મનમોહન સિંહના યોગદાનને ભારત હંમેશા યાદ રાખશે: આરએસએસ
નવી દિલ્હી: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ શોક વ્યક્ત કર્યો છે. આરએસએસના વડા મોહન ભાગવત અને તેના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડો. મનમોહન સિંહના નિધનથી સમગ્ર રાષ્ટ્ર ખૂબ જ દુ:ખી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના પરિવાર અને પ્રિયજનો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિંહ એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા, તેમ છતાં તેઓ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડો. સિંહનું ભારતમાં યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે દિવંગત આત્માને મોક્ષ આપે.
ભારતમાં આર્થિક સુધારાના જનક માનવામાં આવતા મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. કોંગ્રેસના નેતા સિંહ 2004થી 2014 સુધી 10 વર્ષ માટે દેશના વડા પ્રધાન હતા અને એ પહેલાં તેમણે નાણા પ્રધાન તરીકે દેશના આર્થિક માળખાને મજબૂત બનાવવામાં મદદ કરી હતી. તેઓ વૈશ્ર્વિક નાણાકીય અને આર્થિક ક્ષેત્રે જાણીતા હતા.
દેશ માટે મોટું નુકસાન: વડા પ્રધાન મોદી
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધનને દેશ માટે મોટી ખોટ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવા છતાં, તેઓ દેશના કેટલાક મહત્વપૂર્ણ પદો પર પહોંચ્યા. એક પ્રતિષ્ઠિત સંસદસભ્ય તરીકે તેમની પ્રશંસા કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સિંહનું જીવન તેમની પ્રામાણિકતા અને સાદગીનું પ્રતિબિંબ છે. સુધારા પ્રત્યે સિંહની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા વડા પ્રધાને કહ્યું હતું કે દેશના વિકાસમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
આ પણ વાંચો…ટ્રેનના પૈડા નીચે છુપાઈને પ્રવાસ કરી રહ્યો હતો યુવક, કારણ પૂછતાં કર્યો એવો ખુલાસો કે…
તેમણે એમ પણ કહ્યું હતું કે મનમોહન સિંહનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે હંમેશા એક બોધપાઠ તરીકે કામ કરશે કે કેવી રીતે વ્યક્તિ સંઘર્ષથી ઉપર આવીને સફળતાની ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. મનમોહન સિંહ બે વખત દેશના નાણા પ્રધાન અને વડા પ્રધાન રહી ચૂક્યા છે.