મિજાજ મસ્તી: મસ્ત મનોરંજક કેટલીક તાજાખબર: કૌન હૈ અસલી? કૌન હૈ નકલી?
-સંજય છેલ
વિચાર ને સમાચાર બદલાતા રહેવા જોઈએ. (છેલવાણી) દિલ્હીમાં એક વિદ્વાન પબ્લિક સર્વિસ કમિશનમાં સરકારી નોકરીઓ માટે ઈન્ટરવ્યુ લેવા જતા અને મહેરબાનીથી અનેક ઉમેદવારોને સરકારી નોકરીઓ મળી જતી, પણ એકવાર એ જે કમિટીમાં હતા ત્યાં એમનો સગો ભત્રીજો જ નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવેલો. પોતાના પર સગાવાદનો આરોપ ના લાગે એટલે જ્યારે ભત્રીજાનું નામ એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે કમિટીના અધ્યક્ષ સામે વિનંતિ કરીને એ વિદ્વાને કહ્યું, ‘આ ઉમેદવાર મારો સગો ભત્રીજો છે એટલે હું થોડીવાર બહાર જઉં છું ને તમે ઈન્ટરવ્યુ લો.’ સરકારી અકલમંદને અડધો ઈશારો પણ કાફી હોય. જ્યારે નોકરી મેળવનારાઓની યાદી નીકળી ત્યારે વિદ્વાનના ભત્રીજાનું નામ ટોચ પર હતું. આમ વિદ્વાનનું કામ પણ થઈ ગયું ને દામન પર ડાઘ પણ ના લાગ્યો!
આવા અનેક કિસ્સાઓ દિલ્હીમાં બુઝુર્ગ પત્રકાર દ્રોણ કોહલીનાં સંસ્મરણોમાં છે, જે સત્તાવિલાસ ને ભ્રષ્ટાચારની અનેક કથાથી લથબથ છે. નવાઇની વાત એ છે કે આજે આવી માસૂમ બેઇમાનીની જૂની ઘટનાઓ સાંભળીને હવે આપણું રુવાડું યે ફરકતું નથી!
..કારણ કે આજકાલ આપણને વિશ્વાસ ના આવે એવા ભ્રષ્ટાચાર ને કૌભાંડો સામે આવી રહ્યાં છે. ક્યારેક આખેઆખી સ્કૂલ જ નકલી હોય તો ક્યારેક એમાં ભણાવનાર શિક્ષક કે પ્રિન્સિપાલ નકલી હોય તો ક્યારેક હોસ્પિટલ કે કોઈ ડોક્ટર નકલી હોય એવા બનાવ સંભળાઇ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં સરકારી જમીન પર બિલ્ડરો ને સરકારી બાબુઓ સાથે મળીને ગેરકાયદેસર સોસાયટી, બંગલા, મોલ, કે કોલેજ ઊભા કરી દે છે.
ગુજરાતમાં એક નેતા તો સરકારી પ્લોટ પર કબજો કરી એમાં પાર્ટી પ્લોટ બનાવી લાખોની કમાણી કરે છે. (અહીયાં ‘પાર્ટી પ્લોટ’માં ‘પાર્ટી’ શબ્દનો મતલબ કોઈ ‘રાજકીય પાર્ટી’ નહીં, લગ્ન કે દાંડિયા જેવા સમારોહ.) અરે, ગાંધીનગર પાસે દહેગામ તાલુકાના ‘જૂના પહાડિયા’ નામનું આખેઆખું ગામ જ બારોબર વેચાય ગયું એવા રોચક સમાચાર છે. ચલો, ગામ તો સમજ્યા પણ ગામ આખાની ખબર લઈ નાખતી ‘કોર્ટ’ પણ ‘નકલી કોર્ટ’ નીકળી, જે પણ ગાંધીનગર પાસે મળી આવી અને એ નકલી કોર્ટ વિશે હજુ યે દિલ થામ કે સુનો, 2019થી ચાલતી એ નકલી કોર્ટે વળી ‘અસલી કોર્ટ’ને અમુક આદેશો પણ આપેલા! છે…છે ને અસલી મજા?! આમને આમ તો નકલી પોલીસ સ્ટેશન, નકલી રેલવે સ્ટેશન, નકલી એરપોર્ટ, નકલી દરિયો, નકલી પહાડી શું મળી આવશે, શું ખબર?
બિહારમાં એક મંત્રીએ આખેઆખો બ્રિજ બનાવ્યો , જેની નીચે નદી ક્યારેય નહોતી, છે પણ નહીં અને હશે પણ નહીં! આ બધા કિસ્સા વિશે અમારું કોઈ મંતવ્ય કે વિચાર નથી. આ ફક્ત એવા સાચા સમાચારો છે, જે મનોરંજન પીરસે છે .
