`બર્થ-ડે બૉય’ કિરમાણીની આત્મકથાએ ખ્યાતનામ ખેલાડીઓને વર્ષો પછી પાછા ભેગા કર્યાં…
બેન્ગલૂરુઃ ભારતના મહાન વિકેટકીપર-બૅટર અને 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડી સૈયદ કિરમાણીની આત્મકથા સ્ટમ્પ્ડ’નું રવિવારે બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું એ પ્રસંગે દેશના ખ્યાતનામ ક્રિકેટરો ઉપસ્થિત હતા. રવિવાર, 29મી ડિસેમ્બરે કિરમાણીનો 75મો જન્મદિન હતો.
આ પણ વાંચો : નીતીશ રેડ્ડીના પપ્પાએ પુત્રની ક્રિકેટ-કરીઅર માટે મોટા બલિદાનો આપ્યા છે
આ સમારોહમાં અવિસ્મરણીય દૃશ્યો જોવા મળ્યા હતા. એક તરફ એક સમયના સાથી સ્પિનરો ભાગવત ચંદ્રશેખર અને એરાપલ્લી પ્રસન્ના વાતચીતમાં મગ્ન હતા ત્યાં થોડી વાર બાદ ચીફ ગેસ્ટ કપિલ દેવ 1970 અને 1980ના દાયકાના સર્વશ્રેષ્ઠ ઑફ-સ્પિનર તરીકેઓળખાતા પ્રસન્નાને મળ્યા હતા. કિરમાણીની આત્મકથાના અનાવરણ વખતે એક હરોળમાં બેઠેલા મહેમાનોમાં વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ તેમ જ ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનો પણ સમાવેશ હતો.
આ પુસ્તકમાં ઘણી અજાણી વાતો સમાવી હોવાનું કિરમાણીએ કહ્યું હતું. તેમણે પ્રતિષ્ઠિત ખેલાડીઓ તેમ જ અધિકારીઓ અને વહીવટકારોની સભાને સંબોધતા કહ્યું,મારા કૅપ્ટન કપિલ દેવ તેમ જ મારા ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ, મારા પરિવારજનો અને મારા મિત્રો તેમ જ શુભેચ્છકોની ઉપસ્થિતિમાં આત્મકથાનું લૉન્ચિંગ એ મને ખૂબ ભાવુક બનાવી દે એવી આ ક્ષણો છે.’
કપિલ દેવે કિરમાણીની શાનદાર ક્રિકેટ કરીઅરની વાતો તથા અનુભવો શૅર કરવાની સાથે તેમની વિનમ્રતા અને બીજા સદગુણોનો ખાસ ઉલ્લેખ પણ કર્યો હતો.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…
કિરમાણી 1976થી 1986 દરમ્યાન 88 ટેસ્ટ તથા 49 વન-ડે રમ્યા હતા. તેમણે સ્ટમ્પ્સની પાછળથી કુલ 230થી વધુ શિકાર કર્યા હતા તેમ જ 3,000થી વધુ રન કર્યા હતા. તેમણે ખાસ કરીને વર્તમાન પેઢીના ક્રિકેટરોને આ આત્મકથા વાંચવાની વિનંતી કરી હતી.