જયારે કચ્છનું સામખિયાળી બન્યું આહીરાણી રાસનું કેન્દ્રઃ 3000 બહેનોએ લીધો ભાગ
ભુજઃ રણપ્રદેશ કચ્છ ખાસ કરીને તેના આહીરો અને રબારી પરિવારની અદભુત વેશભૂષા માટે જાણીતો છે અને આવી વેશભૂષા સાથે ખાસ કરીને આહીરો જયારે દાંડિયા રમે છે અને આહીરાણીઓ જયારે રાસડા લે છે ત્યારે તે ખુબ દર્શનીય બને છે એટલે જ તો ભૂતકાળમાં કચ્છના અંજાર તાલુકાના સંઘડ ગામની રાસ મંડળીને નવી દિલ્હી ખાતેની ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં સ્થાન મળી ચૂક્યું છે.
કચ્છમાં જયારે રણોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ખાતે એક નવતર પ્રયોગ યોજાયો હતો જેમાં કાંઠાળ ચોવીસી આહીર સમાજ દ્વારા ગત ૨૫મી ડિસેમ્બરના રોજ એક મહારાસનું આયોજન, આહીર સમાજવાડી ખાતે કરાયું હતું જેમાં ૧૨ ગામોના ત્રણ હજારથી વધુ આહીર બહેનોએ પોતાના પરંપરાગત વેશભૂષા સાથે રાસ લીધા હતા. એક સાથે ત્રણ હજાર જેટલી બહેનોએ આયર સમાજની ઓળખ જેવા પરંપરાગત વસ્ત્રો અને અલંકારો પહેરીને કાર્યક્રમ રજૂ કરતાં અદભુત દ્રશ્યો સર્જાયાં હતાં.
આ પણ વાંચો : ભુજના મોખાણા ગામની સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનમાં સડેલો ખોરાક આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો
ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ જયારે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા ત્યારથી આહીર રાસની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવે છે. કચ્છના રાપર તાલુકાના વ્રજવાણી ખાતે પણ આ આહીર રાસનું મહત્વ સમજાવાયું છે. આયર લોકોના જણાવ્યા પ્રમાણે કૃષ્ણ નગરી દ્વારિકા ખાતે ગયા વર્ષે આહીરાણીઓએ, ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ રાસ લીધા હતા જેમાં ૩૭૦૦૦થી વધુ આહીરાણીઓએ રાસ રમીને એક વિક્રમ સર્જ્યો હતો એ વાતની સ્મૃતિને આધારે જ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
નવી પેઢીમાં આહીર સંસ્કારો, આહીર પોશાક તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદરભાવના જાગે તેવા હેતુથી સામખિયાળી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.