ઉત્સવ

કવર સ્ટોરીઃ મૌનનો સશક્ત અવાજ..! ગુપચુપ આવ્યા… ચુપચાપ ચાલ્યા ગયા!

  • વિજય વ્યાસ

તમે એમને માત્ર આર્થિક ક્ષેત્રના નિષ્ણાત ન કહી શકો.. તમે એમને માત્ર કુશળ નાણાં મંત્રી ન કહી શકો.. તમે એમને નબળા વડા પ્રધાન તરીકે પણ ન ઓળખાવી શકો, કારણ કે મનમોહન સિંહ હતા આધુનિક ભારતના ખરા શિલ્પી!

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનનો શોક હજુ દેશભરમાં છે. આપણે ત્યાં કહેવત-ઉક્તિ છે કે, માણસ જાય પછી જ એની સાચી કદર થતી હોય છે. ડૉ. મનમોહન સિંહના કિસ્સામાં પણ એવું જ થયું છે. ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે દેશભરમાં એમની ટીકા થતી હતી. વિરોધ પક્ષો એમને સોનિયા ગાંધીની કઠપૂતળી ગણાવતા હતા ને મીડિયા એમને ‘મૌની બાબા’ કહેતું હતું.

ડૉ. મનમોહન સિંહે આ દેશને આર્થિક સધ્ધરતા આપવામાં આપેલા યોગદાનને ભૂલીને એમના શાસનના અવગુણો શોધી શોધીને લોકો સામે મુકાતા હતા ને 2014માં કૉંગ્રેસની કારમી હાર સાથે ડૉ. મનમોહન સિંહની સરકાર વિદાય થઈ ત્યાં સુધીમાં તો મનમોહન સિંહ દેશના સૌથી નબળા વડા પ્રધાન હોય એવું ચિત્ર ઊભું કરી દેવામાં આવ્યું હતું.

આજે 10 વર્ષ પછી સ્થિતી સાવ અલગ છે. ડૉ. મનમોહન સિંહની ટીકા કરનારા બધા એમને વખાણી રહ્યા છે અને સ્વીકારી રહ્યા છે કે, ડૉક્ટર સાહેબ એટલે કે મનમોહન સિંહ 1991માં ભારતના નાણાં મંત્રી ના બન્યા હોત તો આ દેશની હાલત પણ અત્યારના પાકિસ્તાન જેવી થઈ ગઈ હોત.

ભારતને આર્થિક રીતે નાદારી નોંધાવવામાંથી માત્ર બચાવ્યું જ નહીં, પણ મનમોહન સિંહે દુનિયાનાં સૌથી મોટાં અર્થતંત્રોમાંથી એક બનાવવાની દિશામાં કૂચ પણ શરૂ કરાવી. અત્યારે આપણે દુનિયામાં પાંચમા નંબરની સૌથી મોટી ઈકોનોમી બની ગયા તેની વધાઈઓ ખાઈએ છીએ અને ભળતા માણસોને જ તેનો જશ આપીએ છીએ, પણ વાસ્તવમાં આ જશ અને યશના સાચા અધિકારી આ સરદારજી હતા.

ડૉ. મનમોહન સિંહને એમના સમયમાં જોઈતો ખરો જશ ના મળ્યો કેમ કે ડૉ. મનમોહન સિંહ ચીલાચાલુ કે અઠંગ રાજકારણી નહોતા. રાજકારણીઓની જેમ કામ ઓછું કરવું ને બૂમો વધારે પાડવી એ એમનો સ્વભાવ નહોતો. એ લીડર હતા, પણ સાયલંટ લીડર હતા

તેથી જ દેશના રાજકારણના તખ્તા પર ચુપકીદીથી એન્ટ્રી કરીને નાણાં મંત્રી તરીકે દેશની આર્થિક કાયાપલટ કરી નાખી. કશું બોલ્યા વિના કામ કરતા રહ્યા ને એ પછી વિદાય લેવાનું આવ્યું ત્યારે પણ શાંતિથી વિદાય થઈ ગયા. એ પછી વડા પ્રધાનપદે પુનરાગમન પણ હોહા વિના કર્યું ને શાંતિથી કામ કર્યું. આ દેશનો જનાદેશ એમની વિરુદ્ધ આવ્યો ત્યારે તેને માથે ચડાવીને એ પાછા બેકગ્રાઉન્ડમાં જતા રહ્યા ને હવે દુનિયામાંથી વિદાય પણ બિલકુલ ચુપકીદી સાથે લઈ લીધી છે..

