સિરાજનું `Black Magic’ આ વખતે બીજી રીતે કામ કરી ગયું! ફાવી ગયો બુમરાહ
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે ચકમક થઈ છે તો મજાકમસ્તી પણ જોવા મળી છે અને એમાં મોહમ્મદ સિરાજ તો કમાલ જ કરી રહ્યો છે. અહીં સિરીઝની ચોથી ટેસ્ટમાં એક તરફ ભારતીય ટીમના સૌથી પીઢ ખેલાડી વિરાટ કોહલી અને આ સિરીઝના સૌથી યુવાન ઑસ્ટ્રેલિયન ખેલાડી સૅમ કૉન્સ્ટેસ વચ્ચે થોડી ગરમાગરમી થઈ ગઈ ત્યાં બીજી બાજુ સિરાજે ફરી શ્રેણીમાં ફરી એકવાર માર્નસ લાબુશેનને પડકાર્યો અને તેની એકાગ્રતા તોડી જેને પરિણામે લાબુશેનના જોડીદાર ઉસમાન ખ્વાજાએ વિકેટ ગુમાવવી પડી હતી.
વાત એમ છે કે સિરાજે આ સિરીઝમાં અગાઉ એક વાર (બ્રિસ્બેનની ત્રીજી ટેસ્ટમાં) લાબુશેનનો એકાગ્રતાભંગ કરવા પોતાની ઓવર દરમ્યાન લાબુશેનની ક્રીઝમાં જઈને બન્ને બેલ્સ ઉપાડીને એની અદલાબદલી કરીને સ્ટમ્પ્સ પર ગોઠવી હતી. જોકે સિરાજ રન-અપ પર પાછો ગયા બાદ લાબુશેને બેલ્સ ઉપાડીને એની મૂળ જગ્યાએ મૂકી દીધી હતી. થોડી વાર પછી લાબુશેને વિકેટ ગુમાવી હતી.
ગુરુવારે સિરાજ એક ડગલું આગળ વધ્યો હતો. તેણે ફરી એકવાર લાબુશેન બૅટિંગમાં હતો ત્યારે બૉલ ફેંકતા પહેલાં તેના સ્ટમ્પ્સની બેલ્સની તેણે (સિરાજે) અદલાબદલી કરી હતી. સિરાજની આ તરકીબ બેલ્સ-સ્વિચિંગ તરીકે ઓળખાય છે. 2023માં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડે લાબુશેન સાથે આવું જ કર્યું હતું. સિરાજે લાબુશેનના સ્ટમ્પ્સની બેલ્સની અદલાબદલી કરી એટલું જ નહીં, લાબુશેન ઊંધો ફરીને ક્રીઝથી દૂર જઈ રહ્યો હતો ત્યારે સિરાજે `માર્નસ, લુક ઍટ ધૅટ’ એવું કહીને તેને વધુ હતાશ કરવાની કોશિશ કરી હતી.
Also read: સિરાજ ટ્રાન્સલેટર બુમરાહને બાજુ પર રાખીને પોતે જ બોલવા લાગ્યો!
સિરાજની એ ઓવરમાં લાબુશેન આઉટ થતાં બચ્યો હતો, પરંતુ સિરાજે બેલ્સની અદલાબદલી કરવાની જે તરકીબ અજમાવીને તેની એકાગ્રતા તોડી એનું પરિણામ એ આવ્યું કે થોડી વાર બાદ જસપ્રીત બુમરાહના બૉલમાં લાબુશેનનો પાર્ટનર ખ્વાજા આઉટ થઈ ગયો હતો. સિરાજે તરકીબ અજમાવી અને બુમરાહે વિકેટ મેળવી લીધી. બુમરાહે લાબુશેન-ખ્વાજા વચ્ચેની બીજી વિકેટ માટેની 65 રનની ભાગીદારી તોડી હતી. પ્રથમ દિવસની રમતને અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર છ વિકેટે 311 રન હતો.