અંદાઝ-એ-બયાંઃ મનમોહન સિંહ અને સુષ્મા સ્વરાજ વચ્ચે થતી હતી શાયરાના જુગલબંધીઃ જૂઓ વીડિયો
નવી દિલ્હીઃ વર્ષ 2005થી 2014 સુધી દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હી ખાતે નિધન થઈ ગયું છે. દેશ માટે તેમણે આપેલું યોગદાન અને તેમના વ્યક્તિત્વ વિશેની ઘણી વાતો આજે યાદ કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા સહિત દરેક ઠેકાણે ચર્ચવામાં આવી રહી છે.
ડૉ. સિંહ અર્થશાસ્ત્રી હતા અને તેથી તેમના બૌદ્ધિક કૌશલ્યો વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેમના શાયરાના અંદાઝ વિશે ઓછી વાતો થઈ છે. આજે તેમના નિધન બાદ સંસદમાં તેમણે અમુક સવાલોના જવાબ શાયરીથી આપ્યા હોવાની ક્લિપ વાયરલ થઈ છે.
ડૉ. સિંહના કાર્યકાળ દરમિયાન માટે ભાજપના મહિલા નેતા સુષ્મા સ્વરાજ વિરોધપક્ષમાં હતા અને તેઓ પણ પોતાની વાકછટ્ટા માટે એટલા જ જાણીતા હતા.
આ બન્ને વચ્ચેની ઘણી દલીલો કે સવાલ-જવાબો શાયરીઓમાં કહેવાયા હતા.
વર્ષ 2013માં રાષ્ટ્રપતિના ભાષણ બાદ થઈ રહેલી ચર્ચામાં ડૉ. સિંહે મિર્ઝા ગાલિબની શાયરી કહી કે हमें उनसे वफा की उम्मीद है, जो नहीं जानते कि वफा क्या है। તેમના જવાબમાં સુષ્મા સ્વરાજે જ્યારે પોતાનો ભાષણ દેવાનો વારો આવ્યો ત્યારે કહ્યું કે શાયરીનો જવાબ હું શાયરીથી જ આપીશ અને ત્યારબાદ તેમણે બશીર બદ્રની શાયરી કહી कुछ तो मजबूरियां रही होंगी, यूं ही कोई बेवफा नहीं होते। ત્યારબાદ ેતમણે બીજી શાયરી પણ કહી કે तुम्हें वफा याद नहीं, हमें जफा याद नहीं। जिंदगी और मौत के दो ही तराने हैं, एक तुम्हें याद नहीं, एक हमें याद नहीं।
આ પણ વાંચો ; સોનિયા ગાંધીના વફાદાર હતા, એટલે મનમોહન સિંહ બન્યા હતા પીએમઃ સંજય બારુના પુસ્તકની અજાણી વાતો જાણો
જ્યારે ડૉ.સિંહે સ્વરાજને કહ્યું माना कि तेरी दीद के …
15મી લોકસભાનું એક સત્ર ચાલી રહ્યું હતું અને 2011માં વિકિલિક્સને લીધે ભારે ઉહાપોહ મચ્યો હતો. 2008માં વિશ્વાસ મત સમયે કૉંગ્રેસે પૈસા આપ્યા હતા તેવો આક્ષેપ કૉંગ્રેસ પર લાગ્યો હતો.
આ ભારે ઊગ્ર ચર્ચા વચ્ચે પણ સ્વરાજે શહાબ જાફરીની શાયરીથી વડા પ્રધાનને ઘેર્યા. સ્વરાજે કહ્યું કે तू इधर उधर की बात मत कर, ये बता कि काफिला क्यों लुटा, हमें रहजनों से गिला नहीं, तेरी रहबरी का सवाल है। તેના જવાબમાં ડૉં. સિંહે અલ્લામા ઇકબાલની શાયરી કહી હતી કે..माना कि तेरी दीद के काबिल नहीं हूं मैं. तू मेरा शौक देख मेरा इंतजार देख।
તેમની આ જુગલબંધીએ ઘણીવાર સંસદને તાળીઓના ગડગડાટથી ગજાવ્યો છે તો ક્યારે હાસ્યના ફુવારાઓ ઉડાડ્યા છે.
મનમોહન સિંહ વિપક્ષના નેતાઓને એટલું જ માન આપતા અને વિપક્ષી નેતાઓ પણ તેમના વ્યક્તિત્વ અને પદની ગરિમા જાળવતા હતા. તેમનો અવાજ ભલે ધીમો હોય અને તેઓ શબ્દો ભલે ઓછા બોલે પણ તેમાં વજન હતું અને પોતાની વાત તેઓ બેબાક બની કહેતા હતા.