આજની પેઢી સોશિયલ મીડિયા અને વોટ્સઍપ યુનિવર્સિટીના અધકચરા જ્ઞાન ને જૂઠાણાંથી અંજાયેલી છે તેથી એને કદાચ ડૉ. મનમોહન સિંહના યોગદાન વિશે બહુ ખબર નથી, પણ ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ એક વાર કહેલું કે, ‘આર્થિક ઉદારીકરણ દ્વારા ડૉ. મનમોહનસિંહે આ દેશને જે નવી દિશા બતાવી એ બદલ આ દેશ હંમેશાં એમનો ઋણી રહેશે.’ સો ટકા સાચી વાત છે.

ડૉ. મનમોહન સિંહ આ દેશમાં આર્થિક ઉદારીકરણ બિલકુલ પ્રતિકૂળ સંજોગોમાં અને સામા પ્રવાહે તરીને લાવ્યા હતા. 1991ના જૂનમાં ડૉ. મનમોહન સિંહ દેશના નાણાં મંત્રી બન્યા એ સમય ભારતના અર્થતંત્ર માટે સૌથી ખરાબ સમય હતો. ચંદ્રશેખરના સમયમાં ભારતની આર્થિક સ્થિતિ એ હદે કથળેલી કે દેશનું વરસોથી સાચવી રાખેલું સોનું ગિરવે મૂકવાનો વારો આવેલો.

કેન્દ્ર સરકાર પાસે લોકોના કલ્યાણ માટેની યોજનાની વાત તો છોડો, પણ કર્મચારીઓના પગાર કરવાના પૈસા નહોતા. આવી કપરી હાલત વચ્ચે 1991ની ચૂંટણી આવી ત્યારે આ મુદ્દો ગાજતો હતો. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જ તમિલ આતંકવાદીઓએ રાજીવ ગાંધીની હત્યા કરી નાખી તેનો કૉંગ્રેસને ફાયદો મળ્યો.

કૉંગ્રેસને બહુમતી તો ના મળી પણ 230 કરતાં વધારે બેઠકો મળી. નાના પક્ષોની મદદથી સરકાર રચે તેવી સ્થિતિમાં કૉંગ્રેસ આવી ગઈ. નહેરુ-ગાંધી ખાનદાનના ભક્તો સોનિયા ગાંધીને વડા પ્રધાન બનાવવા માગતા હતા, પણ સોનિયાજી તૈયાર ના થતાં નરસિંહરાવ વડા પ્રધાન બન્યા. વિશ્વનાથ પ્રતાપસિંહ અને ચંદ્રશેખર દેશને દેવાળું ફૂંકવાના આરે મૂકીને ગયા હતા તેથી નરસિંહરાવ સામે સૌથી મોટો પડકાર દેશના અર્થતંત્રને ફરી બેઠું કરવાનો હતો.

નરસિંહરાવે એ વખતે ગજબની હિંમત બતાવીને કૉંગ્રેસમાંથી કોઈ છાપેલા કાટલાને બદલે આર્થિક બાબતોના અનુભવી મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવી દીધા. મનમોહન જેવા બિન રાજકારણીને નાણાં પ્રધાન બનાવીને એમણે મોટો જુગાર ખેલ્યો હતો.

નરસિંહરાવે બીજો જુગાર આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને ખેલ્યો હતો. કૉંગ્રેસની દાયકાઓ જૂની સમાજવાદ આધારિત આર્થિક નીતિઓ બદલવા સામે પ્રચંડ વિરોધ થયો, પણ નરસિંહરાવ બધા વિરોધને ઘોળીને પી ગયા.
એ વખતે રાવે જે રાજકીય ઇચ્છાશક્તિ બતાવી તેને પણ સલામ મારવી પડે. ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. તેનો યશ નરસિંહરાવ સરકારને જાય છે અને તેના મૂળમાં મનમોહન સિંહ હતા.

મનમોહન સિંહે આ દેશના અર્થતંત્રને એક નવી અને આગવી દિશા આપવાનું અકલ્પ્ય કામ કર્યું. ભારતમાં એ વખતે કશું જ નહોતું. મલ્ટિનેશનલ કંપનીઓને અહીં આવવાની છૂટ નહોતી ને અર્થતંત્ર સરકારી અધિકારીઓના ભરોસે ચાલતું.
મનમોહન સિંહે એ સ્થિતિ બદલી અને તેની શરૂઆત એમણે ટેલિકોમ કંપનીઓને લાવીને કરી.

