પ્રેમિકાએ બ્લેકમેલ કરતાં એન્જિનિયર મામાએ ડિમાન્ડ પૂરી કરવા ભાણેજનું અપહરણ કરી રચ્ચો ખતરનાક કાંડ
Gujarat Crime News: વાપીથી ભિલાડમાં લગ્નપ્રસંગમાં ગયા બાદ સાત વર્ષીય બાળક અચાનક ગુમ થતાં પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. એમાં બાળક 39 કલાક બાદ વાપીની દમણગંગા નદી પાસે સેપ્ટ પ્લાન્ટ નજીક ઝાડીઝાંખરામાંથી બેભાન હાલતમાં મળ્યું હતું. આ કેસમાં મુંબઇમાં રહેતા બાળકના પિતરાઇ મામાએ જ પ્રેમિકાને 30 લાખ આપવા અન્ય બે વ્યક્તિને રૂ. 10 લાખની લાલચ આપી અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. કચરો વીણતા એક યુવકને બાળક પાસેનો મોબાઇલ મળતાં પોલીસને તેને શોધવામાં સફળતા મળી હતી.
સાઉદીથી આવ્યો હતો પરિવાર
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના અને સાત વર્ષથી સાઉદીમાં રહેતા એક વેપારી તાજેતરમાં પોતાના વતનમાં આવ્યા હતા, જે ગત 23 ડિસેમ્બરના રોજ પોતાની પત્ની અને સાત વર્ષના પુત્ર સાથે વાપીથી ભિલાડમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. જે અંગે મુંબઈ ખાતે રહેતા સંબંધી શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારુખ ખાનને જાણ થઈ હતી.
શાહબાજ ખાને તેના મિત્ર ઉમેર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમેર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી સાથે મળીને સાત વર્ષીય બાળકનું અપહરણ કરીને વાપી તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન બાળકને બેભાન કરવાના ઇરાદે ગળું દબાવ્યું હતું, જેથી બાળક બેભાન થઈ ગયું હતું. જોકે આરોપીઓને લાગ્યું કે બાળક મરી ગયું છે, જેથી વાપી નેશનલ હાઇવે નજીક આવેલા સેપ્ટ પ્લાન્ટ નજીક ઝાડીઝાંખરામાં બાળકને ફેંકતી વખતે પાસે રહેલો તેની નાનીનો મોબાઈલ નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં નાંખી દીધો હતો. આ તરફ પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસ પણ બાળકને શોધી રહી હતી.
Also read:ડુમ્મસ જમીન કૌભાંડ પર સરકારની કડક કાર્યવાહી- વલસાડ કલેકટરને કર્યા સસ્પેન્ડ
25 ડિસેમ્બરના રોજ કચરો વીણતા એક યુવકને સેપ્ટ પ્લાન્ટ નજીકથી બાળકની નાનીનો મોબાઈલ ફોન મળ્યો હતો, જેની જાણ વલસાડ પોલીસની ટીમને થતાં વલસાડ પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કચરો વીણતા યુવકને મળેલા મોબાઇલની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરીને સમગ્ર વિસ્તારનું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અપહરણની ઘટનાના 39 કલાક બાદ બેભાન હાલતમાં બાળક મળ્યું હતું.
પોલીસે બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ મુખ્ય આરોપી શાહબાજ આ બાળકનો પિતરાઇ મામા થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેણે પ્રેમિકાને 30 લાખ આપવા ભાણેજનું અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.