હૉસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની હત્યા પ્રકરણે એકાઉન્ટન્ટની ધરપકડ…
લાતુર: લાતુર શહેરમાં આવેલી હૉસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની હત્યા સાથે સંકળાયેલા એકાઉન્ટન્ટની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીને ઝેરી આપી મોતને ઘાટ ઉતાર્યો: પિતા-પુત્ર પકડાયા
એકાઉન્ટન્ટ પકડાતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ત્રણ પર પહોંચી હતી. અગાઉ મુખ્ય આરોપી ડૉક્ટર અને તેના ભાણેજની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બેરહેમીથી મારપીટને કારણે 11 ડિસેમ્બરે હૉસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ બાલુ ભરત ડોંગરે (35)નું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે શિવાજી નગર પોલીસે હૉસ્પિટલના માલિક ડૉ. પ્રમોદ ઘુગે અને તેના ભાણેજ અનિકેત મુંડે વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણે તપાસ હાથ ધરી પોલીસે ઉત્તરાખંડના આશ્રમમાંથી 23 ડિસેમ્બરે ઘુગેને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે 25 ડિસેમ્બરની રાતે મુંડેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની પૂછપરછમાં હૉસ્પિટલમાંની મેડિકલ શૉપમાંના એકાઉન્ટન્ટ જયરામ દેવીદાસ કાંબળે (46)નું નામ સામે આવ્યું હતું. પોલીસે રાજીવ ગાંધી ચોક નજીકથી શનિવારે તેને તાબામાં લીધો હતો.
આ પણ વાંચો : બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા
પોલીસે જણાવ્યું હતું કે લિફ્ટ કોન્ટ્રાક્ટરનું કથિત અપહરણ કરવામાં ઘુગેએ ડોંગરેની મદદ લીધી હતી, પરંતુ બાદમાં નાણાં ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતને લઈ ઘુગે અને ડોંગરે વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ડોંગરેએ જીવ ગુમાવ્યો હતો. ઘુગે અને મુંડેને કોર્ટે 30 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)