ટોપ ન્યૂઝનેશનલ

ભૂતપૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે

નવી દિલ્હીઃ દેશના બે વખતના વડાપ્રધાન અને ‘ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ’ એવા ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને ગંભીર હાલતમાં દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ રાત્રે 9:51 કલાકે હોસ્પિટલે તેમના મૃત્યુની જાહેરાત કરી હતી. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. તેમના નિધનને કારણે શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે 26 ડિસેમ્બર, 2024ના રોજ એઈમ્સ હોસ્પિટલમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ સમગ્ર દેશમાં 26 ડિસેમ્બર, 2024 થી 1 જાન્યુઆરી, 2025 સુધી સાત દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, નવી દિલ્હીમાં તમામ સરકારી સંસ્થાઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે અને તમામ સત્તાવાર કાર્યક્રમો સ્થગિત રહેશે. તમામ હાઈ કમિશનર અને દૂતાવાસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ આદેશ ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને જારી કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનમોહન સિંહની પુત્રી આજે રાત્રે અમેરિકાથી પરત ફરશે. મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 8 થી 10 દરમિયાન AICC ખાતે રાખવામાં આવશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ AICC હેડક્વાર્ટરમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી AICCથી જ તેમની અંતિમ યાત્રા શરૂ થશે.

આ પણ વાંચો…ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યા, પાગલ ડાબેરી, જાણી લો કારણ?

રાજઘાટ પાસે દેશના વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાં જ ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે અટલ બિહારી વાજપેયીની જેમ જગ્યાની માંગ કરશે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button