વીક એન્ડ

ડૉ. મનમોહન સિંહ આજના સમૃદ્ધ ભારતના ખરા શિલ્પી…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું એ સાથે જ ભારતના રાજકારણનો એક અધ્યાય પૂરો થઈ ગયો.

આ પણ વાંચો : લોકોને બદીઓથી બચાવવા થઈ અવનવી ‘મોજમજા’ની શોધ !

ભારતમાં બહુ ઓછા એવા વિરલા આવ્યા કે જે મૂળ રાજકારણી નહોતા પણ રાજકારણ પર અમીટ છાપ છોડી ગયા. ડો. મનમોહન સિંહ આવા વિરલાઓમાંથી એક હતા.

ડો. મનમોહનસિંહે નાણાં પ્રધાન અને વડા પ્રધાન તરીકે આ દેશનો ઈતિહાસ બદલી નાખ્યો. આ દેશને ડો. મનમોહન સિંહ સમૃદ્ધિ અને વિકાસની એવી દિશામાં દોરી ગયા કે જેની કદી કોઈને કલ્પના પણ નહોતી. આજનું ભારત જ્યાં ઉભું છે તેનો પાયો આ સરદારજીએ નાંખ્યો હતો.

અવિભાજિત ભારતના પંજાબના ગાહ ગામમાં જન્મેલા ડો. મનમોહન સિંહ મૂળ તો અર્થશાસ્ત્રી હતા અને છોકરાંને અર્થશાસ્ત્ર ભણાવતા હતા. એકેડેમિક કરિયરમાંથી એ બ્યુરોક્રેટ બન્યા અને કેન્દ્ર સરકારના આર્થિક સલાહકારથી માંડીને રિઝર્વ બેંકના ગવર્નર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના ચેરમેન જેવા હોદ્દા પર પણ રહ્યા.

ડો. મનમોહન સિંહ ગુજરી ગયા પછી આ બધી વાતોનો ઉલ્લેખ ચોક્કસ થાય છે પણ ડો. મનમોહન સિંહને યાદ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનારા નાણાં મંત્રી તરીકે અને આખી દુનિયા જ્યારે મંદીના વમળમાં સપડાઈ હતી ત્યારે દેશના અર્થતંત્રને ડૂબવા નહીં દેનારા વિચક્ષણ શાસક તરીકે થાય છે.

મનમોહન સિંહની રાજકીય કારકિર્દીની વિશેષતા એ છે કે, એ કદી જનાધાર ધરાવતા નેતા નહોતા છતાં દેશના સફળ વડા પ્રધાનોમાં તેમને ગણવા પડે. મનમોહન સિંહ લોકસભાની ચૂંટણી લડેલા પણ હારી ગયેલા તેથી હંમેશાં રાજ્યસભાના સભ્ય જ રહ્યા પણ નાણાં મંત્રી અને વડા પ્રધાન તરીકે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નેતાઓ તરીકે વધારે સારું કામ કરી ગયા.

મનમોહન સિંહની રાજકીય કારકિર્દીની શરૂઆત 1991માં નરસિંહરાવ સરકારના નાણાં મંત્રી તરીકે થઈ હતી. એ પહેલાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં આર્થિક સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા હોવાથી રાજકારણ સાથે પનારો પાડવો નવો નહોતો પણ રાજકીય નિર્ણયો લેવા પડે એ રીતે કામ નહોતું કર્યું.

આ પણ વાંચો : વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલરનો ઘટાડો

મનમોહન સિંહે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી એવો જબરદસ્ત પડાકરજનક સમય દેશના પહેલા નાણાં મંત્રી માટે પણ નહોતો. નરસિંહરાવ વડા પ્રધાન બન્યા ત્યારે દેશની તિજોરી ખાલી હતી.

ચંદ્રશેખરના સમયમાં દેશનું સોનું ગિરવે મૂકવું પડે એવી હાલત થઈ ગયેલી. દેશ પાસે ક્રૂડ ઓઈલ ખરીદવા માટે પૂરતું વિદેશી હૂંડિયામણ પણ નહોતું ને એ વખતે મનમોહન સિંહ નાણાં મંત્રી બનેલા.

