ઉત્સવ

ઝબાન સંભાલ કેઃ પોસ્ટઑફિસ’-‘મળેલું’-‘ધૂમકેતુ’

  • હેન્રી શાસ્ત્રી

એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે એમ કવિતાની એક પંક્તિ એક લાંબા નિબંધ કરતાં વધુ પ્રભાવી સાબિત થઈ શકે છે. ગુજરાતી સાહિત્યના કાવ્ય લોકની સમૃદ્ધિ જાણીતી છે. અનેક કવિઓએ તેમની રચનાથી જનમાનસના દિલ-દિમાગને ઝંકૃત કર્યાં છે. કાવ્ય પ્રકાર સાથે કવિનાં નામ જોડાઈ જતાં.

‘સોનેટ’ (14 લીટીનો કાવ્યપ્રકાર)નો ઉલ્લેખ થાય એટલે તરત જ બ. ક. ઠાકોર (એમનું આખું નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર બહુ ઓછા લોકો જાણતા હશે) નામ યાદ આવે. એવી જ રીતે જાપાનીઝ કાવ્ય પ્રકાર ‘હાઇકુ’ (ત્રણ પંક્તિનો સત્તર અક્ષરી પ્રકાર જેમાં પહેલી લાઈનમાં પાંચ, બીજીમાં સાત અને ત્રીજીમાં પાંચ અક્ષરનું બંધારણ હોય છે)નું નામ પડતાં કયું નામ યાદ આવે? એક સમયે હાઈકુ માટે ગજબનું આકર્ષણ હતું.

ગુજરાતીમાં ‘હાઈકુ’ પ્રકાર લોકપ્રિય કરવાનો શ્રેય ‘સ્નેહરશ્મિ’ને જાય છે. આ તખલ્લુસ કવિની એવી ઓળખ બની ગયું કે જો તમે એમ કહો કે ‘ઝીણાભાઈ રતનજી દેસાઈએ ગુજરાતીમાં હાઈકુ લખવાની શરૂઆત કરી’ તો કેટલાક લોકો ‘આ ભાઈ એટલુંય નથી જાણતા કે ‘સ્નેહરશ્મિ’એ પ્રારંભ કર્યો?’ એવો સવાલ કદાચ જાહેરમાં ન બોલે તો મનમાં તો જરૂર બોલી ઊઠતા હશે. તખલ્લુસનો આ પ્રભાવ રહ્યો છે.

એવું જ બીજું એક ખૂબ જાણીતું તખલ્લુસ છે ‘ધૂમકેતુ’. શાળા અભ્યાસ દરમિયાન અનેક લોકોને ‘પોસ્ટ-ઑફિસ’ તેમ જ ‘ભૈયાદાદા’ વાર્તા ભણાવવામાં આવી હશે. આ વાર્તાના લેખક ‘ધૂમકેતુ’ હોવાની જાણ પણ તમને હશે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિ ધરાવતી નવલકથા વાંચવાનો શોખ હશે તો ‘ચૌલાદેવી’થી પણ વાકેફ હશો, પણ જો કોઈ તમને એમ કહે કે આ વિશિષ્ટ સર્જન તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું છે તો ‘એ વળી કોણ?’ એવો વિચાર આવી જવાની સંભાવના બળવત્તર ખરી.

રસપ્રદ વાત એ છે કે ‘પોસ્ટ-ઑફિસ’ વાર્તા પ્રગટ (1923) થઈ ત્યારે લેખક તરીકે નામ ગૌરીશંકર જોશી પણ નહોતું કે ધૂમકેતુ પણ નહોતું. ‘પોસ્ટ-ઑફિસ’ વાર્તા ‘મળેલું’ ઉપનામ સાથે પ્રસિદ્ધ થઈ હતી.’1922માં તેમની એક વાર્તા ‘પાગલ’ તખલ્લુસથી પ્રગટ થયેલી.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: હસીને જીવન વિતાવવું છે કે રડીને?

