અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુઓ વધતી ભેળસેળની ફરિયાદના પગલે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. તેમજ ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ એન્ડ ફૂડ વિભાગ દ્વારા પંદર દિવસમાં 824 એકમોનું ચેકિંગ કરીને 385 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 355 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 456 કિલો તથા 433 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના નાશ કરવામાં આવ્યો છે. તેમજ રૂપિયા 2 લાખ 15 હજારનો દંડ વસૂલ કરાયો છે અને રૂપિયા 11 લાખની લાઈસન્સ ફી વસૂલ કરાઈ છે.
પ્રિન્સ કોર્નરના ભાજીપાંઉમાંથી કાંકરો નીકળ્યો હતો
અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને બોપલમાં પ્રિન્સ કોર્નર, ગુરૂકુળ રોડ પર કૃણાલ સ્વીસ્ટ, નવરંગપુરા એએમસી માર્કેટમાં આદિત્ય એન્ટરપ્રાઈઝ, નિકોલમાં ભૈરવનાથ ભાજીપાંઉ, અને મણિનગરમાં જૂના ક્રોસિંગ સામે પાર્થ એન્ટરપ્રાઈઝને સીલ કર્યા છે. બોપલમાં પ્રિન્સ કોર્નરના ભાજીપાંઉમાંથી કાંકરો નીકળ્યો હતો અને અનહાઈજેનિક કન્ડીશન, ગુરૂકુળ રોડ પર કૃણાલ સ્વીસ્ટ્સની પપૈયાની ચટણીમાં જીવાાત નીકળી હતી. નવરંગપુરા એએમસી માર્કેટમાં આદિત્ય એન્ટરપ્રાઈઝમાં એક્સપાયરી ડેટની ખાદ્ય ચીજો મળી હતી. જ્યારે નિકોલમાં ભૈરવનાથ ભાજીપાંઉમાં ફૂડ સેફ્ટી લાઈસન્સ વિના ધંધો કરવો અને મણિનગરમાં જૂના ક્રોસિંગ સામે પાર્થ એન્ટરપ્રાઈઝના ઓઇલમાં TPC 58 હતું.
આ પણ વાંચો…ઓટો રિક્ષામાં ફ્લેગ મીટરનો વિરોધ: પોલીસની કાર્યવાહીથી બચવા હાઇકોર્ટમાં રિટ
કોર્પોરેશને ફરસાણની દુકાનોમાં તેલમાં વધુ ટીપીસીના 297 કિસ્સા ઝડપ્યા
આ ઉપરાંત બાપુનગરમાં અંબર સિનેમા પાસે જય શ્રીનાથજી ચવાણા ભંડારમાંથી લેવાયેલ મિક્ષ ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને શાહઆલમ ટોલનાકાપાસે શ્રી રામદેવજી દાળવડામાં રીયુઝડ કુકિંગ ઓઈલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ (TPC)વધુ હોવાથી અનસેફ જાહેર કરાયા છે. કોર્પોરેશને ફાફડા, પાપડી, ભજિયા, દાળવડા, ગાંઠિયા, ફરસાણમાં TPC ના 297 કિસ્સા પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.