બ્રહ્મનું નિરૂપણ
મનન -હેમંત વાળા
વિશ્ર્વનું સૌથી અઘરું કાર્ય બ્રહ્મનું નિરૂપણ કરવાનું છે. જ્યાં બુદ્ધિ પહોંચી ન શકે, જ્યાં મન અસ્તિત્વ ગુમાવી બેસે, જ્યાં ઇન્દ્રિયો શાંત થઈ જાય, ત્યાંની પરિસ્થિતિ વિશેનું વર્ણન કેવી રીતે થઈ શકે. ત્યાં જે પણ હયાતી અનુભવાય તેનું નિરૂપણ કેવી રીતે થઈ શકે. ત્યાં જે પહોંચી જાય તે ભાગ્યે જ કશું કહેવા પરત આવે. પોતાની પૂર્ણતા સાથે તેણે શૂન્યતામાં પ્રવેશ કરી લીધો હોય, પછી ફરીથી અપૂર્ણાતા તરફ ગતિ ક્યાંથી સંભવી શકે. અને તેથી જ કહેવાય છે કે જેમણે વાસ્તવિકતામાં બ્રહ્મની અનુભૂતિ કરી છે તેઓ બ્રહ્મ વિશે વાત કરતા નથી, અને બ્રહ્મ વિશે વાત કરનારને બ્રહ્મ માટે થોડો જ અણસારો હોય છે. અહીં આ અણસારાની વાત છે.
બ્રહ્મ પૂર્ણ છે અને તેનું સર્જન એટલી પૂર્ણતા તો પામી જ ન શકે અને તેથી અપૂર્ણ છે. અપૂર્ણ દ્વારા પૂર્ણનું નિરૂપણ અસંભવ જણાય. પ્રયત્ન થઈ શકે, કંઈક અંશે સફળ પણ થવાય, પરંતુ પૂર્ણતામાં તેનું નિરૂપણ અસફળ જ રહે. છતાં પણ માનવીનો એ સ્વભાવ છે કે અશક્ય જણાતી બાબતો માટે પણ પ્રયત્ન કરતાં રહેવું. આ સારી વાત છે. બ્રહ્મનું નિરૂપણ સમગ્રતામાં ન થઈ શકે પણ આછો-પાતળો ખ્યાલ તો ચોક્કસ ઉદ્ભવે. બ્રહ્મને સમજવા માટે, પ્રારંભિક તબક્કામાં, તે પણ પૂરતું છે. મનના શુદ્ધ સાત્ત્વિક તરંગો, બુદ્ધિની તાર્કિક પહોંચ, ચિત્તમાં સંગ્રહાયેલ સંસ્કારોની મદદ, શાસ્ત્રોનો સથવારો તથા સંતપુરુષ ગુરુજનનું માર્ગદર્શન – આ બધાથી બ્રહ્મ વિશે થોડો અણસારો તો આવી જ શકે.
જે સર્જક દ્વારા સર્જન થયું છે એ સર્જક સુધી સર્જન થયેલું તત્ત્વ ક્યારે પહોંચી ન શકે. સર્જન ક્યારેય સર્જકને પામી ન શકે. સર્જન પાછળ ઘણાં પરિબળો હોય છે જેમાંના કેટલાક સર્જક આધારિત તો કેટલાક થઈ ગયેલા સર્જન આધારિત હોય. આ પરિબળોની સંખ્યા વધુ હોવા સાથે તેમની વચ્ચેનું પરસ્પરનું સમીકરણ પણ જટિલ હોય. સર્જક તથા સર્જનની પ્રક્રિયા માટે સમગ્રતામાં કોઈ નિરૂપણ કરવું મુશ્કેલ જ નથી અશક્ય પણ જણાય છે. હા, સર્જનના પ્રકારના આધારે સર્જકની ક્ષમતા, તેનો અગ્રતાક્રમ, કંઈક અંશે તેનો હેતુ, તેની પાસેનાં સંભવિત સંસાધનો, અને કંઈક અંશે સમગ્ર ઘટનાક્રમ વિશે વિચારી શકાય. પણ આ વિચાર યોગ્ય અને યથાર્થ હશે તેની કોઈ ખાતરી ન હોય કે ન હોય તે ચકાસવાની કોઈ સિદ્ધ પ્રક્રિયા. પોતાની રુચિ પ્રમાણે પોતાની વિચારસરણી પ્રમાણે વ્યક્તિ સર્જક વિશે નિર્ધારણ કરી શકે.
