Dark December: છ પ્લેનક્રેશની ગોઝારી ઘટનાએ સેંકડોનો જીવ લીધો
અમદાવાદઃ ડિસેમ્બર મહિનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો છે અને વર્ષ પૂરું થાય ત્યારે સૌ કોઈ નવા વર્ષને વધાવવાની રાહ જોઈ રહ્યા હોય છે. આખા વર્ષમાં બનેલી નાની-મોટી ઘટનાઓનું સરવૈયું કાઢવામાં આવે છે, પરંતુ 2024નો આ છેલ્લો મહિનો રોજ સવારે કંઈક ને કંઈક નકારાત્મક સમાચાર લઈને આવતો હોય તેમ લાગી રહ્યું છે.
એક પછી એક પ્લેનક્રેશની ઘટનાઓએ સેંકડોનો જીવ લીધો છે અને આ સાથે એવિયેશન ઈન્ડસ્ટ્રી અને તેનાં સેફ્ટી મેઝર્સ મામલે પણ ચર્ચા કરવાની ફરજ પડી રહી છે. માત્ર ડિસેમ્બર મહિનામાં થયેલા એર એક્સિડેન્ટમાં 234 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આજની ઘટનાએ સૌને દુઃખી કર્યા
આજે સવારે Jeju Air પેસેન્જર પ્લેન સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું અને 179 જણ માર્યા ગયાના અહેવાલો છે. બેંકકોથી આવતા આ પ્લેનનો કથિત રીતે પાયલટ કન્ટ્રોલ ગુમાવી ચૂક્યો અને પ્લેન એરપોર્ટના ફેન્સિંગમાં જઈને ટકરાયું હતું. 181 મુસાફરોમાંથી 179 મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે. 2005થી શરૂ થયેલી સાઉથ કોરિયાની આ Jeju Airનો પહેલો આવો અકસ્માત છે, જે 2024માં બન્યો છે.
Azerbaijan Airlinesનું પ્લેન કઝાકસ્થાનમાં ક્રેશ થયું
માત્ર ત્રણ દિવસ અગાઉ ક્રિસમસના દિવસે જ અઝરબાઈજનનું પ્લેન કઝાકિસ્તાનના એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું, જેમાં 38 મુસાફર માર્યા ગયા હતા. ખરાબ હવામાનને લીધે પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું અને અંતે પાયલટની ઘણી કોશિશો બાદ પ્લેન ક્રેશ થયું. આ ક્રેશને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા જંગનો રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે, પરંતુ 38 મુસાફરો જીવ ગુમાવી ચૂક્યા છે તે હકીકત છે.
એક જ પરિવારના દસ સભ્ય બ્રાઝિલમાં માર્યા ગયા
22મી ડિસેમ્બરે બ્રાઝિલના પર્યટન માટે જાણીતા શહેર ગ્રામાડો (Gramado) પર એક પ્રાઈવેટ જેટ પડ્યું હતું, જેમાં એક જ પરિવારના દસ સભ્ય મૃત્યુ પામ્યા હતા. આ પ્લેન એક ઈમારતની ચિમની સાથે અથડાયું હતું ને પડ્યું હતું. આ અક્સમાતમાં 17 જણને ઈજા થઈ હતી.
બીજા પણ અકસ્માતો થયા ડિસેમ્બરમાં
- આ ઉપરાંત પપુઆ ન્યુ ગિનીમાં પણ 22 ડિસેમ્બરે એક પ્લેન ક્રેશ થયું, જેમાં પાંચ જણ માર્યા ગયા હતા. આ ઘટનાની જાણ બીજા દિવસે કાટમાળ જોયા પછી થઈ હતી અને તેની સઘન તપાસ ચાલી રહી છે.
- આર્જેન્ટીનામા સાન ફર્નાન્ડો એરપોર્ટ ખાતે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બંને પાયલોટ માર્યા ગયા હતા.
- 17 ડિસેમ્બરે હવાઈના હોનોલુલુ ખાતે પ્લેન ક્રેશ થયું હતું જેમાં પણ બન્ન પાયલટના મોત થયા હતા.
આ તમામ ઘટનાઓમાં વાતાવરણની સાથે બહારના જે પરિબળો જવાબદાર છે તે અંગે ચર્ચા થઈ રહી છે. એવિયેશન ઈન્ડસ્ટ્રીએ આ વધતા જતા અકસ્માતોની ચિંતા કરવી પડશે કારણ કે હાલમાં વાતાવરણ એવું છે કે લોકોને હવાઈ સફર કરતા ડર લાગી રહ્યો છે.
આશા રાખીએ આવનારું વર્ષ વધારે સુરક્ષિત રહે.