જમ્મુ કાશ્મીરમાં શીતલહેર યથાવતઃ ગુલમર્ગ, પહલગામમાં તાપમાન માઈનસમાં
શ્રીનગરઃ કાશ્મીરના ગુલમર્ગ અને પહલગામમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું હતુ. જ્યારે કાશ્મીરના અન્ય વિસ્તારોમાં શીત લહેરમાં થોડી રાહત મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરમાં સ્કીઇંગ માટે જાણીતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી નોંધાયું હતું. વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં પહલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
શનિવારે રાત્રે શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કાશ્મીરના પ્રવેશદ્વાર ગણાતા કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પરમપુરના કોનીબલમાં માઈનસ 1.0 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ઉત્તર કાશ્મીરના કુપવાડામાં તાપમાન માઈનસ 1.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં 1.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ‘ચિલ્લે-કલાં’ (મહત્તમ ઠંડીનો સમયગાળો)ના 40 દિવસ દરમિયાન હિમવર્ષાની સંભાવના મહત્તમ હોય છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ‘ચિલ્લે-કલાં’ 21 ડિસેમ્બરથી શરૂ થઇને આગામી વર્ષે 31 જાન્યુઆરીએ સમાપ્ત થશે, પરંતુ ખીણમાં શીત લહેર યથાવત રહેશે.
આ પણ વાંચો : હિમવર્ષા બની મુશ્કેલી; કાશ્મીરમાં પ્રવાસીઓએ મસ્જિદોમાં લીધો આશરો, કુલ્લૂમાં અનેક વાહનો ફસાયા…
જમ્મુ-શ્રીનગર હાઇ-વે દિવસભર બંધ રહ્યા બાદ ફરી ખૂલ્યો
270 કિમી લાંબો જમ્મુ-શ્રીનગર હાઇ-વે ભારે હિમવર્ષાને કારણે દિવસભર બંધ રહ્યા બાદ રવિવારે વાહનોની અવરજવર માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. જેથી કરીને ફસાયેલા વાહનો પોતપોતાના ગંતવ્ય તરફ આગળ વધી શકે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જો કે ભારે હિમવર્ષાને કારણે મુગલ રોડ, સિંથન પાસ, સોનમર્ગ-કારગીલ ઇન્ટર-યુટી રોડ અને ભદરવાહ-ચંબા ઇન્ટર-સ્ટેટ રોડ સહિત અન્ય કેટલાક મહત્વપૂર્ણ આંતર-જિલ્લા માર્ગો વાહનોની અવરજવર માટે બંધ રહ્યા હતા. એક ટ્રાફિક અધિકારીએ જણાવ્યું કે રસ્તાના વિવિધ ભાગો પર જામ થયેલા બરફને હટાવ્યા બાદ હાઇ-વે ફરીથી ખોલવામાં આવ્યો છે.
હાઇવે પર ફસાયેલા વાહનો માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જમ્મુ-કાશ્મીર ટ્રાફિક પોલીસે એક એડવાઇઝરીમાં જણાવ્યું કે હાઇ-વે પર મુસાફરોની અવરજવર ચાલુ છે. મુસાફરોને લેન શિસ્તનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ઓવરટેક કરવાથી ટ્રાફિક જામ થઇ શકે છે. તેણે મુસાફરોને સાવધાની સાથે વાહન ચલાવવાની સલાહ પણ આપી છે. કારણ કે બનિહાલ અને કાઝીગુંડ વચ્ચેનો રસ્તો લપસણો છે. અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીર ખીણને જમ્મુ ક્ષેત્રના પૂંચ જિલ્લા સાથે જોડતો મુગલ માર્ગ બરફ જામી જવાને કારણે બંધ રહ્યો હતો.