બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ 2025 માં માર્કેટિંગની માનસિકતા કેળવો…
-સમીર જોશી
ત્રણ દિવસ પછી આપણે 2025માં પ્રવેશ કરીશું. વ્યક્તિગત અને વ્યવસાયી જીવન માટે નવા સંકલ્પો લેવાશે. માર્કેટિંગની વાત આવતાં વેપારીઓ તેને ગિમિક તરીકે ગણે છે. જયારે ડિજિટલની વાતો ચાલતી હતી તેવામાં AIની વાતો થવા લાગી. આના સહારે લોકો માર્કેટિંગ કરવા લાગી ગયા છે અને વિચારે છે કે AI એટલે માર્કેટિંગ હવે માર્કેટિંગ ટીમની જરૂર નથી, માર્કેટિંગ વ્યૂહરચનાની જરૂર નથી વગેરે.
આ પણ વાંચો : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : મહાકુંભ : મહામાર્કેટિંગ માટે મહાતક
આ સામાન્ય માણસની વિચારધારા છે કે; જ્યારે ઈલેક્ટ્રૉનિક માધ્યમે વેગ પકડ્યો ત્યારે લોકો પ્રિન્ટ માધ્યમ જશે તેમ કહેવા લાગ્યા, ડિજિટલ આવતાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રૉનિક મીડિયા માટે પણ એવી જ આગાહી કરવાનું શરૂ કર્યું, જ્યારે વાસ્તવિકતા એ છે કે, તમામ માધ્યમો હજુ પણ જીવંત છે. બસ, આ જ રીતે ‘માર્કેટિંગ ટીમ કે વ્યૂહરચનાની જરૂર નહિ પડે AIના આવવાથી’ એવી વાતો થઈ રહી છે.
આના વિશે વધુ વાત કરીએ તે પહેલાં થોડા ઉદાહરણ જોઈએ:
1) મારા એક મિત્ર જે દેશની નામાંકિત બિસ્કિટ અને મિનરલ વૉટર બનાવતી કંપનીમાં એક સમયે કામ કરતા હતા. એમણે તે કંપનીના માલિકની વાત કરી કે માલિક પોતાનો વધુ સમય માર્કેટિંગ ટીમ સાથે વિતાવતા. માર્કેટિંગમાં અંગત રસ લેતા અને માર્કેટિંગમાં એમને દૃઢ વિશ્વાસ હતો.
2) મેં ઘણા લોકો પાસેથી આ સાંભળ્યું છે કે જ્યારે સ્ટીવ જોબ્સ એપલનું નેતૃત્વ કરવા પાછા આવ્યા ત્યારે એમણે શરત રાખી હતી કે વ્યક્તિગત રીતે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને માર્કેટિંગમાં એ પોતે સામેલ થશે. આપણે બધા આજે એમને એક બેનમૂન માર્કેટર તરીકે ઓળખીએ છીએ.
3) ભારતના વર્તમાન પ્રધાનમંત્રી જેમના સમગ્ર વ્યક્તિત્વથી આપણે અજાણ નથી. એમની વિવિધ નીતિઓ- નેતૃત્વ- દીર્ઘ દૃષ્ટિ જેવા ગુણોની સાથે આજે વૈશ્વિક મંચ પર ભારતનું જે સ્થાન છે તેમાં એમની માર્કેટિંગના ગુણનાં પણ દર્શન થાય છે.
આ ત્રણે પ્રતિભાઓમાં કઈ વાત સમાન છે?
આ ત્રણેયે માર્કેટિંગને મહત્ત્વનું સ્થાન આપ્યું. એમણે સારાં ઉત્પાદનો તો આપ્યાં, પણ એ ત્રણેય જાણતા હતા કે ફક્ત સારાં ઉત્પાદનોથી કામ નહિ ચાલે. એને માર્કેટિંગનો સહારો આપવો પડશે.
મુદ્દો એ છે કે, જો માર્કેટિંગને માત્ર એક ગિમિક અથવા ડિપાર્ટમેન્ટ તરીકે જોવામાં આવશે તો તેની મહત્તા નહિ સમજાય અને જરૂરિયાત નહિ લાગે. માર્કેટિંગને માઇન્ડસેટ તરીકે જોવામાં આવે, તો તે ક્યારેય આઉટડેટેડ-અપ્રસ્તુત રહેશે નહીં.
ઉપરોકત ત્રણ ઉદાહરણમાં આપણે એ જ જોઈ શકીએ છીએ કે આજે તે બધી બ્રાન્ડ પોતપોતાની કેટેગરીમાં માર્કેટ લીડર છે, કારણ કે એમનું માઈન્ડસેટ માર્કેટિંગનું રહ્યું છે. માર્કેટિંગને હંમેશા ‘કોસ્ટ સેંટર’ તરીકે જોવામાં આવ્યું છે.
