હોમિયોપથીના ડૉક્ટર એલોપેથીની પ્રેક્ટિસ કરશે, IMA નો વિરોધ…
મુંબઈ: હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે એક સારા સમાચાર છે. હવે તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ લખી આપી શકશે. હોમિયોપેથી ડૉક્ટરને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ એલોપેથીની પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ જારી કર્યું છે. જોકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ FDAના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો : બીડમાં કાયદો અને વ્યવસ્થા સંતોષકારક નથી, જિલ્લા નેતૃત્વ જવાબદાર’; અજીત પવારના વિધાનસભ્ય ધનંજય મુંડે પર લગાવ્યો આરોપ
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, માત્ર એવા હોમિયોપેથિક ડોકટરોને જ એલોપેથીની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમણે સરકારી માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજમાંથી ‘સર્ટિફિકેટ કોર્સ ઇન મોડર્ન ફાર્માકોલોજી’માં એક વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એમ પણ જણાવ્યું હતું કે તેણે ઘણાં વર્ષોથી હોમિયોપેથિક ડોકટરો દ્વારા કરવામાં આવી રહેલી માંગ પૂરી કરી છે. જોકે, IMAએ આ નિર્ણય સામે બાંયો ચડાવી છે અને આ નિર્ણય સામે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યભરમાં 80 હજાર હોમિયોપેથી ડોક્ટરો છે. આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમાંથી દસ હજાર લોકોએ ઉપરોક્ત કોર્સ પૂર્ણ કર્યો છે અને માત્ર તેઓ જ એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે છે. હોમિયોપેથી આયુષ નિર્દેશાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. એલોપેથીની 20 થી 22 દવાઓ હોમિયોપેથી ડોક્ટર આપી શકે છે.
દરમિયાન, આયુષ વિભાગના નિયામક વૈદ્ય રમણ ખુંગરાલેકરે કહ્યું હતું કે ઘણા ગામોમાં હોમિયોપેથિક ડોકટરો છે. તેમને એલોપેથિક દવાઓ લખી આપવાની પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયાના પાયલટની આત્મહત્યા: આરોપી બોયફ્રેન્ડને મળ્યા જામીન
આ અંગે IMA (મહારાષ્ટ્ર)ના પ્રમુખ ડૉ. સંતોષ કદમે જણાવ્યું હતું કે, “હોમિયોપેથિક ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવાના નિર્ણય સામે અમે પહેલાથી જ કોર્ટમાં જઈ ચૂક્યા છીએ. અમે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરવાના છીએ. એક વર્ષનો કોર્સ પૂરો કરીને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી એ યોગ્ય નથી.”