કૉંગ્રેસ વરસોથી સમાજવાદી નીતિઓનું પીપુડું વગાડ્યા કરતી હતી તેનો પણ પડકાર હતો. આ પડકારો વચ્ચે મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં મૂકીને દેશની દિશા બદલી નાખી. વિદેશી કંપનીઓ માટે ભારતના દરવાજા ખોલી નાખ્યા અને મોબાઈલ ટેકનોલોજી લાવીને શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ પછીની સૌથી મોટી ક્રાંતિ કરી નાંખી. આજે ભારતમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ટેકનોલોજી સર્વિસ સેક્ટરમાં સૌથી વધારે યોગદાન આપે છે. તેનો પાયો ડો. મનમોહન સિંહે નાખેલો.

મનમોહન સિંહે એક તરફ મલ્ટિનેશનલ કંપનીઓ માટે દેશના દરવાજા ખોલીને જંગી પ્રમાણમાં રોજગારી ઊભી કરી તો બીજી તરફ કરવેરામાં સરળીકરણ કરીને લોકો પાસે પૈસા બચે એવી વ્યવસ્થા પણ ગોઠવી. લોકો પાસે બચત વધી તેના કારમે લોકોની ખરીદશક્તિ વધી તેમાં ભારત વિશાળ માર્કેટ તરીકે વિકસ્યું. ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો, કાર, મોબાઈલ જેવી લક્ઝુરિયસ ચીજો પણ સામાન્ય લોકો ખરીદતાં થયાં. તેના કારણે સરકારની આવક વધી અને સરકાર વિકાસ કામો માટે વધારે નાણાં ખર્ચતી થઈ. મનમોહન સિંહે એ રીતે આધુનિક ભારતના વિકાસનો પાયો નાંખ્યો.

ડો. મનમોહન સિંહે વડા પ્રધાન તરીકે 10 વર્ષ કામ કર્યું. મનમોહન સિંહના દસ વર્ષના શાસનમાં ટેલીકોમ કૌભાંડ. કોલસા કૌભાંડ, અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સ્કેમ સહિતનાં સંખ્યાબંધ કૌભાંડો થયાં તેથી મનમોહન સિંહની છાપ એક નબળા વડા પ્રધાન તરીકેની પડી ગઈ.

કૉંગ્રેસમાં એ વખતે સોનિયા ગાંધીના નામનો સૂરજ તપતો હતો ને ડો. મનમોહન સિંહ કહ્યાગરા હતા તેથી સોનિયાની પસંદગી હતા એવી છાપ પણ પડી. મનમોહન સિંહ સોનિયાના રબ્બર સ્ટેમ્પ છે એવી ઈમેજ મીડિયાએ ઉબી કરી પણ આ ઈમેજ મનમોહન સિંહના યોગદાનના અન્યાય કરનારી છે.

ડો. મનમોહન સિંહનો વડા પ્રધાન તરીકેનો 10 વર્ષનો કાર્યકાળ ભારત માટે બહુ મહત્ત્વનો હતો. 2008માં અમેરિકામાં લેહમેન બ્રધર્સ ઊઠી ગઈ પછી અમેરિકામાં ખાનગી બેંકો ઉઠવાનો સિલસિલો શરૂ થઈ ગયેલો.

અમેરિકા મંદીની લપેટમાં આવી ગયેલું અને તેની અસર આખી દુનિયા પર પડેલી.
આખી દુનિયા મંદીની લપેટમાં આવી ગઈ હતી અને સમૃદ્ધ દેશોની હાલત પણ ખરાબ થઈ ગયેલી. ભારત એ વખતે મંદીમાં નહોતું સપડાયું કેમ કે મનમોહન સિંહ વડા પ્રધાન હતા. મૂળ અર્થશાસ્ત્રી મનમોહન સિંહે આર્થિક જ્ઞાનનો ઉપયોગ કરીને અર્થતંત્રને સ્થિર રાખીને મંદીમાં નહોતું સપડાવા દીધું.