ઇંટરવલ:
ક્યા મિલીયે ઐસે લોગોં સે, જિનકી ફિત્રત છૂપી રહે,
નકલી ચહેરા સામને આયે, અસલી સૂરત છૂપી રહે. (સાહિર)
શું છે કે ભ્રષ્ટાચાર બહુ બારીક કળા છે. ઘણા ચિત્રકારો ચોખાના દાણા પર આખા તાજમહાલનું ચિત્ર દોરી શકે એમ ભ્રષ્ટાચારના ખેલાડીઓ ધોળે દિવસે ચાંદો દેખાડીને ચાંદની વેંચી શકે! ભ્રષ્ટાચારના ખેલાડીઓને, સત્તાની ગલીઓમાં સાપ-સીડી રમતા સારી રીતે આવડે.
હિંદીના મહાન વ્યંગકાર શરદ જોશીએ વરસો પહેલાં કહેલું, ‘આ દેશમાં કંઈ જ શુદ્ધ નથી મળતું. જે લોકો ઘી શોધવા નીકળે છે, એમને શુદ્ધ ઘી નથી મળતું. એમની ફરિયાદ છે કે શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘીની ભેળસેળ કરેલી હોય છે, પણ જે લોકો વનસ્પતિ ઘી શોધવા નીકળે છે એમની ફરિયાદ છે કે ઘી છોડો વનસ્પતિઓ ખુદ શુદ્ધ નથી મળતી!
અરે, ‘જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા કરતી હે બસેરા’ એવા દેશમાં હવે ખાણી-પીણીથી લઈ સોનું-ચાંદી કાંઇ જ શુદ્ધ નથી રહ્યું. અરે, મરવાનું વિચારીએ તો ઝેર પણ શુદ્ધ નથી હોતું! કોઈ વસ્તુ શુદ્ધ નથી રહી એમ જોરથી ચીસો પાડવાની ઈચ્છા થાય છે, પરંતુ એ ય ક્યાં શુદ્ધ બચી છે? દરેક ચીસમાં યે આત્મપ્રચાર ઘૂસી ગયો છે. જે દુ:ખી છે, લાચાર છે એમના નિ:સાસાઓમાં યે રાજકારણ ભળી ગયું છે.’
અશુદ્ધની વાત તો છોડો, હવે પહેલાં જેવા શુદ્ધ કૌભાંડો પણ રહ્યાં નથી. જુઓને, હમણાં હિમાચલ પ્રદેશના કાઁગ્રેસી મુખ્યપ્રધાન સુખબિંદર સિંહ સુક્ખુની એક મીટિંગમાં સી.એમ.માટે મોંઘા ભાવનાં સમોસાં મંગાવેલા, પણ સી.એમ. સુધી એ સમોસાં પહોંચે તે પહેલા જ સુરક્ષાકર્મીઓ ખાઇ ગયા. હવે પેલાં સમોસાં કેવી રીતે ચોરાયા કે કોણ એને ખાઇ ગયું? એ વાતને લઈને ભડકેલા સી.એમ. સાહેબે તપાસ કરવા માટે સી.આઇ.ડી.ને આગ્રહ કર્યો. હવે વિચાર કરો કે આપણી આટલી મહાન ને પરાક્રમી સી.આઇ.ડી. હવે કંઈ નહીંને સમોસાં અને સમોસાં ચોરને શોધશે? આ પણ અમારી શોધ નથી
Also read: સ્મૃતિ વિશેષ : ઝાકિર હુસૈન: એક ઉસ્તાદની કેટલીક અજાણી વાત…
સમાચારમાંથી વાંચેલ શુદ્ધ મનોરંજન છે. હા,એક વાત સારી છે કે નેતાઓએ કૌભાંડો પર તપાસ કરવાની ગંભીરતાથી શરૂઆત કરી છે અને એની સમોસાંથી શરૂઆત થઈ ચૂકી છે. વાત સમોસાંથી સંસદ સુધી પહોંચશે કે નહીં એની ખબર નથી, પણ એમાં એવું પણ બને કે એ સી.આઇ.ડી. પણ નકલી હોય અથવા કંઈ નહીં તો સમોસાં નકલી મળી આવે!
જ્યારે તમે ટી.વી., ફિલ્મ, બધી જ જગ્યાએથી બોર થઈ જાવ ત્યારે યાદ રાખજો કે આપણા સમાચારો અને આપણા નેતાઓ મનોરંજન કરવામાં જરાયે ઓછું નહીં આવવા દે. એટલે જ તો લેખક રાહી માસૂમ રઝાએ કહેલું: ‘ઇસ દેશ મેં રાજનીતિ પર ફિલ્મોં કી તરહ મનોરંજન ટેક્સ લગાના ચાહીએ.’
એંડ-ટાઇટલ્સ:
આદમ: મારો પ્રેમ અસલી છે.
ઈવ: પણ તું પોતે કેટલો અસલી છો?