આમચી મુંબઈ

કલ્યાણમાં બળાત્કાર બાદ બાળકીની હત્યાઃ નરાધમ આરોપી સામે પોક્સોના આરોપો ઘડાયા

મુંબઈ: કલ્યાણમાં ૧૨ વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી વિશાલ ગવળીને કોર્ટે ગુરુવારે ૧૨ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. બુલઢાણા જિલ્લામાંથી બુધવારે ધરપકડ કરાયેલા વિશાલ ગવળીને ગુરુવારે સવારે થાણે લાવવામાં આવ્યો હતો અને નૌપાડા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

ગવળીને કલ્યાણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં જજ વી.એ. પત્રાવલેએ તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી. આ કેસમાં પોલીસે ગવળીની ત્રીજી પત્ની સાક્ષી ગવળી તથા રિક્ષાચાલકની પણ ધરપકડ કરી છે. કલ્યાણ કોર્ટે ગુરુવારે સાક્ષીની પોલીસ કસ્ટડી પણ ૨ જાન્યુઆરી સુધી લંબાવી આપી હતી, એમ પોલીસે કહ્યું હતું.

પોલીસે અગાઉ જણાવ્યું હતું કે અગાઉ હત્યા અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં બળાત્કાર અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો)ના આરોપ ઉમેરવામાં આવ્યા હતા. કલ્યાણના કોલસેવાડી ખાતે સોમવારે ઘરની બહાર રમી રહેલી બાળકીનું વિશાલ અને તેની પત્નીએ અપહરણ કર્યું હતું. બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ કલ્યાણના ચક્કી નાકા ખાતે તેની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કલ્યાણમાં 12 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી: મુખ્ય આરોપી બુલઢાણામાં પકડાયો

બાળકીના મૃતદેહને ત્યાર બાદ રિક્ષામાં લઇ જવાયો હતો અને કલ્યાણ-પડઘા માર્ગ પર બાપગાંવ ખાતે કબ્રસ્તાનની દીવાલ નજીક તેને ફેંકી દેવાયો હતો. મંગળવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઇ સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો અને તેમણે આરોપીનું એન્કાઉન્ટર કરી નાખવાની માગણી કરી હતી.

માનસિક દર્દીનું સર્ટિફિકેટ દેખાડી જેલમાંથી બહાર આવતો
અપહરણ બાદ બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના કેસના આરોપી વિશાલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે અને આ માટે તેણે જેલની હવા ખાવી પડી હતી. જોકે ગુનો આચરી વિશાલ જેલમાં જતો હતો, પણ પાછો બહાર આવી જતો હતો. વિશાલ પાસે માનસિક દર્દી હોવાનું સર્ટિફિકેટ હોઇ તેને આધારે તે જામીન પર છૂટી જતો હતો. માનસિક દર્દી હોવાનું સર્ટિફિકેટ દેખાડી તેને આધારે વિશાલે અત્યાર સુધી બે વખત જામીન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. એ સર્ટિફિકેટ વિશાલે ક્યાંથી મેળવ્યું અને તે કોણે બનાવી આપ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે. વિશાલ સહ અન્ય ચારથી પાંચ આરોપી પાસે પણ આવું સર્ટિફિકેટ હોવાનું જાણવા મળ્યું છે.

મારી દીકરીને આરોપી કશેક લઈ ગયોઃ પીડિતાની માતા
હું એ દિવસે કલ્યાણથી મુંબઈ ગઇ હતી. મારા પતિ અને મારો દીકરો ઘરે હતા. મારી દીકરી કોલેજ ગઇ હતી. તેને સારું જણાતું ન હોવાથી કોલેજથી ઘરે વહેલી આવી ગઇ હતી. એ ઘરે આવી રહી હતી ત્યારે વિશાલે તેની પાછળ આવ્યો હતો અને તેનું મોઢું દબાવી દીધું હતું અને કશુંક ઓઢાડીને ક્યાંક લઇ ગયો હતો. એ જેમતેમ કરીને તેની પકડમાંથી છૂટીને ઘરે આવી હતી. હું જ્યારે ઘરે આવી ત્યારે તેણે મને આખી વાત કહી હતી. એ સમયે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેને પકડીને જેલમાં બંધ કરી દીધો હતો. બે મહિના બાદ એ છૂટ્યો હતો. હું આ માટે કોર્ટમાં પણ ગઇ હતી, પણ તે છૂટી ગયો હતો. ત્યાર પછી શું બન્યું હતું એ સમજાયું નહીં, એવું પીડિતાની માતાએ જણાવ્યું હતું.

કલ્યાણ ઈસ્ટમાં વિશાલનો હતો આતંક
વિશાલ ગવળીનો આ વિસ્તારમાં આતંક હતો, એવું પીડિતાની માતાએ જણાવ્યું હતું. વિશાલ કોઇની પણ મારપીટ કરતો, ધમકીઓ આપતો, છોકરીઓની છેડતી કરતો અને કોઇને પણ ગાળો ભાંડતો રહેતો. જે ઘટના સામે આવી છે તેને કારણે તો હવે અમે વધુ ડરી ગયા છીએ. આ વિસ્તારની મહિલાઓ પણ ગભરાઈ ગઇ છે, એવું પીડિતાની માતાએ જણાવ્યું હતું.

‘ફાંસીની સજા જ અપાવીશું’ ચિત્રા વાઘ
વિશાલ ગવળીને બંધારણ મુજબ મોતના માંચડે લટકાવીને જ જંપીશું. અહીં દેવાભાઉની દરેક બહેન અને તેની દીકરીઓ સુરક્ષિત રહે એ દેવાભાઉ દિવસ-રાત એક કરે છે. આથી જ અમે ગવળી જેવા નરાધમોની દાદાગીરીને સહન કરીશું નહીં, તેને ફાંસી પર લટકાવીશું એ નક્કી. આજે અમે એ બાળકીના કુટુંબની પાછળ અડીખમ ઊભા છીએ એવી એવી પોસ્ટ ચિત્રા વાઘે સોશિયલ મીડિયા પર મૂકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button