બ્રહ્મ વિશે ઘણું બધું કહેવાય છે. કહેવાય છે કે તે ઘણું બધું છે અને કશું જ નથી. તે સર્વત્ર છે અને કશે જ નથી- તે કશે જ નથી છતાં બધે જ છે. તે આગળ છે અને પાછળ પણ છે, ઉપર છે અને નીચે પણ છે, ડાબે છે અને જમણે પણ છે, પણ આ બધામાં કેન્દ્રમાં તે છે. તે કેન્દ્રમાં છે એટલે દિશાઓ નક્કી થાય છે, સ્થિતિ અને પ્રગતિ નક્કી થાય છે. તે હોવા છતાં નથી અને ન હોવા છતાં પણ છે. બ્રહ્મની સાપેક્ષતામાં જડ અને ચેતન નિર્ધારિત થાય છે. ચેતનમાં તેની હાજરી છે તો જડ પણ તેનું એક સ્વરૂપ છે. બ્રહ્મના સંકલ્પને આધારે સ્થાન અને સમય નિર્ધારિત થાય છે. બ્રહ્મની સ્ફૂરણાથી કર્મ સાથે તેનું ફળ પરસ્પર સંકળાય છે, કાર્ય-કારણનો સંબંધ સ્થાપિત થાય છે, સૃષ્ટિનું દરેક તત્ત્વ પોતાની પ્રકૃતિ જાળવી રાખે છે અને જરૂર જણાય ત્યાં નિયમોને આધીન રહીને અપવાદ પણ સર્જે છે. બ્રહ્મને કારણે અહંકાર સર્જાય છે અને નાશ પામે છે, માયાનું આવરણ સ્થાપિત થાય છે અને પછી અનુકૂળ સંજોગો ઊભા થતાં નાશ પામે છે, સૃષ્ટિમાં વિવિધતા ઉદભવે છે અને અંતે તે બધું તે એકમાં એકાકાર થઈ જાય છે, સર્જન- સ્થિતિ- પ્રલયનું ચક્ર ચાલ્યા કરે છે; બ્રહ્મની સ્ફૂરણાથી જ લાગે છે કે બધું જ થાય છે અને સાથે સાથે કશું જ નથી થતું.
Also read :ખોટું બોલનારાને નરકમાં પણ નથી મળતું ચેન, ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ…
બ્રહ્મ ભેદી છે. બ્રહ્મ અતિ ગૂઢ છે. બ્રહ્મ અતિ ગહન છે. ઊંડાણની પરાકાષ્ઠાથી પણ વધુ ઊંડાણ તેનામાં છે છતાં પણ તેનામાં કોઈ પ્રકારનું ઊંડાણ નથી. વિસ્તારની કલ્પના બહારનો વિસ્તાર તેનો છે, છતાં પણ એ નાનકડા અણુમાં સંયોજિત રહે છે. સર્વ-સામર્થ્યના પર્યાય સમું તેનું અસ્તિત્વ છે, છતાં પણ તેની નિષ્ક્રિયતા અકલ્પનીય છે. ચૈતન્ય સમાજ તેનો અસ્તિત્વ હોવા છતાં સૃષ્ટિના સઘળા જડમાં પણ તેનું પ્રભુત્વ છે. પોતાના જ સર્જનમાં પ્રવેશ કરી તે સર્જનનો એક ભાગ બની રહે છે. નિયમોનો ઘડનાર હોવા છતાં પોતે પણ નિયમોને આધીન રહે છે. સર્વજ્ઞ હોવા છતાં તે અવતારમાં જ્ઞાની પુરુષનું ગુરુપણું સ્વીકારે છે.
બ્રહ્મને જો સત્ય કહેવામાં આવે તો અસત્ય બહાર રહી જાય. બ્રહ્મને ચૈતન્ય કહેવામાં આવે તો જડ તત્ત્વ બ્રહ્મ સિવાયનું અસ્તિત્વ બને. બ્રહ્મને જો ધર્મ કહેવામાં આવે તો અધર્મ અને અધર્મનું આચરણ કરનાર બંનેની સૃષ્ટિના અસ્તિત્વમાંથી બાદબાકી થઈ જાય. કોઈપણ એક સ્વરૂપે જો બ્રહ્મનું નિરૂપણ થાય તો અન્ય સ્વરૂપ બ્રહ્મના વ્યાપ બહારની ઘટના બની રહે. આ ઇચ્છનીય પરિસ્થિતિ નથી. આવા સંજોગોમાં બ્રહ્મને સમકક્ષ બીજું કંઈક અસ્તિત્વ છે તેમ સ્થાપિત થાય – બે બ્રહ્મ બને, બંને શક્તિમાન હોય. જે ઈશ્ર્વર અને શેતાનની પૂર્વધારણા છે તે આ પ્રમાણેની વિચારધારાનું પરિણામ છે. અને તેથી જ બ્રહ્મ નથી શ્ર્વેત કે નથી શ્યામ. બ્રહ્મ એ પ્રકાશ છે જેમાં બધા જ રંગો સમાઈ જાય છે, પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક. દેવ પણ બ્રહ્મના અસ્તિત્વની સાક્ષી છે તો દાનવનું અસ્તિત્વ પણ તે જ બ્રહ્મનું અનુમોદન કરે છે. બ્રહ્મમાંથી કશાની બાદબાકી શક્ય નથી. બ્રહ્મ સમાવેશીય છે. બ્રહ્મ પરસ્પર વિરોધીને પોતાનામાં સમાવી લે છે – અને તેથી કદાચ એમ પણ કહી શકાય કે જે વિરુદ્ધ અનુભવાય છે તે વાસ્તવમાં છે જ નહીં. એકંદરે એમ કહી શકાય કે જે છે તે બ્રહ્મ જ છે. સમગ્ર સૃષ્ટિ બ્રહ્મનું સ્વરૂપ છે, સમગ્ર બ્રહ્માંડ બ્રહ્મનું નિરૂપણ છે, સમગ્ર અનંત બ્રહ્મનું પ્રમાણ છે. બ્રહ્મ નિરૂપણનો નહીં પરંતુ અનુભૂતિનો વિષય છે. બ્રહ્મ સમજવા માટેની ઘટના નથી પરંતુ સમજ વિકસી શકે તે માટેનું માધ્યમ છે.