અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેંકતા તેમના જ રાજ્ય ગુજરાતમાં તેમને હરાવવાની વાત કરી હતી. ત્યારબાદ હવે તાજેતરમાં જ કર્ણાટકનાં બેલગાવીમાં મળેલી કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠકમા કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં યોજવાની જાહેરાત કરી છે. કોંગ્રેસનું આગામી અધિવેશન ગાંધી જન્મસ્થળ પોરબંદર ખાતે યોજાય શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં જ કર્ણાટકનાં બેલગાવીમાં કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસની આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ ભાજપને તેના ઘર ગુજરાતમાં જ હરાવવાનો પડકાર ફેંક્યો હતો. જેથી હવે આગામી સમયમાં કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં યોજાશે તેવી જાહેરાત બેલગાવી બેઠકમાં રાહુલ ગાંધીએ કરી છે.
વિધાનસભા 2027 માટે તૈયારી
કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં એપ્રિલમાં મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાત આવશે. આ અધિવેશનમાં તમામ રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત દેશભરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સહિતના વિવિધ પ્રદેશના નેતાઓ પણ આવશે. આ વર્ષે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં વાતાવરણની વચ્ચેકોંગ્રેસ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરશે. આ માટે ગુજરાત કોંગ્રેસનું માળખું પણ એપ્રિલમાં મળનારી બેઠક પહેલાં રચી દેવાશે.
સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા
કર્ણાટકમાં કોંગ્રેસ વર્કીગ કમિટિની બેઠક દરમિયાન 26 જાન્યુઆરી 2025થી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. CWCની બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા એ કોંગ્રેસની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. જયરામ રમેશે કહ્યું કે, અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી હતી. હવે 26 જાન્યુઆરી, 2025થી અમે એક વર્ષ સુધી ચાલનારી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા શરૂ કરીશું.