જસપ્રિત બુમરાહે આજે તોડ્યા આ રેકોર્ડ્સ, આ દિગ્ગજોની યાદીમાં સામેલ થયો
મેલબોર્ન: ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની ગણના દેશના શ્રેષ્ઠ બોલરમાં કરવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષ બુમરાહ માટે યાદગાર રહ્યું, છેલ્લા એક વર્ષમાં તેણે અનેક સિદ્ધિઓ મેળવી છે. હાલ રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી. આ સાથે બુમરાહે ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા. આજે મેચના ચોથા દિવસે બુમરાહે ટ્રેવિસ હેડને આઉટ કરીને 200 પૂરી કરી હતી. બુમરાહ સૌથી ઓછી એવરેજ સાથે 200 વિકેટના આંકડા સુધી પહોંચનાર ખેલાડી બની ગયો છે. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરનાર ભારતનો છઠ્ઠો ફાસ્ટ બોલર પણ બન્યો છે. આ સિવાય બુમરાહ ભારતના અશ્વિન બાદ સૌથી ઓછી મેચમાં 200 વિકેટ લેનારો બીજો બોલર છે.
વિદેશની ધરતી પર રેકોર્ડ:
જસપ્રિત બુમરાહનો વિદેશની ધરતી પર ખૂબ જ સારો રેકોર્ડ છે, તેણે હવે મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો છે અને ભારત માટે વિદેશમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહ 5માં સ્થાને પહોંચી ગયો છે. બુમરાહે અત્યાર સુધી વિદેશમાં 155 ટેસ્ટ વિકેટ લીધી છે. આ યાદીમાં અનિલ કુંબલેનું નામ મોખરે છે.
વિદેશમાં ભારતીય ટીમ માટે સૌથી વધી ટેસ્ટ વિકેટ:
અનિલ કુંબલે – 269 વિકેટ, કપિલ દેવ – 215 વિકેટ, ઝહીર ખાન – 207 વિકેટ, ઈશાંત શર્મા – 207 વિકેટ, જસપ્રીત બુમરાહ- અત્યાર સુધીમાં 155 વિકેટ, મોહમ્મદ શમી – 154 વિકેટ
ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ:
અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે હતો, જેને જસપ્રીત બુમરાહે પોતાના નામે કરી લીધો છે. બુમરાહે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઓસ્ટ્રેલિયામાં કુલ 74 વિકેટ લીધી છે જ્યારે કપિલ દેવે કુલ 72 વિકેટ લીધી છે, અનિલ કુંબલેના નામે 53 વિકેટ છે.
Also read: INDvsNZ: બૂમરાહને આરામ, આ યુવા ફાસ્ટ બોલરને મળશે તક?
મેલબોર્ન સ્ટેડિયમમાં રેકોર્ડ:
જસપ્રીત બુમરાહ વર્ષ 2000 પછી મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 4 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બન્યો છે. આ પહેલા વર્ષ 2008માં ડેલ સ્ટેને ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે ચાલુ મેચની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી છે, તો બીજી ઈનિંગમાં પણ 4 વિકેટ ઝડપી છે.
કપિલ દેવની બરાબરી:
ટેસ્ટ સિરીઝમાં 5 વખત એક ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ લેવાના મામલે જસપ્રીત બુમરાહ કપિલ દેવ બાદ ભારતનો બીજો ફાસ્ટ બોલર બની ગયો છે, તેના પહેલા કપિલ દેવે વર્ષ 1979-80માં પાકિસ્તાન સામેની સિરીઝમાં આ સિદ્ધિ મેળવી હતી. કપિલ દેવે બે વખત એક ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.