26/11 મુંબઈના આતંકવાદી હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાનનું પાકિસ્તાનમાં મોત
આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાનો હતો ડેપ્યૂટી ચીફ
નવી દિલ્હી: ભારતનાં એક કટ્ટર દુશ્મનનું પાકિસ્તાનમાં મોત થયું છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મોત થયું છે. મળી રહેલી વિગતો અનુસાર મક્કીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મોત હાર્ટ એટેકથી થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફનો સંબંધી હતો. જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો અને લાહોરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે તેનું મોત થયું છે.
કોર્ટે ફટકારી હતી આજીવન કેદ
વર્ષ 2019માં પાકિસ્તાનમાં મક્કીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. 2020માં પાકિસ્તાનની એક અદાલતે પણ તેને આતંકવાદી ફંડિંગ સંબંધિત કેસોમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ તે બહુ ઓછો ચર્ચામાં આવ્યો હતો. જાન્યુઆરી 2023માં મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા પણ ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ટ્રેનના પૈડા નીચે છુપાઈને પ્રવાસ કરી રહ્યો હતો યુવક, કારણ પૂછતાં કર્યો એવો ખુલાસો કે…
લાલ કિલ્લાના હુમલામાં પણ સંડોવણી
મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત, મક્કી લાલ કિલ્લાના હુમલામાં તેની સંડોવણીને કારણે ભારતની સુરક્ષા એજન્સીના રડાર પર હતો. 22 ડિસેમ્બર, 2000ના લાલ કિલ્લા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મક્કીનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં લશ્કરના છ આતંકવાદીઓ લાલ કિલ્લા પર ઘૂસી ગયા હતા અને કિલ્લાની રક્ષા કરી રહેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો..