ઉત્સવ

સ્પોટ લાઈટ : ‘અમિતાભની મા’ થવાનું સપનું સાકાર થવા પહેલાં જ રગદોળાઈ ગયું!

-મહેશ્વરી

ગણપતિ ઉત્સવના નાટકમાં નાનાં ગામડાઓમાં નાનકડા સ્ટેજ પર કામ કરી નાટ્ય સૃષ્ટિમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે સપનામાંય નહોતું વિચાર્યું કે એક દિવસ દેશી નાટક સમાજના નાટકોમાં કામ કરવાની તક મને મળશે. એ દિવસ પણ ઉગ્યો પણ સંજોગોએ એવી કરવટ બદલી કે ભાંગવાડી થિયેટરને રામ રામ કરવા પડ્યા અને પછી કમનસીબે શ્રીદેશી નાટક સમાજ પર જ પડદો પડી ગયો. રંગભૂમિના કાર્યકાળ દરમિયાન વિવિધ પાત્ર – વિવિધ એન્ટ્રી સાથે ભજવ્યાં હતાં અને અંગત જીવન તેમ જ વ્યવસાયિક જીવનમાં પણ એનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : મિજાજ મસ્તી: મસ્ત મનોરંજક કેટલીક તાજાખબર: કૌન હૈ અસલી? કૌન હૈ નકલી?

કાંતિ મડિયાના ‘કોરી આંખો અને ભીના હૈયા’થી નવી રંગભૂમિ પર મારી એન્ટ્રી પણ એનું જ એક સ્વરૂપ હતું. નવી સફરની શરૂઆત માટે આનંદની વાત એ હતી કે એક સિદ્ધ હસ્ત નાટ્યકાર સાથે હું પ્રથમ પગલું માંડી રહી હતી. 1980ના દાયકાનો પ્રારંભ મારા માટે શુકનિયાળ સાબિત થઈ રહ્યો હતો.

કાંતિભાઈના નાટકના રિહર્સલ શરૂ થઈ ગયા. સમય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં કામ કરવાની મજા આવી રહી હતી. આ દરમિયાન એક એવી ઘટના બની જે મારી કારકિર્દીને એક અલગ જ વળાંક આપવામાં નિમિત્ત બનશે એવા સંજોગો ઊભા થયા. થયું એવું કે હું યોગી નગરના જે બિલ્ડિંગમાં રહેતી હતી એમાં માયાળુ અને મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવતા મારા એક પાડોશી ઉદયભાઈ હતા, જેમનો ઉલ્લેખ મેં અગાઉ કર્યો છે.

આ ઉદયભાઈના એક ભાઈ (એમનું નામ યાદ નથી) ફિલ્મ લાઈનમાં હતા. તેમણે અમિતાભ બચ્ચનને લઈ એકાદ બે ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. ઉદય ભાઈએ વાત કરી કે ‘અમારે ત્યાં મહેશ્વરી બહેન રહેવા આવ્યાં છે અને ગુજરાતી નાટકોના કુશળ અભિનેત્રી તરીકે તેમની ગણના થાય છે. અનેક નાટકોમાં તેમણે વિવિધ પાત્ર ભજવી લોકપ્રિયતા મેળવી છે.’ એ સમયે નાટકોની, એના કલાકારોની નામના હતી.

ટીવી સિરિયલોનું કંઈ બહુ ચલણ હતું નહીં. આ રજૂઆત સાંભળી ઉદયભાઈના ફિલ્મ નિર્માણ કરતા ભાઈએ મને તેમની ઓફિસે મળવા બોલાવી. મારે અમિતાભની માતાના રોલ માટે અને મારી દીકરી કલ્યાણીને તેમની બહેનના રોલ માટે ઓડિશન આપવાનું હતું.

