નેશનલ

કોર્ટે આપના સાંસદ સંજય સિંહને આ તારીખ સુધી કસ્ટડીમાં રાખવાનો આપ્યો આદેશ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ જાણે પૂરી થવાનું નામ જ નથી લેતી. સંજય સિંહની ત્રણ દિવસની કસ્ટડી આજે પૂરી થઈ હતી ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે જજ એમકે નાગપાલની કોર્ટમાં આ કેસની સુનવણી પહેલા સંજય સિંહને પૂછ્યું હતું કે તમે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થવા માંગો છો કે કોર્ટમાં આવવા માંગો છો? તેના જવાબમાં સંજય સિંહે કહ્યું હતું કે તે કોર્ટમાં હાજર થશે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે કેસની સુનવણી કરતા સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો.

સંજય સિંહની દવાઓ અંગે અલગથી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસના દર્દી હોવાને કારણે અલગથી દવાઓ આપવાની માગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે સંમતિ આપીને દવાઓ અને તબીબી સાધનો આપવા જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP)એ હાલમાં રદ કરાયેલી દિલ્હી લિકર પોલિસીના અમલીકરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ED દ્વારા તેના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે સંજય સિંહને કસ્ટડીમાં લીધા હતા. ખાસ તો તે મનીષ સિસોદિયા પછી ધરપકડ કરાયેલા બીજા મોટા AAP નેતા છે.

રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સંજય સિંહે EDની કાર્યવાહીને ખોટી ગણાવીને તેમની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. તેમણે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા રિમાન્ડને પણ પડકાર્યો છે. ગયા અઠવાડિયે EDએ 10 કલાકથી વધુ સમય સુધી દરોડા અને પૂછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી હતી. બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સંજય સિંહને પહેલા 5 દિવસ અને પછી 3 દિવસ માટે ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સુનવણી દરમિયાન કસ્ટડી ફરીથી 27 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button