ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો? પહેલાં આ વાંચી લો…
પેલેસ્ટાઈનના આંતકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે ભારતીયોમાં ફૂટ પાડવાનું કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે. આ યુદ્ધના પરિણામ છે મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યા છે અને એ જ બાબતને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રમાં સ્પેશિયલ સાઈબર કન્ટ્રોલ રૂમ ઊભું કરવામાં આવી રહ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ યુદ્ધ સંદર્ભે કેટલાક ખોટા અને પાયાવિહોણા દાવા, વીડિયો અને ફોટો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે આવું કરનારા પર સાઈબલ કન્ટ્રોલ રૂમમાંથી ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરિણામે સોશિયલ મીડિયા પર આ સંદર્ભે કોઈ પણ પોસ્ટ કરતાં પહેલાં સમજી વિચારીને શાણપણથી કામ લેવાનું જ વધુ હિતાવહ રહેશે.
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને ફોટો શેર કરીને ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કન્ટેન્ટના માધ્યમથી લોકોએ પેલેસ્ટાઈન અને હમાસનું સમર્થન કરવાની અપીલ પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાઈબર સેલ દ્વારા વોચ રાખવામાં આવશે.
ઈઝરાયલમાં ઊભી થયેલી કટોકટીવાળી પરિસ્થિતિના માધ્યમથી પ્રોપગંડા ફેલાવનારાઓ પર જાપ્તો રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર એકાઉન્ટ્સ પર વોચ રાખવામાં આવશે અને ખોટા અને ગેરમાન્યતા ફેલાવનારા વીડિયો અને ફોટોના આધારે વિશિષ્ટ હેતુ માટે દાવા કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું જણાવવામાં આવ્યું હતું.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કટ્ટરતાવાદી માનસિકતા ધરાવનારા લોકો દ્વારા ખોટા વીડિયો અને ફોટોને કારણે ભારતના મુસ્લિમ સમાજના લોકોને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ માટે સાઈબર નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.