જિંદગી કેવી ઝડપથી બદલાઈ રહી હતી. હજી થોડા મહિના પહેલા તો એક સેનેટોરિયમથી બીજા સેનેટોરિયમ માટે હું રઝળપાટ કરી નાટકોમાં કામ કરી રહી હતી. એમાં અચાનક પ્રાગજી ડોસાના જમાઈને મળવાનું થયું અને મને રહેવા માટે ઘર મળી ગયું. આના હરખનો ઉભરો શમે એ પહેલા કાંતિ મડિયાના નાટકથી નવી રંગભૂમિ પર એન્ટ્રી કરવાની તક મળી. એક કૂદકા પછી બીજો કૂદકો માર્યા બાદ અમિતાભ સાથે ફિલ્મમાં કામ કરવાની તક? આ તો મોટી છલાંગ મારવાનો મોકો સામે ચાલીને આવી રહ્યો હતો. ‘અમિતાભની મા’ તરીકે ગુજરાતનાં અભિનેત્રી નિરૂપા રોયને મળેલી સફળતા હું જાણતી હતી. ‘શું મને પણ…’ દિવાસ્વપ્નો જોવા લાગી.

મા-દીકરી અરમાનોનું મોટું પોટલું બાંધી નિર્માતાની ઓફિસે પહોંચી ગયા. ઓડિશન આપ્યું, પ્રોડ્યુસરે ઓકે કર્યું અને ‘શહેનશાહ’ ફિલ્મમાં અમિતાભની માના રોલ માટે હું અને એમની બહેનના રોલ માટે મારી દીકરી કલ્યાણી નક્કી થઈ ગયાં. ‘આજ મૈં ઉપર આસમાં નીચે’ જેવી લાગણી મને થઈ રહી હતી.

આ પણ વાંચો : સ્મૃતિ વિશેષ : ઝાકિર હુસૈન: એક ઉસ્તાદની કેટલીક અજાણી વાત…

બિલ્ડિંગમાં દાખલ થઈ ત્યારે ફોનવાળા બહેન મળ્યાં અને મા-દીકરીના ચહેરા સામે જોઈ બોલ્યા કે ‘શું વાત છે? નક્કી કોઈ મોટું કામ મળ્યું લાગે છે. લોટરી લાગી હોય એવા તમારા ચહેરા છે. મેં કંઈ જવાબ ન આપ્યો. મારે ઉતાવળ નહોતી કરવી. શૂટિંગ શરૂ થશે ત્યારે કહીશ એવું મેં નક્કી કર્યું હતું.

એ દિવસે માં-દીકરી બંને થાકેલા હોવા છતાં રાત્રે બેમાંથી કોઈને નીંદર નહોતી આવતી. આંખો સામે એક નવું ભવિષ્ય તરવરવા લાગ્યું. પણ…પણ.. અમારો એ આનંદ, એ હરખ સોડાની બોટલના ઉભરા જેવો સાબિત થયો. સોડાની બોટલ ખૂલે ત્યારે કેવો તીવ્રતાથી ઉભરો આવે પણ ગણતરીની ક્ષણોમાં એ ઉભરો શમી જાય અને બધું ફુસ થઈ જાય. મારું નસીબ મારાથી બે ડગલાં જાણે આગળ ચાલતું હતું.

‘અમિતાભની મા’ તરીકે નક્કી થયાના બે ચાર દિવસ પછી સમાચાર આવ્યા કે ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન મિસ્ટર બચ્ચનને ગંભીર રીતે ઈજા થઈ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને તેમની હાલત બહુ ગંભીર હતી. બે વર્ષ સુધી ફિલ્મમાં કામ નહીં કરી શકે એવું નિદાન થયું.

અમિતાભ બચ્ચનની ‘નવી મા’ જન્મ પહેલાં જ મૃત્યુ પામી. ‘શહેનશાહ’ શરૂ થવા પહેલા જ સમેટાઈ ગઈ. એક સપનું સાકાર થવા પહેલા જ રગદોળાઈ ગયું. વર્ષો પહેલા કેદાર શર્માની ફિલ્મ ‘હમારી યાદ આયેગી’ માટે મેં ના પાડ્યા પછી એ રોલ તનુજાને મળ્યો હતો એ વાત મેં અગાઉના એપિસોડમાં કરી હતી.

