આ ATMમાંથી પૈસા નહિ, તમારા આરોગ્યનો ચિતાર મેળવો..
સામાન્યપણે કોઇપણ રાજ્યમાં તેના મુખ્ય શહેરોને બાદ કરતા જિલ્લા સ્તરે આરોગ્ય સુવિધાઓ કથળેલી હાલતમાં જ જોવા મળતી હોય છે, પરંતુ ગુજરાતમાં શહેરોને પણ ટપી જાય તેવી એક સુવિધા જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉભી કરવામાં આવી છે.
આ સુવિધા છે, હેલ્થ ATMની. જી હાં. આ હેલ્થ ATMમાં 40થી વધુ બિમારીઓનો રિપોર્ટ મેળવી શકાશે જેમ કે ગ્લુકોઝ ટેસ્ટ, ડાયાબિટીસ ટેસ્ટ, એનીમિયાનો ટેસ્ટ, હિમોગ્લોબીન ટેસ્ટ જેવા નાનામોટા ટેસ્ટ હવે લોકો સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં જઇને જ કરાવી શકશે. આનાથી લોકોને ફાયદો એ થશે કે ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલના ચક્કરો નહિ કાપવા પડે અને ઘરઆંગણે જ તેઓ તેમના આરોગ્યનો ચિતાર મેળવી શકશે. ખાસ વાત એ પણ છે કે ફક્ત 30 મિનિટના સમયગાળામાં જ ટેસ્ટની પ્રક્રિયા આટોપાઇ જાય છે. આ હેલ્થ ATM મશીનનો લાભ મેળવવા માટે ઉપયોગકર્તાએ એક વખત મોબાઇલ નંબર, નામ સહિતની વિગતો તેમાં નાખવી પડે છે અને તે પછી રિપોર્ટની વિગતો સહિતની ઉપયોગકર્તાની ટેસ્ટની માહિતી તેમાં જળવાયેલી રહે છે.
જૂનાગઢના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ આ ATMનો હવે લાભ લેતા થયા છે અને કેટલાક મીડિયા અહેવાલો મુજબ ATMની કામગીરી તેમને સંતોષજનક લાગી રહી છે. સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ પહેલો એવો જિલ્લો છે કે જ્યાં લગભગ 9 જેટલા તાલુકાઓમાં 40 પીએચસી- આરોગ્ય કેન્દ્રો પર આ મશીન ગોઠવવામાં આવ્યા છે.