં. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં રમાયેલા ૧૯૯૨ના વર્લ્ડ કપમાં મોહમ્મદ અઝહરુદ્દીન ભારતનો કેપ્ટન હતો જ્યારે પાકિસ્તાનમાં ઈમરાનખાન કેપ્ટન હતો. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન ચેમ્પિયન બનેલું પણ સચિન તેંડુલકર અને કપિલદેવે પાછલી ઓવરોમાં કરેલી તોફાની બેટિંગ અને પછી શાનદાર બોલિંગના જોરે ભારતે પાકિસ્તાનને હરાવી દીધેલું. જાવેદ મિયાંદાદે કરેલા વાંદરાવેડાના કારણે યાદગાર બની ગયેલી આ મેચથી ભારત-પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ દુશ્મનાવટ શરૂ થયેલી.
ભારત-પાકિસ્તાન ફરી ૧૯૯૬ના વર્લ્ડ કપમાં ટકરાયાં ત્યારે જોરદાર ઉત્તેજના હતી કેમ કે ક્વાર્ટર ફાઈનલની મેચમાં જે હારે તે બહાર ફેંકાઈ જાય એવી સ્થિતિ હતી. અજય જાડેજાએ તોફાની બેટિંગ કરીને છેલ્લી ત્રણ ઓવરમાં ૫૧ રન ઝૂડી નાખતાં ભારતે ૮ વિકેટે ૨૮૭ રન કર્યા હતા ને પાકિસ્તાન આ સ્કોર ચેઝ ના કરી શકતાં હારી ગયેલું. આમીર સોહેલ અને વેંકટેશ પ્રસાદની લડાઈના કારણે પણ મેચ યાદગાર બની ગઈ હતી. સોહેલે પ્રસાદની ઓવરમાં ચોગ્ગો ફટકારીને બેટ બતાવતાં બંને ઝઘડ્યા પછી પ્રસાદે બીજા જ બોલે સોહેલને ક્લીન બોલ્ડ કરીને બદલો લીધો તેના કારણે મેચ યાદગાર બની ગઈ.
૧૯૯૯ના વર્લ્ડ કપની મેચમાં ભારતે વેંકટેશ પ્રસાદની જોરદાર બોલિંગના સહારે પાકિસ્તાનને હરાવેલું તો દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ૨૦૦૩ના વર્લ્ડ કપની મેચમાં સચિન તેંડુલકરે ધુંઆધાર બેટિંગ કરીને ૭૫ બોલમા ૯૮ રન ફટકારીને ભારતને જીતાડેલું. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મોહાલીની સેમી ફાઈનલમાં ટકરાયાં તેમાં ભારતે પાકિસ્તાનને ૨૯ રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ને શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારત-પાકિસ્તાનની ૨૦૧૫ના વર્લ્ડ કપની ટક્કરમાં વિરાટ કોહલીની સદી પછી મોહમ્મદ શામી અને મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરતાં પાકિસ્તાન ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈને ૭૬ રને હારી ગયેલું. ભારત-પાકિસ્તાન છેલ્લે વર્લ્ડ કપમાં ૨૦૧૯માં ટકરાયાં ત્યારે વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતાં ૧૧૩ બોલમાં ૧૪૦ રન ઠોક્યા હતા. પાકિસ્તાનને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે ૪૦ ઓવરમાં ૩૦૧ રનનો ટાર્ગેટ મળ્યો પણ પાકિસ્તાન ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન કરી શકતાં ૮૯ રને હારી ગયેલું.
પાકિસ્તાન હારનો આ શરમજનક સિલસિલો તોડવા મથે છે પણ ફાવતું નથી તેથી ભારતીયોને વધારે મજા આવે છે. આ કારણે જ પાકિસ્તાનની નાપાક હરકતો છતાં પાકિસ્તાન સાથેની ક્રિકેટ મેચમાં લોકોને રસ પડે છે.