યશસ્વીએ ફીલ્ડિંગમાં ટીમ ઇન્ડિયાને ભારે નુકસાન કર્યું, જાણો કોને-કોને કેવા જીવતદાન આપ્યા…
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં અહીં રમાતી બૉક્સિંગ-ડે ટેસ્ટમાં ઓપનર યશસ્વી જયસ્વાલ શુક્રવારના બીજા દિવસે વિરાટ કોહલી સાથેની ગેરસમજમાં રનઆઉટ થઈ ગયો એ બહુ ખોટું થયું, પણ એ પહેલાં તેણે 82 રન બનાવીને ભારતની જડબાતોડ પ્રથમ ઇનિંગ્સ માટે સારો પાયો નાખી આપ્યો હતો.
આ પણ વાંચો : નીતીશ કુમાર રેડ્ડીઃ ફ્લાવર નહીં, ફાયર હૈ
જોકે રવિવારના ચોથા દિવસે યશસ્વી પાછો ચર્ચામાં આવી ગયો હતો. તેની ફીલ્ડિંગ બહુ ખરાબ હતી જેની વિપરીત અસર આ મૅચના પરિણામ પર જોવા મળી શકે. યશસ્વીની ખરાબ ફીલ્ડિંગથી કૅપ્ટન રોહિત શર્મા અને સૌથી પીઢ ખેલાડી વિરાટ કોહલી, બન્ને જણ ગુસ્સે થયા હતા.
રવિવારે વહેલી સવારે ભારતનો પ્રથમ દાવ 369 રનના સ્કોર પર સમેટાઈ ગયો ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાને બહુ જલદી પહેલો ઝટકો લાગી શકે એમ હતો, પણ યશસ્વી સ્લિપમાં ઉસમાન ખ્વાજાનો આસાન કૅચ નહોતો પકડી શક્યો. એ સમયે ઑસ્ટ્રેલિયાનો બીજા દાવનો સ્કોર માંડ સાત રન હતો.
ખ્વાજાનો કૅચ છૂટ્યો ત્યારે તે ફક્ત બે રન પર હતો અને જીવતદાન મળ્યા પછી તે બીજા 19 રન બનાવી ગયો હતો. તે 21 રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો.
આ પણ વાંચો : ગાવસકરે કહ્યું કે `આટલું જોખમ ઉઠાવીને રન દોડવાની જરૂર જ નહોતી, પણ જો કોહલી…’
ખ્વાજાનો કૅચ છૂટ્યા પછી બધાને આશા હતી કે યશસ્વી વધુ સતર્ક થઈને ફીલ્ડિંગ કરશે. ઊલટાનું, યશસ્વીથી બીજા બે કાંગારૂ બૅટર્સને જીવતદાન મળ્યા હતા.
ઑસ્ટ્રેલિયાની ટીમ 105 રનની સરસાઈ લીધા પછી બીજા દાવમાં 99 રનમાં છ વિકેટ ગુમાવી ચૂકી હતી અને ભારતને ઓછો લક્ષ્યાંક આપી શકે એવી હાલતમાં હતી ત્યારે યશસ્વીથી માર્નસ લાબુશેનનો કૅચ છૂટી ગયો હતો. ગલીમાં યશસ્વીએ લાબુશેનનો સહેલો કૅચ છોડ્યો હતો. લાબુશેન ત્યારે 46 રન પર હતો અને જીવતદાન મળ્યા પછી બીજા 24 રન બનાવી ગયો હતો. તે પોતાના 70 રનના સ્કોર પર મોહમ્મદ સિરાજના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો.
ખ્વાજા અને લાબુશેનને જીવતદાન આપ્યા પછી યશસ્વીના હાથે જીવતદાન મેળવવાનો વારો કૅપ્ટન પૅટ કમિન્સનો હતો. કમિન્સ જ્યારે 21 રન પર હતો ત્યારે યશસ્વીથી સિલી પૉઇન્ટ પર કમિન્સનો કૅચ છૂટી ગયો હતો. કૅચના રૂપમાં બૉલ પોતાની તરફ આવ્યો એ પહેલાં જ યશસ્વી ઊભો થઈ અને બૉલ તેના બન્ને પગની વચ્ચેથી પસાર થઈ ગયો હતો.
મેલબર્નના ચોથા દિવસે એક તરફ ભારતીય બોલર્સે ઑસ્ટ્રેલિયન બૅટર્સને બને એટલા કાબૂમાં રાખવાની કોશિશ કરી હતી કે જેથી ભારતને નીચો લક્ષ્યાંક મળી શકે. જોકે યશસ્વીની ફીલ્ડિંગ એટલી બધી ખરાબ હતી કે રોહિત અને કોહલી ગુસ્સો વ્યક્ત કરવાનું ટાળી નહોતા શક્યા.
આ પણ વાંચો : ગાવસકર આ બૅટરનો ખરાબ શૉટ જોઈને બોલ્યા, `સ્ટુપિડ…સ્ટુપિડ…સ્ટુપિડ…’
યશસ્વીએ જ્યારે લાબુશેનનો સ્લિપમાં કૅચ છોડ્યો ત્યારે તેની બાજુમાં કોહલી અને કૅચ છૂટતાં જ કોહલી ક્રોધિત થયો હતો. કમિન્સનો યશસ્વીએ જ્યારે કૅચ છોડ્યો ત્યારે રોહિત તેની સામે ઘણી વાર સુધી ઘૂરક્યો હતો.