વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

ચુનિયો એટલે વ્હિસ્કી વિશ્વવિદ્યાલયનો સ્કૉલર

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

ગુજરાતમાં દારૂબંધી છે એટલે આડા દિવસે શોધવામાં એકાદ કલાક થાય, પરંતુ 31 ડિસેમ્બર આવે એના એક મહિના અગાઉથી દારૂ ગોતવા એક-બે દિવસ કસરત કરવી પડે.

બુટલેગરો અત્યાર સુધી ડબલ તો લેતા હતા, પરંતુ 31 ડિસેમ્બરના નામે થોડા વધારે માગશે તો પણ ગુજરાતના પ્યાસીઓ હસતા મોઢે ચૂકવશે. ગુજરાતમાં પીવાવાળામાંથી 70 ટકા ને લિકર-બિયર વિશે ઝાઝું જ્ઞાન નથી. પોતે બધું જ જાણતો હોય તેમ ‘શિયાળામાં રમ પીવાય, મોટા!’…
‘ઉનાળામાં બિયર સિવાય કાંઈ પીવાય નહીં’… ‘શરદી થઈ હોય તો થોડાં ગરમ પાણીમાં બ્રાન્ડી શરદીના ભૂકા કાઢી નાખે’ અને ‘કોલ્ડ્રીંકમાં વ્હિસ્કી પીવાય નહીં, પાણી નખાય.’ તો કોઈ વળી ટાપસી પુરાવે, ‘વ્હિસ્કી તો નીટ જ પીવાય…

પીતાં પહેલાં શેનું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન આપતા અમુક પીધડુકિયાઓ એવી રીતે જ્ઞાન આપે જાણે કોઈ મેજર ત્રણ-ચાર વિશ્વયુદ્ધ લડી અને સોલ્જરોને પોતાનો અનુભવ જ્ઞાન વહેંચતા હોય.
અમારો ચુનિયો 31મી ડિસેમ્બરે પોતાની અને બીજા બે-ત્રણ મિત્રોની વ્યવસ્થા ગોઠવી જ લે. મહિના અગાઉથી તો શહેરમાં કોને ત્યાં મુંબઈથી મહેમાનો આવવાના છે તેની ઇન્કવાયરી શરૂ થઈ જાય.

આવતા મહેમાનોને ઘરનું લાઈટ બિલ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે લાવવાનું પણ કહી દે.

ગુજરાતમાં અમે લોકલ લોકો નથી પી શકતા. બાકી ગુજરાત બહારથી કોઈ પણ આવે અને મોજથી પી શકે તેવી વ્યવસ્થા અમારી સરકારે સરસ કરી છે. આવનાર મહેમાન પીવે કે ના પીવે, પરંતુ ચુનિયો મહેમાનની ટિકિટ પર પરમિટ કઢાવી પાંચથી છ બોટલનો જુગાડ અચૂક કરી લે. આ છમાંથી પોતે એક પણ ન પીવે માત્ર બીજા લોકોને નફો કરીને વહેંચી દેવાની અને તેમાંથી પોતાની કટકીના બે-બે પેગ સેરવી લેવાના..!

અમારા ચુનિયાએ નવોદિત દારૂડિયાઓને શોધી જ્ઞાનશાળા શરૂ કરી છે. બધાને ભેગા કરી જ્ઞાન ગુટિકા આપે,જેમ કે… ‘31મીએ પીવા બેસો તે પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખજો.’ બધાના કાન સરવા થઈ જાય. ‘પીવાનો કાર્યક્રમ હોય તે બહુ હો.. હો.. હો.. ન કરવું. એટલે કે ‘કોઈને કહેતો નહીં… કોઈને કહેતો નહીં’ એમ કહી ગામ આખામાં ઢંઢેરો ન પીટવો….

બીજું, જે જગ્યાએ પીવા બેસવાના હો તે જગ્યા ક્યારેય જાહેર ન કરવી. જે મિત્રો મંડળીમાં જોડાવાના હોય એમને પણ એક જગ્યાએ ભેગા કરી પછી મૂળ જગ્યા પર જવું… આમ તો 31મી રાત્રે ઠંડી હશે જ, પરંતુ જો ઠંડી ન હોય તોપણ ઊનનું જાડું ઇનર પેન્ટ તથા ટીશર્ટ પહેરી તેના પર જીન્સ અને આખી બાંયનો શર્ટ, ઉપરાંત જાકીટ આખી કાનટોપી હાથમાં મોજા પગમાં સ્પોર્ટ શૂઝ આમ સંપૂર્ણ સજ્જ થઈ અને જવું.’

આ વાત પર બધાના મોઢા પર મોટો પ્રશ્નાર્થ કળાયો. એટલે ભૂતકાળ યાદ કરતો હોય તેમ આકાશમાં જોઈ અને એ અનેક પેગનો અનુભવી ચુનિયો બોલ્યો: ‘31મી ડિસેમ્બરે પોલીસ ખાતું – પીતું નથી. એટલે તે સંપૂર્ણ સભાન અવસ્થામાં તમારી જેવા અર્ધ બેભાન લોકોને તરત શોધી કાઢે છે અને હવે લાકડાના ડંડા આઉટ ડેટેડ થઈ ગયા તેની જગ્યાએ પ્લાસ્ટિકના આરપાર દેખાય તેવા દંડા આવી ગયા છે.

