આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઘાટકોપરમાં સ્પીડિંગ ટેમ્પોએ 5-6 લોકોને કચડ્યા, એક મહિલાનું મોત…

મુંબઈ: કુર્લામાં બેસ્ટની બસના અકસ્માતની ઘટના હજી તાજી જ છે. હવે ઘાટકોપરમાં પણ આવો જ એક અકસ્માત થયો છે. મુંબઈના પૂર્વીય ઉપનગર ઘાટકોપરના ચિરાગ નગરમાં એક ઝડપી ટેમ્પોએ 5 થી 6 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. ઘાયલોની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સ્થાનિકોએ ટેમ્પો ચાલકને માર માર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ટેમ્પોના ચાલકની અટકાયત કરી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભુજબળ ભાજપ સાથે જશે કે પછી અજીત પવાર સાથે જ રહેશે?, એનસીપીના નેતાનું મોટું નિવેદન

મળતી માહિતી મુજબ ઘાટકોપરના ચિરાગ નગરમાં એક બજારમાંથી પસાર થતી વખતે એક ટેમ્પોએ ઘણા લોકોને ટક્કર મારી હતી. ઝડપી ટેમ્પોએ બજારમાં ઘણા સ્ટોલ ઉડાવી દીધા હતા અને રસ્તા પર ચાલતા લોકોને કચડી નાખ્યા હતા. આ ટેમ્પો લોકોને કચડીને 100 ફૂટ દૂર સુધી ગયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને 5 થી 6 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. તેને પકડનારાઓએ આરોપ લગાવ્યો છે કે ડ્રાઈવર નશામાં હતો.

આ અકસ્માતમાં પ્રીતિ પટેલ (35)નું મોત થયું હતું. તે ઘાટકોપરના પારસીવાડીમાં ભાગીરથી ચાલીમાં રહેતી હતી. ઘાયલોની ઓળખ રેશ્મા શેખ (23), મારુફા શેખ (27) અને તોફા ઉઝહર શેખ (38), મોહરામ અલી અબ્દુલ રહીમ શેખ (28) અને અરબાઝ શેખ (23) તરીકે થઇ છે.

એક પ્રત્યક્ષદર્શીએ અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે ડ્રાઇવર નશામાં હતો. તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પોએ રોડ પર ચાલતા રાહદારીઓને ટક્કર મારી હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અમે તેને પકડી રાખ્યો નહિ તો ટોળાએ તેને મારી નાખ્યો હોત. અમે તેને બચાવ્યો હતો. આઝાદ નગરથી આ ટેમ્પો મચ્છી માર્કેટ થઈને ચિરાગ નગર જઈ રહ્યો હતો. ટેમ્પોમાં ઘણો સામાન હતો.

આ પણ વાંચો : કલ્યાણમાં બળાત્કાર બાદ બાળકીની હત્યાઃ નરાધમ આરોપી સામે પોક્સોના આરોપો ઘડાયા

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના શુક્રવારે સાંજે 6.30 વાગ્યે ઘાટકોપરના ચિરાગનગરના મચ્છી માર્કેટ રોડ વિસ્તારમાં બની હતી. પોલીસે ટેમ્પોના ચાલક ઉત્તમ બબન ખરાત (25)ની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેની નજર સામે અચાનક અંધારપટ છવાઇ જતા તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પોલીસે એ પણ ઉલ્લેખ કર્યો છે કે મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે તે નશામાં હતો કે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button