માર્કેટિંગ એટલે ખર્ચો અને આથી ઘણા વેપારીઓ તેને જોઈતું મહત્ત્વ નથી આપતા. આનું એક કારણ તે પણ છે કે માર્કેટિંગ એટલે કેમ્પેઇન બનાવવા, મીડિયામાં પૈસા નાખવા વગેરે, પણ તેની અસર સેલ પર કેટલી થઈ તે વિચારવામાં નહોતું આવતું. અમુક લોકો તેમ માનતા કે માર્કેટિંગ ફક્ત બ્રાન્ડ બિલ્ડિંગ માટે છે – લોકોને આપણા વિષે ખબર પડે તેના માટે છે. આજે D2C બ્રાન્ડ્સ અને ઑનલાઈન વેચાણે બિઝનેસ કરવાની ગતિશીલતા બદલી છે. ડિજિટલના સહારે વેચાણથી હરેક પ્રવૃત્તિને ROI (રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ) સાથે જોડવામાં આવે છે, જે વ્યવસાય કરવાની સાચી રીત હોવી જોઈએ.
આ પણ વાંચો : સેબીએ SME કંપનીઓ સામેનાં ધોરણ કેમ વધુ સધન બનાવવાં પડ્યાં?
એક અભ્યાસ મુજબ ઑનલાઇન વેચાણ દર વર્ષે ડબલ ડિજિટમાં વધી રહ્યું છે. આવા સમયે માર્કેટિંગ માટે ઑનરશિપ લેવી જરૂરી છે, ફક્ત કેમ્પેઇન બનાવી નહિ ચાલે, પણ તેને વેપાર સાથે જોડવી પડશે. આ ઉપરાંત, ચોક્કસપણે આપણે સમય સાથે બદલવાની જરૂર છે. ડિજિટલના વિચારો સાથે બ્રાન્ડિંગ અને માર્કેટિંગના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરવાની જરૂર છે. માર્કેટિંગ માઈન્ડસેટ ત્યારે બનશે જ્યારે ઉદ્યોગ સાહસિકની માનસિકતા વિકસશે. માર્કેટિંગની પ્રવૃત્તિઓ દ્વારા આવક પેદા થાય તેવી વ્યૂહરચનાઓ ઘડવી પડશે.
-અને હા, આજની તારીખે જે અસરકારક શસ્ત્ર છે તે ડેટા છે. આનો ઉપયોગ જે વ્યવસ્થિત રીતે કરશે જંગલ પર રાજ કરશે. ડેટાનો અભ્યાસ વ્યૂહરચના માટે ઇન્સાઇટ પ્રદાન કરશે, જેના સહારે કેમ્પેઇન બનશે તો પ્રભાવશાળી પરિણામો પ્રાપ્ત કરવાં આસાન થશે. જ્યારે માર્કેટિંગ સેલ્સ સંદર્ભિત થતું જાય ત્યારે બ્રાન્ડ બિલ્ડિંગ સાવ બાજુ પર ના રહી જાય તેનું ધ્યાન રાખવું. આપણે જાણીએ છીએ કે ડિજિટલ આજે ગામેગામ પહોંચી ગયું છે આથી કેમ્પેઇન જે બને તેનું સીધેસીધું ભાષાંતર ના કરતાં સ્થાનિક લોકોને કનેક્ટ કરે-સાંકળી શકે તેવાં એમની ભાષામાં કેમ્પેઇન બનાવવાં પડશે. આજે પ્રકાશની ગતિએ જે બદલાવ આવી રહ્યા છે ત્યારે સમયના પરિવર્તન સાથે ઘણું બધું વિકસિત થશે અને જરૂરી નથી કે આપણે બધું જાણી શકીએ. તેથી જિજ્ઞાસુ બનો અને પોતાને અપગ્રેડ કરો.
ટૂંકમાં, વેપારી વર્ગે તે સમજવાની જરૂર છે કે, આજનો અને આવનારો સમય નવી વાતો, વિચારો અને આયામો લાવશે, સ્પર્ધા પણ વધશે, લોકો વધુ જાગૃત અને માહિતગાર થશે. આવા સમયે ફક્ત નવાં ઉત્પાદનો લાવી નહિ ચાલે, માર્કેટિંગના નામે ફક્ત કેમ્પેઇન બનાવવા નહિ ચાલે. પહેલે દિવસથી માર્કેટિંગનું માઈન્ડસેટ તૈયાર કરવું પડશે, જે તમને પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને વેચાણ સુધી અને ત્યાર બાદ જે તમારો ઘરાક બન્યો છે એની સાથે સતત સંબંધ કેવી રીતે જાળવવો તેના માટે તૈયાર કરશે.
આ પણ વાંચો : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ વેપાર નહીં, વેપાર કરવાની પદ્ધતિ બદલો
2025માં તમને તમારી માર્કેટિંગ માનસિકતા વધુ ખીલે-વિકસે તેવી શુભેચ્છા.