વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

રસ્તા વચ્ચે રસ્તો… ભૂલેલો રસ્તો

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

આજકાલ રસ્તા પર ટ્રકો એટલી બધી છે કે કાર-ટૅક્સીઓને જગ્યા જ નથી મળતી. ખરેખર તો ટૅક્સીઓ એટલી બધી છે કે કારવાળાઓ પરેશાન છે. આ બધાને કારણે ઑટો રિક્ષા જેવાં ત્રણ પૈડાંવાળાં વાહનો, જે ગમે તે ભોગે ઝડપથી ભાગવા જ માગે છે, એ પણ આગળ જઈ નથી શકતાં.

જો રસ્તાઓને ગટર સમજીને આકાશમાં ઊંચાઈ પર રાખેલા કૅમેરાથી જોવામાં આવે તો બધો જ ટ્રાફિક, કચરાના ઢગલા જેવો ધીમે ધીમે સડક પર વહેતો હોય એવું દેખાશે.

આ કચરા જેવો ટ્રાફિક દરેક જગ્યાએ, દરેક સિગ્નલ પર, દરેક ચોક પર ઘણીબધી વાર ઊભો રહે અને પછી ઝડપથી થોડી વાર આગળ ભાગવા માંડે. ટ્રક, ટૅક્સી, કાર અને થ્રી વ્હીલર અને ટુ વ્હીલરવાળાઓ.. આહા હા.. આટઆટલા ટ્રાફિકની વચ્ચે જે લોકો પોતાની મોટરસાઈકલ, સ્કૂટર અથવા સ્કૂટી, સાપોલિયાની જેમ સડસડાટ કાઢીને લઈ જાય છે.

એ લોકો તો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવાના અધિકારી છે. જેમ એક હોકીનો ખેલાડી, બીજા ખેલાડીઓને ચકમો આપી, આમ તેમ છટકી છટકીને સરકીને ગોલ પોસ્ટ તરફ્ આગળ વધે એવી જ રીતે આ ટુ વ્હીલરવાળા સ્માર્ટલી વાંકાચૂકા નાગિનની ચાલ જેમ આગળ વધે રાખે છે. ઘણી વાર એ લોકો એકલા નથી હોતા. એમની પત્ની કે પ્રેમિકા, પ્રેમથી ચાલકની કમર પર હાથ વીંટાળી, પીઠ પર માથું ટેકવી એકદમ વળગીચોંટીને બેઠી હોય છે.

ટુ વ્હિલરલવાળા કદાચ આ જ સ્પર્શના આનંદ માટે જ પોતાની પ્રેમિકા કે પત્નીને સ્કૂટરની પાછળ બેસાડીને લઈ જતા હશે. જુવાનિયાઓ માટે તો આ આખા પ્રવાસનો લક્ષ આ સ્પર્શ જ હોય છે. જે રીતે વાર્તાલેખનમાં ક્યારેક ક્યારેક વાર્તાની શૈલી જ લક્ષ્ય બની જતી હોય છે ને વાર્તા બાજુમાં રહી જાય છે એવું જ આ સ્કૂટીસવાર કપલ્સનું હોય છે. આમ આ રીતે સ્કૂટરવાળાઓ પેટ્રોલ ખર્ચ કરીને પ્રેમસ્પર્શ પામી શકે છે. ભલેને કોઈક તો કંઈક તો મજા પામે, આ ટ્રાફિકમાં!
ચલો છોડો, પ્રેમરસને નાખો ધૂળમાં! ખરી મુશ્કેલી તો પોતાના વાહનને ઘણાં બધાં વાહનોના જંગલની વચ્ચેથી બહાર કાઢવાની છે. આ તો હજીય સ્કૂટર કે મોટરસાઈકલ ની વાત છે. જરા સાઈકલવાળાઓની મુશ્કેલીઓની કલ્પના કરી જુઓ! એની હાલત તો કદાવર પ્રાણીઓની વચ્ચે કીડી જેવી હોય છે.

સાઈકલ તો જાણે ટ્રાફિકમાં ખાંચાઓ શોધીને સોયની જેમ પસાર થઈ જાય છે. નરી આંખે ના દેખાય કે દેખાય તો નવાઈ પમાડે એવી રીતે સરકીને જાય અને બીજી બાજુ રસ્તાઓ પર ખૂબ ખરાબ ટ્રાફિક જામ થયે જ રાખે છે. એક રીતે આપણો ભારત દેશ ખરેખર જોવાલાયક દેશ છે, ના, ના ટૂરિઝમની દૃષ્ટિએ નહીં, પણ એક એવો દેશ કે જે બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. હા, ખાલી આ ટ્રાફિકને કારણે રસ્તો આગળ વધતો નથી.

એ અલગ વાત છે. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે આપણા દેશની પ્રગતિ કરવાના ચક્કરમાં, આ વર્ષે ટુ વ્હીલરનું ઉત્પાદન ખૂબ વધ્યું છે. મતલબ ચાર પૈડાંવાળી ગાડીનું તો મારૂતિ કે બીજી સસ્તી દેશી ગાડીઓની કૃપાથી ઉત્પાદન વધી જ રહ્યું છે, પણ બે પૈડાંવાળાં વાહનોનું ઉત્પાદન તો બાળવાર્તાની કોઈ રાજકુમારીની જેમ ‘દિવસે ના વધે એટલું રાતે’ વધી રહ્યું છે.

મને એ જ સમજાતું નથી કે સ્કૂટર વગેરે હાંકવાવાળાને પ્રેમિકાઓ ગમે એટલો કોમળ સ્પર્શ પાછલી સીટથી કરે અને આગળ વધવાની પ્રેમાળ પ્રેરણા આપે, પણ પેલો નીકળશે ક્યાંથી? જગ્યા જ ક્યાં છે? ટ્રક, ટૅક્સી, કાર, સ્ટેશન વેગન અને વિદેશી કારના હરતા ફરતા મ્યુઝિયમમાંથી, જેનું આયોજન સવારથી રાત સુધી ભારતીય રસ્તાઓ પર ચાલુ છે, કોઈ નીકળશે કેવી રીતે? મોટી કંપનીમાં નોકરી હશે તો એ એને વાહન આપીને છૂટી જશે, પેલો ખૂબ જોર લગાડીને વાહન ચાલુ પણ કરી લેશે, પત્ની કે પ્રેમિકા એમનું કોમળ યોગદાન આપવા પાછલી સીટ પર ચઢી જશે,

આ પણ વાંચો…યુવાનોમાં વધી રહ્યો છે બોડી બિલ્ડિંગનો ક્રેઝ…

પણ પછી શું થશે? પેલો પ્રેમી પ્રવાસી જઈ જઈને જશે ક્યાં સુધી? ચારે બાજુ સાંકડા, ડિવાઇડરો અને ડામર-કાંકરાવાળો રસ્તો છે, જેમાં થોડી પણ જગ્યા બચી નથી, બચી છે એમાં બધાએ પોતાની કાર ફસાવી દીધી છે અને હા, બીજા એક સમાચાર તમે નથી સાંભળ્યા? લો સાંભળાવું! રોડરોલરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, કારણ કે આટલાં બધાં વાહનોની ભીડ વચ્ચે રોડ રોલર ઊભું ક્યાં રહેશે અને ઊભાં ઊભાં કરશે પણ શું? બિચારો પાતળો નાજુક લાચાર રસ્તો આમને આમ દેશના વજનથી વરસોથી – દાયકાઓથી દબાતો જ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button