સિદ્ધરાજ જયસિંહ વિશેના લેખમાં ‘ધૂમકેતુ’ નામ રાખ્યું અને પછી એ તખલ્લુસ સમગ્ર ગુજરાતમાં ગાજ્યું. ‘પોસ્ટ-ઑફિસ’ નવલિકા ટૂંકી વાર્તા ફક્ત ગુજરાત રાજ્યના સીમાડા ઓળંગી દેશનાં બીજાં રાજ્યોના અભ્યાસક્રમમાં પણ સામેલ થઈ છે. વિદેશનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન મળ્યું છે. ‘ધ લેટર’ નામે અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વાર્તાસંગ્રહમાં ‘પોસ્ટ-ઑફિસ’ વાર્તા ‘ધ લેટર’ નામથી પ્રકાશિત થઈ હતી. અમેરિકામાં વિશ્વની 40 શ્રેષ્ઠ વાર્તાઓમાં પણ ‘પોસ્ટ-ઑફિસ’ વાર્તાને સ્થાન મળ્યું છે.

ENગ્લિશ વિંGLISH PSEUDONYMS

તમને વિશ્વ સાહિત્યમાં રુચિ હશે અને અમેરિકન સર્જકોની વિવિધ રચનાઓથી અવગત હશો તો તમે માર્ક ટ્વેઈનના લખાણથી જરૂર પરિચિત હશો. એમનાં કેટલાંક પુસ્તકો વાંચ્યાં હોવાની સંભાવના પણ ન નકારી શકાય. The Adventures of Tom Sawyer and Adventures of Huckleberry Finn are his world famous adventure stories. The continuing popularity of Tom Sawyer is such that it sold well from its first publication, in 1876, and has never gone out of print. ‘ધ એડવેન્ચર ઓફ ટોમ સોયર’ અને ‘એડવેન્ચર ઓફ હકતબરી ફીન’ તેમની વિશ્વવિખ્યાત સાહસ કથાઓ છે. એમાંય ‘ટોમ સોયર’ તો પહેલી વાર 1876માં પ્રકાશિત થઈ ત્યારથી હજી સુધી એનું વેચાણ થતું રહ્યું છે.

જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે ‘માર્ક ટ્વેઇન’ તેમનું અસલી નામ નથી, પેનનેમ છે, તખલ્લુસ છે. His real name is Samuel Langhorne Clemens. એમનું અસલી નામ છે સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેન્સ. મિસ્ટર સેમ્યુઅલ કેવી રીતે ‘માર્ક ટ્વેઇન’ બની ગયા એનો ઉલ્લેખ તેમના ‘લાઈફ ઑફ મિસિસિપી’ નામના પુસ્તકમાં કર્યો છે. આ નવલકથામાં મિસિસિપી નદી અને રિવરબોટનો ઉલ્લેખ આવે છે. એ સંદર્ભમાં રિવર બોટનાં કૅપ્ટન લખાણમાં ‘માર્ક ટ્વેઇન’ તરીકે પોતાનો ઉલ્લેખ કરતા. પાત્ર માટેનું આ નામ સર્જકને પસંદ પડી ગયું અને અપનાવી લીધું. મજા તો એ વાતની છે કે એને એવી ગજબનાક લોકપ્રિયતા મળી કે અસલી નામ લોકોના ધ્યાનમાં જ ન રહ્યું.

હવે એક એવા પેનનેમની વાત કરીએ જેનું પુસ્તક વાંચવું એક સમયે પ્રતિષ્ઠા ગણાતી હતી. Ayn Rand’s The Fountainhead is a bestseller. More than 10 million copies of The Fountainhead have been sold worldwide, and it has been translated into more than 30 languages. આઈન રેન્ડની નવલકથા ‘ધ ફાઉન્ટન્હેડ’ ચપોચપ વેચાતું પુસ્તક તરીકે નામના ધરાવે છે.

વિશ્વભરમાં આ પુસ્તકની એક કરોડથી વધુ નકલનું વેચાણ થયું છે. 30થી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. જોકે, આઈન રેન્ડ પેનનેમ છે, તખલ્લુસ છે. લેખિકાનું અસલી નામ છે Alice O’Connor – Alisa Zinov’yevna Rosenbaum. લેખિકાનો જન્મ 1905માં રશિયામાં થયો હતો અને ત્યાં એનું નામ એલિસા રોસેનબોમ હતું અને 1931માં તે અમેરિકન નાગરિક બન્યા પછી એલાઇસ ઓકોનર તરીકે ઓળખાવા લાગી હતી. જોકે, પુસ્તકપ્રેમીઓ માટે તો એ વર્ષો સુધી આઈન રેન્ડ જ રહી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button