આ વખતે હું તૈયાર હતી, પણ સંજોગોએ એ ફિલ્મ મારી પાસેથી આંચકી લીધી. કેટલાક વર્ષ પછી 1988માં ‘શહેનશાહ’ બની ત્યારે અમિતાભની માતાનો રોલ રોહિણી હટ્ટંગડીએ કર્યો હતો. એ સમયે ઉદયભાઈના ભાઈ એ ફિલ્મ સાથે સંકળાયેલા હતા કે નહીં એ પણ હું નહોતી જાણતી. હશે. ભક્ત કવિ નરસિંહ મહેતા લખી ગયા છે ને કે ‘જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેહને તે સમયે તે જ પહોંચે’. મારા નસીબમાં નહોતું ‘શહેનશાહ’ની માતા બનવાનું એમ કહી મન મનાવી લીધું.

કાંતિ મડિયાના નાટક ‘કોરી આંખો ને ભીના હૈયાં’ના રિહર્સલ તો ચાલુ જ હતા. કામની ખેંચ નહોતી, પણ સ્ટેજ પરથી સેટ પર જવાની તક ગુમાવી દીધી. રિહર્સલ લગભગ બે મહિના સુધી ચાલ્યા. નાટક સર્વાંગ સુંદર બને એ માટે મડિયાએ દરેક બાબતની ચોકસાઈ રાખી હતી. એમના નાટકના રિહર્સલમાં મને એવી કેટલીક વાતો શીખવા મળી જે અગાઉ નહોતી જાણતી. હું મારી જાતને સદભાગી માનવા લાગી કે આ નાટકમાં કામ કરવાનો મને મોકો મળ્યો.

અને નાટકના પહેલા શોની તારીખ નક્કી થઈ. નવી રંગભૂમિના મારા પ્રથમ નાટકને કેવો પ્રતિસાદ મળે છે એ જાણવાની મને ઉત્કંઠા હતી.
લેખકો અભિનેતા બન્યા…

ચંદ્રવદન ચીમનલાલ મહેતા- ચં. ચી. મહેતાએ રંગભૂમિને કરેલું પ્રદાન અનન્ય છે. ભાંગવાડી થિયેટર સાથે હું જોડાયેલી હતી એ દરમિયાન તેમના અવિસ્મરણીય ત્રિઅંકી નાટક ‘આગગાડી’ વિષે સાંભળવા મળેલી એક વિશિષ્ટ જાણકારી ખાસ વાચકો માટે પેશ છે. ચં.ચીનું આ નાટક ખૂબ વખણાયું હતું.

આ નાટકની પ્રથમ ભજવણી 1934ની આસપાસ થઈ હતી અને બે વર્ષ પછી એટલે કે 1936માં લેખકશ્રીને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન આપણા દેશમાં રેલવે વ્યવસ્થા કઈ રીતે કામ કરતી હતી એના પર આ નાટક સર્ચલાઈટ ધરતું હતું.

નાટ્ય સૃષ્ટિના અભ્યાસુઓના અભિપ્રાય અનુસાર ‘આગગાડી’થી ગુજરાતી નાટક અને રંગભૂમિના નવા યુગના મંડાણ થયા. ‘આગગાડી’નો પ્રથમ ખેલ મુંબઈની ન્યુ એરા સ્કૂલમાં થયો હતો. આ જાણકારી આપનારા ભાંગવાડી થિયેટરના એક વડીલે એમ પણ જણાવ્યું હતું કે મુંબઈની જનતાને નાટક એટલું ગમી ગયું હતું કે ભાંગવાડી થિયેટરમાં તેના સળંગ આઠ દિવસ સુધી શો રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સર્જકના સથવારે : ગઝલ ગુલશનનો રંગીન શાયર બદરી કાચવાલા

જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે ‘આગગાડી’માં ચંદ્રવદન મહેતા ઉપરાંત ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’, ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ વગેરે લેખકોએ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. આટલા લેખકોએ એક નાટકમાં અભિનય કર્યો હોય એવો આ એકમાત્ર પ્રસંગ હશે. (સંકલિત)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button