જો મનમોહન સિંહને ફ્રી હેન્ડ મળ્યો હોત તો દેશ…. કોણે ગાંધી પરિવાર પર નિશાન તાક્યું?
નવી દિલ્હીઃ મનમોહન સિંહનો નશ્વર દેહ તો હવે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પણ તેમની સ્મૃતિઓ, દેશ વિશે તેમનું વિઝન સદાય આપણને પ્રેરણા આપતું રહેશે. દેશ વિદેશના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવના ભાઈ મનોહર રાવે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નરસિંહા રાવ સરકારના સમયમાં મનમોહન સિંહને નાણા પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમને ફ્રી હેન્ડ પણ આપવામાં આવ્યો હતો, જેને કારણે તેમણે દેશના વિકાસમાં અજોડ યોગદાન આપ્યું હતું.
મનોહર રાવે જણાવ્યું હતું કે તેઓ ડૉ. મનમોહન સિંહના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેો 10 વર્ષ સુધી દેશના વડા પ્રધાન હતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. નરસિંહા રાવે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું હતું અને તેમને નાણા પ્રધાન બનાવ્યા હતા.
આપણ વાંચો: તમે એક દિવસ PM બનશો… જાણો મનમોહન સિંહ વિશે કોણે કરી હતી આવી ભવિષ્યવાણી જે સાચી પડી
ત્યારબાદ તેમણે અને નરસિંહા રાવે મળીને દેશને આર્થિક રીતે મજબૂત કર્યો. તેમની બનાવેલી નીતિઓ આજે પણ દેશની તમામ સરકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમની આર્થિક નીતિઓ શાનદાર હતી, જેણે ભારતને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પી. વી. નરસિંહા રાવ અને ડૉ. મનમોહન સિંહે મળીને દેશની આર્થિક નીતિઓનો પાયો નાખ્યો. દેશને મજબૂત બનાવ્યો. બંનેએ ક્યારેય ગાંધી પરિવાર વિરુદ્ધ એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહોતો.
આપણ વાંચો: મનમોહન સિંહની સ્વચ્છ છબી પર રહી ગયો આ એક ડાઘ, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા પણ…
બંનેએ ક્યારેય તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહોતું. કદાચ એટલે જ ગાંધી પરિવારે મનમોહન સિંહને ઘણું સન્માન આપ્યું હતું અને પક્ષમાં હંમેશા ઉચ્ચ સ્થઆન આપ્યું હતું.
જો મનમોહન સિંહને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હોત તો તેમણે દેશમાં અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી હોત. જોકે, નરસિંહા રાવ સરકારના સમયમાં તેમને કામ કરવાની વધુ આઝાદી મળી અને તેમણે દેશ માટે ઘણા મહત્વપૂર્ણ કામો કર્યા હતા.