કાંદિવલીમાં અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરને અડફેટમાં લીધા: એકનું મૃત્યુ
![](/wp-content/uploads/2024/12/urmila-kothare-car-accident-metro-workers_.webp)
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરને અડફેટમાં લીધા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. અભિનેત્રી ઉર્મિલા કોઠારે શુક્રવારે મોડી રાતે શૂટિંગ પતાવીને કારમાં ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કાંદિવલી પૂર્વમાં પોઇસર મેટ્રો સ્ટેશનની નીચે મોડી રાતે બે મજૂર મેટ્રો રેલનું કામ કરી રહ્યા હતા ત્યારે કોઠારેની કારે તેમને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં કોઠારે અને તેના ડ્રાઇવરને પણ ઇજા થઇ હતી. જોકે યોગ્ય સમયે ઍરબેગ ખૂલી જતાં બંને બચી ગયાં હતાં, એમ સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
Also read: અંધેરી-કાંદિવલીથી રૂ. 1.06 કરોડનો ગુટકા પકડાયો: ત્રણની ધરપકડ
પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઇવરે પૂરપાટ વેગે જતી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તાને કિનારે કામ કરી રહેલા બંને મજૂરને અડફેટમાં લીધા હતા. ઘવાયેલા બંને મજૂરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એક મજૂરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ પ્રકરણે ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્મિલા કોઠારેએ કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં મરાઠી ફિલ્મ ‘દુનિયાદારી’ અને હિન્દી ફિલ્મ ‘થેન્ક ગોડ’નો સમાવેશ છે.