શિયાળામાં ટાઢથી ધ્રૂજતા પોલીસ કર્મીઓ ઠંડી ઉડાડવા માટે તમારા પૃષ્ઠભાગ ઉપર આકરા પ્રહારો કરે ત્યારે ત્વચા સુધી દંડો ન પહોંચે તે માટે આ વસ્ત્રો તમને સહાયરૂપ થશે…. જો થોડા વધારે ભાનમાં હશો અને આગોતરી જાણ થશે તો તમે દોડી અને ભાગી શકો તે માટે સ્પોર્ટ શૂઝ અનિવાર્ય છે! વળી આખી કાનટોપી પહેરી હશે તો દૂરથી તમને ઓળખી નહી શકે અને બીજે દિવસે સમાચારની સુરખીઓમાં આવતાં બચી પણ શકો!’

કોઈ ચમત્કારી બાબાએ અચાનક દર્શન દઈને ભરપૂર આશીર્વાદ આપી દીધા હોય અને ભક્તો જે રીતે ભાવુક થાય તે રીતે આ ભાવી પીધડુક મંડળી ઓળઘોળ થતી ઊભી થઈ જાય…

પગે લાગી અને જવા પાછાં પગલાં કર્યાં ત્યાં તો અનુભવી ચુનિયો ઉવાચ: ‘આટલી વાત પસંદ આવી હોય તો છ પેગ અલગ કાઢી અને સામે કબાટના નીચલા ખાનામાં સંતાડો…!’

નિ:સ્વાર્થ સેવા કેન્દ્રનું બોર્ડ મારી ચુનિયાએ પોતાનો આમ જુગાડ કરી લીધો. ‘નિ:શુલ્ક પ્રવેશ’ એવું બોર્ડ મારી અને હોલ આખો ભરાઈ જાય પછી બહાર નીકળવાનો ચાર્જ ચૂકવવાનો થાય તેવી પરિસ્થિતિ આ નવોદિત દારૂડિયાઓની હતી.

આ વખતે તો મેં ચુનિયાને ચેતવ્યો કે ‘સરકારે જાહેર કર્યું છે કે 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ ચલાવી નહીં લેવાય.’ એ મને કહે: ‘બરાબર છે સરકાર મભમ રીતે એટલું જ કહેવા માગે છે કે નિરાંતે પીવો એક ટીપું પણ ઢોળાવું ન જોઈએ!’

‘મારી પાસે એક નવીનતમ સ્ટાર્ટ અપ બિઝનેસ છે… ખરેખર ગુજરાતમાં દારૂ કેમ પીવાય તેની પાઠશાળા શરૂ કરાય તો ધમધોકાર ચાલે….છુપાઈને, લપાઈને, અંધારામાં, અજ્ઞાન સાથે પીતા લોકોને, કેટલું પીવાય, કોની સાથે પીવાય, કઈ રીતે પીવાય, કઈ બ્રાન્ડ પીવાય, બાઈટિંગમાં શું લેવાય, કેટલું લેવાય.. તેનું જ્ઞાન આપવાનો સમય પાકી ગયો છે.’

આ સાંભળીને મેં કહ્યું: ‘ચુનિયા, તું સિલેબસ નક્કી કર અને જાહેરાત કરી દે વિદ્યાર્થીઓનો ઢગલો થશે.’ તો એ મને કહે: ‘મિલનભાઈ, અહીં સૌ પોતાની જાતને પીવાની દુનિયાના પ્રોફેસર માને છે…. ગુજરાત રાજ્યમાં હજુ થોડી વધારે છૂટછાટ આપવાની જરૂર છે. તેને માટે ગામે ગામ પ્રવાસન ધામ વિકસાવવા પડશે. એવા ઉદ્યોગ નાખવા પડશે કે કહી શકાય કે વિદેશીઓ આવી અને વેપાર ધંધો આપણી સાથે કરશે વધારેમાં વધારે હૃદયરોગ, માનસિક ઉચાટ તથા અનિદ્રાના રોગીઓ વધારવા પડશે જેથી કરી અને પરમિટ છૂટથી નીકળી શકે….’

આ પણ વાંચો…ડૉ. મનમોહન સિંહ આજના સમૃદ્ધ ભારતના ખરા શિલ્પી…

મને એમ થયું કે હવે આ ચુનિયો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જેમ પાનના ગલ્લાઓ છે તેમ દારૂની દુકાનો ખોલાવી અને જંપશે એટલે વાત ટૂંકાવી અને એને ઘર ભેગો કર્યો. એક વાત તો નક્કી છે કે માણસની માનસિકતા એવી છે કે જે વસ્તુ કરવાની ના પાડો તે ખાસ કરશે.

-તો, ચાલો ટીડિંગ…. કરો, ભરો ત્યારે …!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button