આ પણ વાંચો : ફોકસ: શાર્પ શૂટર્સની દુનિયા ઉર્ફે ગભરાટની ડરામણી સ્ક્રિપ્ટ

મનમોહન સિંહના શાસનની ખાસિયત એ હતી કે, તેમણે વ્યાજદરને બહુ નીચે ના જવા દીધા અને મોંઘવારીને પણ કાબૂમાં રાખી. તેના કારણે બચત દ્વારા ઘર ચલાવતાં લોકોને મંદીનો માર જરાય ના પડ્યો. ભારતમાં બેંકોમાં એફ.ડી. મૂકીને વ્યાજમાંથી ખાતા લોકોનો વર્ગ બહુ મોટો છે. આ વર્ગને કઈ અસર ના થઈ તેથી ભારતનું અર્થતંત્ર સાબૂત રહ્યું. મંદી ઓસરી પછીનો તબક્કો નિર્ણાયક હતો. એ વખતે રઘુરામ રાજનને રિઝર્વ બેંકના ગવર્નર બનાવીને મનમોહને બધાં સચવાય એવી નીતિઓ અમલી બનાવી.

આર્થિક સિવાયના મોરચે પણ ડો. મનમોહન સિંહે જોરદાર કામ કર્યું. ડો. મનમોહન સિંહે બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા મફત શિક્ષણનો અધિકાર આપ્યો. નેશનલ રૂરલ હેલ્થ મિશન શરૂ કરાવીને ગામડાંનાં લોકો સુધી મફતની સરકારી આરોગ્ય સેવા પહોંચાડી. રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ દ્વારા જાહેર જીવનને વધારે પારદર્શી બનાવ્યું. મનરેગા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપી. અત્યારે ભાજપ જેનો જશ ખાટે છે એ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલનો તખ્તો ડો. મનમોહન સિંહે ઘડ્યો અને આધાર કાર્ડ લાવીને જબરદસ્ત ક્રાંતિ કરી નાખી. આધાર કાર્ડના કારણે ગુનાખોરી બહુ ઘટી છે.

મનમોહન સિંહે અમેરિકા સાથે પરમાણુ કરાર કરીને દેશની વિદેશ નીતિને પણ નવી દિશા આપી. અત્યારે અમેરિકા અને ભારતના સંબધો ગાઢ છે તેનો યશ પણ ડો.મનમોહન સિંહને જાય છે.

કમનસીબે ડો. મનમોહન સિંહ જે વખાણના હકદાર હતા એ વખાણ કદી તેમના ના મળ્યાં. સોનિયા ગાંધીના ઈશારે કામ કરતા વડા પ્રધાન તરીકેની અને વિપક્ષોના ઈશારે ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરનારા નેતા તરીકેની તેમની ઈમેજ મીડિયાએ ઊભી કરી. મનમોહન સિંહ માટે મીડિયા અને વિપક્ષો દ્વારા અપશબ્દો પણ વપરાયા પણ તેના કારણે મનમોહન સિંહનું યોગદાન ઘટતું નથી.

આ પણ વાંચો : શરદ જોશી સ્પીકિંગ : સાહેબ અમેરિકા ગયા ને આવ્યા…

ભારતની આર્થિક કાયાપલટનો તખ્તો કરનારા નાણાં મંત્રી અને વડા પ્રધાન તરીકે ઈતિહાસ તેમને યાદ રાખશે. 10 વર્ષ સુધી વડા પ્રધાનપદે રહ્યા હોવા છતાં અંગત રીતે ભ્રષ્ટાચારમાં નહીં સંડોવાયેલા કે કોઈની તરફદારી નહીં કરનારા વડા પ્રધાન તરીકે પણ ડો. મનમોહન સિંહ હંમેશાં યાદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button