ઉત્સવ

ફોકસ : નવા વર્ષનાં તમારાં શું છે રેઝોલ્યુશન?

  • શૈલેન્દ્ર સિંહ

દર વર્ષે લોકો નવા નવા રેઝોલ્યુશન લેતાં હોય છે. એમાં પણ હેલ્થને સંબંધિત રેઝોલ્યુશન તો હંમેશાં નંબર વન રહે છે. યુવાઓ હવે આ સંકલ્પને ઔપચારિકતા માટે નથી લેતાં, પરંતુ એને ખૂબ યથાર્થ અને વ્યવહારુ બનાવીને એનું દૃઢતાથી પાલન પણ કરે છે. આખા વિશ્ર્વમાં લોકો અને યુવાઓ કેવા સંકલ્પ લે છે એનાં પર એક નજર કરીએ.

સ્વાસ્થ્ય અને ફિટનેસ: એવું કહી શકાય કે હેલ્થને સંબંધિત સંકલ્પ હંમેશાંથી લોકોની પહેલી પસંદ રહ્યું છે. યુવાઓએ આખા વર્ષ ભર સ્વાસ્થ્યને મહત્ત્વ આપવાનું રેઝોલ્યુશન લીધું છે. એક સર્વે મુજબ એનો ખુલાસો થયો છે. લગભગ 70 ટકા યુવાઓએ સંકલ્પ લીધો છે કે તેઓ 2025માં નિયમિત કસરત કરશે. 60થી 65 ટકા યુવાઓએ સ્વાસ્થ્યથી ભરપૂર ભોજન ખાવાનો નિયમ બનાવ્યો છે.

50થી વધુ યુવાઓએ પોતાના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનો સંકલ્પ લીધો છે. તો બીજી તરફ 40થી 45 ટકા યુવાઓએ મોબાઇલ પરના સ્ક્રીન ટાઇમને ઘટાડવાનો અને 70 ટકા યુવાઓએ ડિજિટલ ડિટૉક્સ થવાનો રેઝોલ્યુશન લીધો છે. સાથે જ 80 ટકા એવો યુવા વર્ગ પણ છે જેણે વર્ક લાઇફ બેલેન્સ કરવા માટે સમયનું ચોક્કસ દિશામાં પાલન કરવાનું નક્કી કર્યું છે.

ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ: આ વર્ષે મોટાભાગના યુવાઓએ પર્યાવરણને અનુકૂળ જીવન જીવવાનો ફેસલો લીધો છે. તેમણે સંકલ્પ લીધો છે કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ જેમ બને એમ ઓછો કરશે. સાથે જ એવી લાઇફ જીવશે જે પોતાના આરોગ્યની સાથે પર્યાવરણને પણ કોઈ નુકસાન ન પહોંચાડે.

વાતાવરણને પ્રદૂષિત થતાં અટકાવવા માટે સાઇકલ કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરવાનો તેમણે નિર્ણય લીધો છે. વિશ્વના કોઈપણ ખૂણામાં વ્યક્તિ હોય, પરંતુ તેને પર્યાવરણનું મહત્ત્વ ખબર છે. એથી જ 40થી 45 ટકા યુવાઓએ એક કાં તો બે વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે. સાથે જ પાણીની બચત કરવા માટે પણ કામ કરશે.

આર્થિક રેઝોલ્યુશન: આ સંકલ્પ સૌથી જૂનો અને હંમેશાં અગત્યનો રહ્યો છે. એક જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે યુવાઓએ બચત અને રોકાણની દિશામાં રેઝોલ્યુશન લીધો છે. 70 ટકાથી વધુ યુવાઓ પોતાના ફાલતું ખર્ચાઓને ઘટાડવા માગે છે. સાથે જ પોતાની આવકના સ્ત્રોતને વધારવા માટે વિવિધ સ્કીલ્સ શીખવા માગે છે.

સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ: સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એટલે પોતાની જાતમાં સુધાર પણ અગત્યનો સંકલ્પ છે. આ સંકલ્પ હંમેશાંથી લોકોમાં લોકપ્રિય રહ્યો છે. એના પર લોકો ચર્ચા પણ કરે છે. 60 ટકા યુવાવર્ગ અને કોર્પોરેટ ક્ષેત્રના પ્રોફેશનલ્સ લક્ષ રાખી રહ્યાં છે કે તેઓ 2025માં કોઈ નવી ભાષા જરૂર શીખશે અને પોતાની કરીઅરને વધુ સારી બનાવવા માટે પ્રયાસો કરશે.

આ સાથે જ સ્ટડી પર પણ ફોકસ કરવાનો સંકલ્પ યુવાઓએ લીધો છે. મોબાઇલ પર આખો દિવસ પસાર કર્યાં બાદ યુવાઓને હવે એહસાસ થયો છે કે તેમની પુસ્તકો વાંચવાની ટેવ છૂટી ગઈ છે. એથી તેમણે સંકલ્પ લીધો છે કે મહિનામાં ઓછામાં ઓછું એક પુસ્તક જરૂર વાંચશે. આ સિવાય તેમને પબ્લિક સ્પિકિંગ પણ આકર્ષક લાગે છે.

સંબંધોને મજબૂત બનાવશે: યુવાઓએ નક્કી કર્યું છે કે 2025માં તેઓ કુટુંબીઓ અને મિત્રો સાથે સંબંધોને વધુ સશક્ત બનાવશે. તેઓ જૂના મતભેદોને ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માગે છે. સોશિયલ મીડિયાના ચલણની વચ્ચે યુવાઓએ એક નવો સંકલ્પ પણ લીધો છે કે તેઓ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નહીં, પરંતુ લોકોને પર્સનલી જઈને મળશે. જેથી કરીને સંબંધોમાં વધુ મધુરતા ઉમેરી શકાય.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ મૌનનો સશક્ત અવાજ..! ગુપચુપ આવ્યા… ચુપચાપ ચાલ્યા ગયા!

આ સિવાય પણ યુવાઓએ સમાજને ઉપયોગી બનવાનો સંકલ્પ લીધો છે. સામાજિક કાર્યોમાં વિશેષ યોગદાન આપીને રક્તદાન અને અંગદાનને વધુ મહત્ત્વ આપશે. પોતાના માટે સમય ફાળવશે, યાત્રાઓ કરશે અને નવી જગ્યાઓને એક્સ્પ્લોર કરવાનો પણ તેમણે સંકલ્પ લીધો છે. આવી રીતે આ વખતે તેમના સંકલ્પો નવા અને હટકે છે, માત્ર એનું યોગ્ય દિશામાં પાલન કરવાની જરૂર છે. તો તમે પણ આવા રેઝોલ્યુશન લઈને લાઇફને વધુ સરળ અને ઉત્સાહી બનાવી શકો છો. પરોપકારનાં કાર્યો કરીને અન્યોના જીવનમાં આશાના નવા કિરણ લાવી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button