બીડ સરપંચ હત્યા: બાવનકુળે ધસને ‘તપાસમાં અવરોધ’ લાવનારી ટિપ્પણીઓથી દૂર રહેવા જણાવશે
મુંબઈ: બીડમાં સરપંચની હત્યા કેસ અંગે રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ એનસીપીના પ્રધાન ધનંજય મુંડે પર જાહેરમાં ટીકા કરનારા પાર્ટીના વિધાનસભ્ય સુરેશ ધસે કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહાયુતિમાં ભાજપની સાથી છે.
આ મહિનાની શરૂઆતમાં મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા પ્રકાશમાં આવી ત્યારથી ધસ મુંડેનું નામ લીધા વિના સતત તેમની ટીકા કરી રહ્યા છે.
બીડ જિલ્લાના આષ્ટી મતવિસ્તારના વિધાનસભ્યે આરોપ લગાવ્યો છે કે હત્યા કેસના મુખ્ય આરોપીઓની મુંડે સાથેના સંબંધોને કારણે ધરપકડ કરવામાં આવતી નથી. બાવનકુળેએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભાને ખાતરી આપી છે કે હત્યા કેસના ગુનેગારોને તેમના રાજકીય જોડાણોને ધ્યાનમાં લીધા વિના ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ‘હું સુરેશ ધસને કહીશ કે તેમની પાસે જે પણ માહિતી છે તે જાહેર કરવાને બદલે સીધી મુખ્ય પ્રધાન સાથે શેર કરે. હું તેમને એમ પણ કહીશ કે એવી કોઈ ટિપ્પણી ન કરે જેનાથી (હત્યા) તપાસમાં અવરોધ ઊભો થાય,’ એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
12 જાન્યુઆરીએ યોજાનારી રાજ્ય સ્તરના ભાજપ સંમેલનની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બાવનકુળેએ અહિલ્યાનગર જિલ્લાના શિરડીની મુલાકાત લીધી હતી. ‘ભાજપના સંમેલનમાં 15,000 પ્રતિનિધિઓ એકઠા થશે જેનું ઉદ્ઘાટન (ભાજપના વડા) જેપી નડ્ડા કરશે. (કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહ સમાપન ભાષણ આપશે,’ એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ કોર કમિટી સંમેલનની પૂર્વસંધ્યાએ બેઠક કરશે જેમાં લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કરવા અને મહારાષ્ટ્રના વિકાસ માટેના રોડમેપની ચર્ચા કરવામાં આવશે.
દેશમુખની હત્યા બાદ ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમના શરીર પર ઈજાના નિશાનવાળા ફોટા વ્યાપકપણે શેર થયા બાદ બીડમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. દેશમુખ મરાઠા સમુદાયના છે, જ્યારે વિષ્ણુ ચાટે અને અન્ય બે આરોપીઓ વણઝારી સમુદાયના છે, જે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવે છે.