સ્પોર્ટસ

મેલબર્નમાં ભારત `બૅક ફૂટ પર’: પરાજય ટાળવા સંઘર્ષ કરવો પડશે

ચમત્કાર ભારતને મેલબર્નમાં ‘વિજયની હૅટ-ટ્રિક' અપાવી શકે

મેલબર્નઃ અહીં બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ચોથી ટેસ્ટ મૅચ (બૉક્સિંગ-ડે ટેસ્ટ)ના શુક્રવારના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 474 રનના મોટા સ્કોર પર પૂરો થયો ત્યાર બાદ ભારતીય ટીમે ખરાબ શરૂઆત કરીને નિરાશ કર્યા હતા અને રમતનો અંત પણ ભારત માટે નિરાશાજનક હતો. ભારતે 46 ઓવરમાં પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા.

ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સની બીજી જ ઓવરમાં આઉટ-ઑફ-ફૉર્મ રોહિત શર્મા (3 રન) આઉટ થઈ ગયો હતો અને રમતના છેવટના તબક્કામાં (43મી ઓવરમાં) વિરાટ કોહલીએ વિકેટ ગુમાવી હતી તેમ જ થોડી વાર બાદ (45મી ઓવરમાં) નાઇટ-વૉચમૅન આકાશ દીપ (0) જેણે બ્રિસ્બેનના ગૅબામાં ભારતને ફૉલો-ઑનથી બચાવ્યું હતું તેણે વિકેટ ગુમાવી દીધી હતી.

ખરેખર તો શુક્રવારે ખૂબ જ સારા ફૉર્મમાં રમી રહેલા યશસ્વી જયસ્વાલે (111 બૉલમાં 82 રન) રનઆઉટમાં વિકેટ ગુમાવી એ ભારતીય ઇનિંગ્સની સૌથી મોટી ટ્રેજેડી કહેવાશે. તેની અને વિરાટ કોહલી (86 બૉલમાં 36 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 102 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. બિનજરૂરી રન દોડવા સંબંધમાં બન્ને વચ્ચેની ગેરસમજને કારણે યશસ્વીએ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ મેલબર્ન-મૅન સ્કૉટ બૉલેન્ડ ત્રાટક્યો હતો અને તેણે બૅટની બહારની કટ લાગતાં વિકેટકીપર ઍલેક્સ કૅરીને કૅચ આપી બેઠો હતો.

શુક્રવારની રમત પૂરી થઈ ત્યારે ભારતે ફૉલો-ઑનથી બચવા 111 રન બનાવવાના બાકી હતા, જ્યારે પાંચ વિકેટ પડવાની બાકી હતી. જો ફૉલો-ઑન અપાશે કે પછી કાંગારૂઓ બીજા દાવમાં ઝડપથી રન બનાવીને ભારતને 400-પ્લસનો લક્ષ્યાંક આપશે તો ભારતના પરાજયની સંભાવના વધુ રહેશે.

આ પણ વાંચો : મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે

વર્તમાન સિરીઝમાં ભારતના આંગળીને વેઢે ગણાય એટલા બૅટર્સ સારું રમવામાં સફળ થયા છે. જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ જેવા બોલર્સને કારણે જ સિરીઝ હજી 1-1ની બરાબરીમાં છે, પરંતુ હવે આગળનો માર્ગ ખૂબ કઠિન છે. ભારતે ખૂબ સંઘર્ષ કરવો પડશે.

મેલબર્નમાં આ પહેલાંની બન્ને ટેસ્ટમાં ભારતે વિજય મેળવ્યો હતો અને આ વખતે કોઈ ચમત્કાર થાય તો ફરી એકવાર જીતીને ભારત અહીં વિજયની ઐતિહાસિક હૅટ-ટ્રિક કરી શકે એમ છે.

બુમરાહે અહીં પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધી, જ્યારે જાડેજાએ ત્રણ અને આકાશ દીપે બે વિકેટ મેળવી હતી. એક વિકેટ વૉશિંગ્ટન સુંદરને મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button