ભારતમાં ત્યારે સેલફોન જ નહોતા. મનમોહન સિંહે સ્પેક્ટ્રમની હરાજી કરાવીને ટેલિકોમ કંપનીઓને ભારતમાં રોકાણની છૂટ આપીને એક નવી દિશા ખોલી દીધી. એ પછી એક પછી એક સેક્ટર સરદારજી ખોલતા ગયા ને ભારતને સમૃદ્ધ કરતા ગયા. કાર, ઈલેક્ટ્રૉનિક્સ, હોમ અપ્લાયન્સીસ ઇત્યાદિની મોટી મોટી કંપનીઓને એન્ટ્રી આપીને ડૉ. મનમોહન સિંહે ભારતને વિશાળ માર્કેટ બનાવી દીધું.

જે વધારે વસતિ ધરાવતા ભારત માટે સમસ્યા હતી તેનો મનમોહન સિંહે ભારતના ફાયદા માટે ઉપયોગ કરીને અર્થતંત્રની શિકલ બદલી. પોતાના અનુગામી નાણાં પ્રધાનોએ ક્યા રસ્તે ચાલવું તેની બ્લુ પ્રિન્ટ આપીને મનમોહનસિંહે દેશને ખરું માર્ગદર્શન પણ આપ્યું. દેવાળું ફૂંકવાના આરે આવેલા આ દેશને રાવ અને મનમોહને બચાવી લીધો. આર્થિક ઉદારીકરણની નીતિથી આ દેશ જોડી દેશમાં એક નવી હવા લાવી અને આ નવી હવાના કારણે આ દેશનું અર્થતંત્ર ટકી ગયું.

કમનસીબે ડૉ. મનમોહનના આ યોગદાનને યાદ રાખવાના બદલે એ સોનિયાના ‘કહ્યાગરા છે’ તેનો પ્રચાર જ વધારે ચાલ્યો. ડૉ. મનમોહન સિંહને સોનિયા ગાંધી કે નહેરુ-ગાંધી ખાનદાનની કઠપૂતળી ગણાવવાની ફૅશન બહુ ચાલી ત્યારે એક પ્રસંગ યાદ કરવા જેવો છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કૉંગ્રેસ સરદાર પટેલને પોતાના ગણાવીને એમના નામે ચરી ખાવાની હોડ કરી રહ્યાં છે.

આ પણ વાંચો…300 મેગા વૉટ હાઈબ્રિડ પ્રોજેક્ટ માટે ACME સોલાર હોલ્ડિંગને રૂ. 1988 કરોડની લોન

સરદાર વલ્લભભાઈ કોઈ ઓળખાણના મોહતાજ નથી. એમણે આ દેશ માટે જે કંઈ કર્યું એટલું કોઈ નેતા સો જનમમાં પણ ના કરી શકે. સાવ નગુણા કૉંગ્રેસીઓએ સરદાર પટેલને સાવ ભુલાવી જ દીધેલા ને એમનું અસ્તિત્વ જ ના હોય એ રીતે કૉંગ્રેસ વરસો લગી વર્તતી હતી.

ત્યારે ડૉ. મનમોહન સિંહ એવા નેતા હતા કે જેમણે ખોંખારીને કહેલું કે, સરદાર વલ્લભભાઈ પટેલ કૉંગ્રેસના હતા એ વાતનો તેમને ગર્વ છે. મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે અમદાવાદમાં સરદાર સ્મારકના ઉદ્ઘાટન વખતે એમણે આ વાત કહી હતી. સોનિયાનો સૂરજ એ વખતે સોળે કળાએ તપતો હતો ને મેડમને નારાજ કરવાની કોઈની તાકાત નહોતી. નહેરુ-ગાંધી ખાનદાન સિવાય બીજાં કોઈનાં વખાણ કરવાની ગુસ્તાખી કરનાર પતી જ જાય એ સમયમાં મનમોહન સિંહે આ વાત કહેલી. ખેર, હવે મનમોહન સિંહ નથી ત્યારે બહુ વાત કરવાનો મતલબ નથી, પણ આ દેશ ડૉ. સિંહને કદી ભૂલી શકે તેમ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button